Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

મહારાષ્ટ્રમાં ખરા ‘ચાણક્ય’ કોણ?

  • પ્રકાશન તારીખ09 Dec 2019
  •  
ઈધર-ઉધર- વિક્રમ વકીલ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે જેટલા દિવસ રાજકીય સંઘર્ષ ચાલ્યો ત્યારે પરિસ્થિતિ બદલાતાં આધુનિક ‘ચાણક્ય’ કોણ? એ વિશે પણ ચર્ચા થતી રહી. કેન્દ્રીય પ્રધાન અમિત શાહથી માંડીને દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર અને સંજય રાઉત પર ‘ચાણક્ય’નો તાજ પહેરાવવાના પ્રયત્નો થયા. છેવટે જ્યારે ત્રણ રાજકીય પક્ષોના ગઠબંધનની સરકાર બની અને તોફાન શાંત થયું ત્યારે કેટલીક હકીકતો સ્પષ્ટ થઈ. અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સ્વાભાવિક રીતે ચાલાક રાજકારણી પુરવાર થયા નહીં. અજિત પવારે કાકા શરદ પવારના પગ નીચેથી કાર્પેટ ખેંચી કાઢવાની કોશિશ કરી છતાં એમને ગંધ સુધ્ધાં આવી નહીં, એ વળી કઈ રીતે એલર્ટ રાજકારણી ગણાય? છેવટે પુરવાર થયું કે આખા બખેડામાં સૌથી વધુ ચાલાક (કે ચાણક્ય) કોંગ્રેસના સાંસદ અને ખજાનચી અહમદ પટેલ પુરવાર થયા. ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસ ચોથા નંબરે હોવા છતાં સત્તાની કેકમાં સારો એવો હિસ્સો મેળવવા માટે અહમદ પટેલની મહેનત અને આવડત રંગ લાવી. હવે તમે જ કહો કે મહારાષ્ટ્રની રાજકીય સોગઠાબાજીના ‘ચાણક્ય’ કોણ?
ભાજપના સાથી પક્ષોની માગણી છે કે ‘સંકલન સમિતિ’ બનાવો
અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે ‘નેશનલ ડેમોક્રેટિક એલાઇન્સ’(એનડીએ)માં બધા પક્ષો વચ્ચે સુમેળ બની રહે એ માટે એક ‘સંકલન સમિતિ’ બનાવવામાં આવી હતી. જ્યોર્જ ફર્નાન્ડિઝ અને શરદ યાદવ જેવા નેતાઓ આ સમિતિના કન્વીનર્સ હતા. જોકે, એ વખતે ભાજપની સંપૂર્ણ બહુમતી નહોતી. નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી હોવાથી એને ‘સંકલન સમિતિ’ બનાવવાની જરૂર લાગી નહોતી. હવે કહેવાય છે કે, મહારાષ્ટ્રના ભવાડા પછી નીતીશકુમાર, ચિરાગ પાસવાન અને અકાલી દળ જેવા સાથી પક્ષો ફરીથી ‘સંકલન સમિતિ’ બનાવવાની માગ કરી રહ્યા છે.
બેંગકોકની મહિલા પોલીસો કેમ નારાજ થઈ રહી છે?
થાઇલેન્ડની રાજધાની બેંગકોકના પોલીસ પ્રમુખે સ્ત્રી પોલીસો માટે ફરમાન બહાર પાડ્યું છે કે તેઓએ ડ્યૂટી પર બિલકુલ મેકઅપ ન કરવો. તે ઉપરાંત યુનિફોર્મનું સ્કર્ટ ઘૂંટણ ઢાંકે એટલું લાંબું તો હોવું જ જોઈએ. તેઓ વાળ પણ કલર ન કરાવી શકે, ઉપરાંત હેર સ્ટાઇલ એવી રાખવી જે ચહેરા પર સ્વાભાવિક દેખાય, જેથી કરીને સામાન્ય યુવાનો મહિલા પોલીસ પર ફિદા ન થઈ જાય, પરંતુ અહીંની મહિલા પોલીસો આ બધી વાતોનો વિરોધ કરી રહી છે. તેઓની દલીલ મુજબ આ બધા નિયમો નારીવાદને પડકારવા માટે બનાવાયા છે.
બ્રિટનના શ્વાને ગોગલ્સ શા માટે પહેરવા પડ્યા?
બ્રિટનમાં યોર્કશાયર ખાતે રહેતા એલન અને રોસ થોમ્પ્સને ખાસ ચોકી કરવા માટે જર્મન શેફર્ડ કૂતરો પાળ્યો છે. આ કૂતરો આમ તો બધી રીતે સારું કામ આપે છે, પણ તેને આંખની એવી એક બીમારી લાગુ પડી છે, જે સૂર્યપ્રકાશમાંનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે વકરે છે. પશુઓના ડોક્ટરે થોમ્પ્સન દંપતીને સલાહ આપી કે ‘તમારા શ્વાનની આંખોને સુરક્ષિત રાખવી હોય તો એક જ રસ્તો છે, ગોગલ્સ.’ મિસિસ થોમ્પ્સન પાસે આવાં ગોગલ્સ હતાં. તેમણે એ લેડીઝ ગોગલ્સ નર કૂતરાને પહેરાવ્યાં. કૂતરો હવે કલાકો સુધી ગોગલ્સ પહેરે છે અને સ્વસ્થ છે.
રીઢી મહિલા ગુનેગારને સજાને બદલે વળતર શા માટે આપવામાં આવ્યું?
વા યવ્ય ઇંગ્લેન્ડમાં આવેલા લીવરપુલમાં રહેતી પેટ્રિસિયા મેક્કાથી નામની સ્ત્રીને દુકાનમાંથી ચોરી કરવાના, ધાડ પાડવાના અને ચેકબુક સાથે ચેડાં કરીને બીજાના ખાતામાંથી પૈસા ઉપાડવાના કુલ એક ડઝન આરોપસર પકડવામાં આવી હતી, પણ કોર્ટે પેટ્રિસિયાને સજા આપવાને બદલે 4,50,000 પાઉન્ડનું વળતર ચૂકવવું જોઇએ એવો આદેશ આપ્યો. પેટ્રિસિયાએ કોર્ટમાં એવી દલીલ કરી કે 1991માં તેણે એક ઓપરેશન કરાવ્યું ત્યાં સુધી તે કાયદાનું ચુસ્તપણે પાલન કરતી, ચાર બાળકોની એક જવાબદાર માતા હતી, પણ એ ઓપરેશન વખતે તેને બેભાન કરનાર વ્યક્તિની ભૂલને કારણે તેના મગજને કંઈક એવી ઈજા થઈ કે ઓપરેશન પછી તે તેના બોયફ્રેન્ડની સાથે ચોરી, લૂંટ અને બદમાશીના રવાડે ચડી ગઈ હતી. કોર્ટે પેટ્રિસિયાની દલીલને સાચી માની છે. પેટ્રિસિયા અત્યાર સુધીમાં ‘અવળા માર્ગે’ જેટલું નથી કમાઈ એટલું તે ‘વળતર માર્ગે’ કમાઈ લેશે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP