હેલ્ધી વુમન / બંને ફેલોપિયન નળીઓ બંધ હોય ત્યારે?

When both fellopian tubes are closed?

ડૉ. સ્મિતા શરદ ઠાકર

May 07, 2019, 01:04 PM IST

પતિની ઉંમર 45 વર્ષની પત્ની ઉંમર 42ની. પતિનું નામ પાર્થિવ અને પત્નીનું નામ પૂર્વા. બંને મારા ક્લિનિકમાં આવ્યાં ત્યારે હાથમાં ફાઇલ્સ હતી અને આંખોમાં ચિંતા. મેં પૂછ્યું, ‘શું તકલીફ છે?’ પૂછતી વખતે મારા મનમાં એવું સાંભળવાની ધારણા હતી કે પૂર્વા મેનોપોઝને લગતી તકલીફો માટે મારી પાસે આવી હશે પણ એણે મને ચોંકાવી દીધી. તેણે કહ્યું, ‘બહેન, મને પ્રેગ્નન્સી રહેતી નથી. એના માટે તમારી પાસે આવી છું.’
‘તારા લગ્ન ક્યારે થયાં?’ હું મનોમન ગણતરી કરી રહી હતી. બની શકે કે એણે મોટી ઉંમરે મેરેજ કર્યું હોય, પરંતુ એનો જવાબ મારી ધારણાથી વિપરિત હતો.
પૂર્વાએ કહ્યું, ‘અમારા લગ્નને 18 વર્ષ થયાં.’
‘18 વર્ષથી તમે શું કરતાં હતાં? મારી પાસે આટલાં મોડા કેમ આવ્યાં?’
એણે હવે પૂરી માહિતી આપી, ‘બહેન, અમારે એક દીકરી છે. લગ્ન પછી ત્રીજા વર્ષે જ ટીનાનો જન્મ થયો હતો. એ પછી બીજી વાર પણ મને પ્રેગ્નન્સી રહી ગઇ હતી. ત્યારે ટીના દોઢ વર્ષની હતી. એટલે અમે એબોર્શન કરાવી નાખવાનો નિર્ણય લીધો હતો.’
‘એ પછી આટલાં બધાં વર્ષ દરમિયાન તમે પ્રેગ્નન્સી ન રહી જાય તે માટે તમે સાવચેતી રાખતાં હતાં કે કુદરતી રીતે જ પ્રેગ્નન્સી રહેતી ન હતી?’
એણે કહ્યું, ‘બહેન, બીજા બાળક માટે અમારી ઇચ્છા ન હતી. અમને એક દીકરીથી સંતોષ હતો. અમારી ટીના ખૂબ જ ડાહી, સંસ્કારી અને હોશિયાર છે, પણ હવે ટીનાને એકલું લાગે છે. એને એક ભાઇ કે બહેનની ખોટ સાલે છે. ક્યારેક એ સૂનમૂન થઇને બેસી રહે છે. અમને એવો વિચાર આવે છે કે ભવિષ્યમાં જ્યારે અમે નહીં રહીએ ત્યારે આ જગતમાં અમારી ટીના એકલી પડી જશેને? માટે અમે ફરીથી પ્રેગ્નન્સી માટે તૈયાર થયા છીએ. છેલ્લા સાત-આઠ મહિનાથી એ માટે પ્રયત્ન કરીએ છીએ પણ સફળતા મળી નથી. છેવટે તમારી પાસે આવ્યાં છીએ.’
પૂર્વા અને પાર્થિવનો પ્રશ્ન મને સમજાઇ ગયો. મેં એની ફાઇલ હાથમાં લીધી. અંદર કોઇ ઊંટવૈદ્યની દવાઓના કાગળો હતા. પદ્ધતિસરની વૈજ્ઞાનિક સારવાર કરવામાં આવી ન હતી. મેં શારીરિક ચેકઅપ કર્યા પછી સલાહ આપી, ‘મને શંકા છે કે તમારી ફેલોપિયન નળીઓમાં ચેપની અસર થઇ હોવી જોઇએ. આ એક શક્યતા જ છે, પણ એ શક્યતા ગંભીર છે. તમારી વધતી જતી ઉંમરને ધ્યાનમાં લેતાં હું તમને લેપ્રોસ્કોપીની સલાહ આપું છું.’
એ પછીનો ત્રીસ મિનિટ્સનો સમય એ યુગલને લેપ્રોસ્કોપી એટલે શું એની સમજણ આપવામાં પસાર થઇ ગયો. એ બંને સમજુ હતાં. મારી સલાહ એમણે સ્વીકારી લીધી. મેં એમને તારીખ કાઢી આપી. કેટલા વાગે દાખલ થવું એ પણ જણાવી દીધું. એ બંને ગયાં.
