ગોળ ગોળ આંટાવાળી વસ્તુ બધી નક્કામી

  • પ્રકાશન તારીખ02 Dec 2019
  •  
હળવાશ- જિગીષા ત્રિવેદી
‘અમાર ભાણેજ જમઇએ પ્રસ્નલ બિજનેશનું ચાલુ કર્યું હોં અલા.’ ‘લે, કરતાં પહેલાં શએજ પૂછ્યું હોત તો!’ ‘કેમ? તમાર પાટનરસિપ કરવી’તી?’ ‘ના ના.. એને શલાહ-શુચન આલત.’ ‘તે હજી અલાય. હજી તો ચાલુ જ કર્યું છે.’ ‘તે પણ શેનો ધંધો ચાલુ કર્યો?’ ‘ધંધો નઇ અલા. ઓફિશ લીધી હશે.’ ‘હા, એન ભઇબંધે લીધી ઓફિશ.’ ‘તો એણે હુ કરવાનું? ઓફિસમાં રે’વાનું? કે બહાર ફરવાનું?’ ‘એ તો હવ ખબર નઇ.’ ‘બહાર ફરવાનું હોય તો નક્કામું. માણસો જોડે લમણાં લેવા પડે. ઓપિશમાં કામ કરવાનું હારું. કોમ્પ્યુટર સિવાય બીજા કસ્સા જોડે લમણાં તો નઇં લેવાનાં. માણસ કરતાં તો મસીન જ હારું. કહીએ એમ કરે તો ખરું.’ ‘પણ હાચું કઉં, એમાંય બહુ મજા નથી. કામ ના પતે ત્યાં હુધી બેહવું પડે. આંખો ફુટી જાય કોમ્પ્યુટરમાં જોઇજોઇને. ટાઢું ટિફિન ખાવામ મજા ના આવે અને આખો દિ’ આચર-કૂચર જ પેટમાં જાય. એના કરતાં બહાર ફરવું હારું. જમવા ટાઇમે ઘેર જતું રહેવાય. બે ઘડી આડો વાંહો કરવો હોય, તોય થાય. આમ ઘેરનું ઘેર ને આમ બહારનું બહાર.’ કંકુ-કલા અને સવિતાગૌરી ચર્ચા કરતાં’તાં, ત્યાં હંસામાસીની બૂમ સંભળાઇ, ‘અલા... નળ બંધ જ નહીં થતો. ગોળ ગોળ જ ફર્યાં કરે છે, ને ધડાધડ પાણી હાલ્યું જાય છે.’ ‘તે પણ ગોળ ફેરવવા પડે એવા નળ લેવાય જ નહીં.’ કંકુકાકીએ સૂચના આપી. ‘આ સસ્તું શોધવા જઇએ, એમાં આવું જ થાય. આડો હોય તો બંધ ને ઊભો હોય તો ચાલુ. એવો જ નળ લેવાય. ફાસ્ટ-ધીમાની પળોજણમાં પડવાનું જ નહીં.’ કલાકાકીએ સૂચના આપી. ‘એ જ તો. આ કાંઇ પંખાનું રેગ્યુલેટર કે મિક્સર ઓછું છે, કે જેમ ફેરવો એમ ફાસ્ટ થાય અને પછી ઝીરો. જો, ગોળ ગોળ ફેરવવાવાળી જે બી ચીજવસ્તુ આવે ને, એ બધી લગભગ જતે દહાડે ખરાબ થઇ જ જાય.’ સવિતાકાકીએ ઉદાહરણ સાથે સમજાવ્યું. રાડારાડી થઇ એટલે લીનાબેન ઓટલે આવ્યાં ને ઉમેર્યું,‘આંટાની વાત આવે, એટલે લોચો. હમજી જ લેવાનું, કે એ ઘસાઇ જસે, ત્યારે વસ્તુ નકામી. આ બુટ્ટીનો પેચ જ જુઓને તમે. આંટા ખરાબ થાય, એટલે ગમ્મે ત્યારે બુટ્ટી ઢીલી થઇને પડી જવાની જ બીક રહે છે કે નહીં?’ ‘કાચની બરણીઓના ઢાંકણાનુંય એવું જ ને યાર. અથાણું લેવા જાવ, ઢાંકણેથી પકડી હોય ને છટકી તો થ્યું. આખું રહોડું કાચથી ઝગામગા થઇ જાય.’ સવિતાકાકીએ બીજંુ એક્ઝામ્પલ આપ્યું. ‘આ જુઓને, કોઇ ગાંડા કાઢતું હોય, તો આપ્ડે ‘એના મગજના આંટા ઢીલા થઇ ગ્યા છે’ એવું કહીએ છીએ ક નઇં?’ કંકુકાકીએ જણાવ્યું, ‘ગોળ ગોળ ફરવાને, ને આંટા ઢીલા થવાને બહુ નજીકનો સબંધ છે યાર. આપ્ડે ફાસમ્ફાસ ફુદરડી ફરીએ, પછી ફેર ચડે, એટલે ચક્કર ખાઇને પડી જઇએ છીએ?’ મારા સહિત બધાંએ હોંકારો ભણ્યો. ‘પછી મગજમાં અંદર કસ્સું બી લોચો થાય કે તરત કેવાં ચક્કર આવે છે. ચક્કર આવે, એટલે બધું ગોળ ગોળ ફરે. એટલે પડી જવાય. જો, સરીર ગોળ ગોળ ફરે, તોય પડી જવાય ને મગજમાં લોચો પડે, તો બહાર બધું ગોળ ગોળ ફરતું લાગે અને પડી જવાય. વિજ્ઞાનનો એક જ સિદ્ધાંત છે. જ્યારે પણ બધું ગોળ ગોળ ફરે, એટલે આપ્ડે પડી જ જઇએ.’ લીનાબેને વૈજ્ઞાનિક રીતે સમજાવતાં ઉમેર્યું, ‘મૂળ મુદ્દે મગજની વાત હોય, કે વસ્તુની. ગોળ ગોળ ફરવાની વાત આવે, ભમ દઇને ધબોનારાયણ.’ હંસામાસી ખીજાયાં, ‘અલા, કો’ક પ્લમ્બરભઇન ફોન કરો ને, ટાંકી ખાલી થઇ જસે હવડે.’ ‘ઇ તો કરી દીધો, પણ અમથીય ટાંકી ખાલી થવાની જ છે. એનાં કરતાં તમે ફોન કરી દો બે-તૈણ. એક, હગાં-વ્હાલાંને જણાઇ દો, કે તમાર પાણી નથી અને એ એમ કહે કે, ‘અહીંયા આઇ જાવ. આય ઘર જ છે તમારું.’ એ ભેગી ‘હા’ જ પાડી દો. પછી ફોન કરો માર ભઇને કે હાંજે કોના ઘેર જમ્વાનું છે. આવા મોકા વારેવારે નથ આવતા. વધાઇ જ લો આ ઉપાધિને અને જલસા કરો આજનો દિ.’ હંસામાસીનંુ ટેન્શન એક સેકંડમાં આનંદમાં પરિવર્તિત થઇ ગયું.
x
રદ કરો
TOP