નિર્ધારિત દિવસે પૂર્વા દાખલ થવા માટે આવી ગઇ. લેપ્રોસ્કોપી સર્જરી કરવા માટે અમારી પાસે ડોક્ટરોની એક આખી ટીમ છે. જેમાં બીજા બે ડોક્ટરો અને એક એનેસ્થેટિસ્ટનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત, છ જેટલા આસિસ્ટન્ટ્સ પણ હોય છે.
પૂર્વાને બેભાન થવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. એ પછી તેના ગર્ભાશયની અંદર એક પાતળું દૂરબીન દાખલ કરીને અંદરની સંરચના તપાસવામાં આવી. ત્યાં કશું જ વાંધાજનક જણાયું નહીં. એ પછી પેટની દીવાલમાં એક નાનકડો ચેકો મૂકીને બીજું દૂરબીન દાખલ કરવામાં આવ્યું. એ તપાસમાં પણ બધું સામાન્ય જણાયું. ગર્ભાશય, બંને અંડાશયો અને બંને ફેલોપિયન ટ્યુબ્સ નોર્મલ જણાતી હતી. તો પછી ગર્ભ ન રહેવાનું કારણ શું હોઇ શકે?
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે એક ખાસ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું. એક રંગીન પ્રવાહી દવા ગર્ભાશયના મુખ વાટે દાખલ કરીને ફેલોપિયન નળીમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પેટમાં મૂકવામાં આવેલા દૂરબીનમાંથી જોઇ શકાતું હતું કે એ પ્રવાહી દવા નળીના છેડામાંથી બહાર આવતી ન હતી. સ્પષ્ટ થઇ ગયું કે બંને નળીઓ બ્લોક થઇ ગઇ હતી. હવે પૂર્વા માટે આઇવીએફ ટ્રીટમેન્ટનો એકમાત્ર સહારો બાકી રહેતો હતો.
સામાન્ય રીતે આવા દર્દીઓને અમે આઇવીએફ (ટેસ્ટટ્યુબ બેબી)ની ટ્રીટમેન્ટ કરાવવાની સૂચના આપી દઇએ છીએ પણ પૂર્વાની ઉંમર અને એના પતિની આવકને ધ્યાનમાં લેતાં મને લાગ્યું કે તે આઇવીએફની સારવાર કરાવી નહીં શકે. તો શા માટે એક નવો પ્રયોગ ન કરવો?
અમે ગર્ભાશયની અંદરથી એક સાવ બારીક તાર દૂરબીન વડે મળતાં સતત માર્ગદર્શન હેઠળ વારાફરતી બંને ફેલોપિયન ટ્યુબ્સનાં છિદ્રોમાં દાખલ કર્યો. તાર ચોક્કસ જગ્યાએ સહેજ અટકી ગયો. ત્યાં નળી બંધ હતી. તારને સહેજ દબાણ આપવાથી નળી ખૂલી ગઇ અને તાર પસાર થઇ ગયો. આવું બંને તરફ કરવામાં ‌આવ્યું. એ પછી ફરીથી રંગીન પ્રવાહી દાખલ કરવામાં આવ્યું. આ વખતે એ પ્રવાહી નળીના બીજા છેડામાંથી બહાર આવતું જોવા મળ્યું. બંધ થયેલી ફેલોપિયન નળી ખોલી નાખવામાં અમને સફળતા મળી હતી. હવે માત્ર થોડા મહિના માટે પ્રતીક્ષા કરવાની જ રહેતી હતી. ઇશ્વરે બહુ લાંબી પ્રતીક્ષા ન કરાવી. પૂર્વા બીજા જ મહિને પ્રેગ્નન્સીના સારા સમાચાર લઇને મને મળવા માટે આવી પહોંચી.

X
When both fellopian tubes are closed?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી