Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

અહમને ‘આવજો’

  • પ્રકાશન તારીખ07 May 2019
  •  

અહંકારનું ચાલ નિર્વાણ કરીયે,
ઘણુંયે ચગ્યા, ચાલ ઉતરાણ કરીયે.
ઘણા રંગ છલકાવતાં આભ જગનું,
ઘણી ભાત સોહાવતી પોત નભ઼નું,
આ સોહાગી નભને મૂકીને ઊડો તો,
નવા એક નભ સાથે સંધાણ કરીએ,
ઘણુંયે ચગ્યા, ચાલ ઉતરાણ કરીયે.
પવન-ઝંઝા સામે હવે ક્રોધ ના હો,
અગાસી ને ધાબા તણો મોહ ના હો,
વધુ ઉડ્ડયનનો હવે લોભ ના હો,
સ્વયમમાં સ્વયમનું પરિત્રાણ કરીયે,
ઘણુંયે ‌ ચગ્યા ચાલ ઉતરાણ કરીયે.
ભલા ભોળા લંગર, ભલો કાચ દોરો,
ભલો થનગને લુંટવા નાનો છોરો,
ભલા વિશ્વને બહુ ભલી પેર ચાહી,
હવે સાંજ થઈ છે તો પરિયાણ કરીએ,
ઘણુંયે ચગ્યા ચાલ ઉતરાણ કરીયે.
– મીનાક્ષી ચંદારાણા

ચિંતન ક્યાંથી પ્રગટે છે? મૂળે તો હોય છે આપણાં મનમાં, વિચારમાં. સામે દેખાતી કોઈ પણ પરિસ્થિતિ, વસ્તુ એનું પ્રતીક બની જાય છે અને એ સંદર્ભે નીપજે છે ચિંતન. હોળીની જ્વાળા, દીપાવલીના દીપ, વસંતના ફૂલો કે મકરસંક્રાંતિના લાડુ કે પતંગ પણ એક નવો વિચાર જ્ન્માવી જાય છે. શબ્દો દ્વારા આંખ વાટે સીધી અંદર ઊતરી જતી વાત એ છે કે ઉતરાયણ અને ઉતરાણ બંનેના સંદર્ભો જોડી એક અત્યંત અર્થગંભીર રચના રચાઇ છે! શબ્દોને એટલે જ બ્રહ્મ કહ્યા હશે! કોઈપણ શબ્દ તમને વિચારની દોરીએ ચિંતનના આકાશમાં સહેલ કરાવી શકે છે. બસ, અંદરનું આકાશ હાથવગું હોવું જોઈએ, મનના પ્રદેશમાં જતાં કોઈ મૂંઝવણ ન નડવી જોઈએ. આવા અદ્ભુત વિશ્વમાં જીવવાની તક કવિતા જ આપી શકે.
ઉતરાણ કરવું એ બોલીના શબ્દ છે. એનો સીધો અર્થ છે ‘ઊતરવું’. લંગર, દોરી અને આકાશના પ્રતીકોથી આખી વાત મનમાં સૂર્યની જેમ ઝળહળી જાય છે, હવાની જેમ લહેરાય છે. કવયિત્રી કહે છે, ‘અહંકારનું ચાલ નિર્વાણ કરીયે/ ઘણુંયે ચગ્યા, ચાલ ઉતરાણ કરીયે’ સાવ ઓછા શબ્દોમાં કેટલું ગહન ચિંતન પરોવી લીધું છે! જરાક સફળતા મળે કે માણસ ‘ચગી’ જાય છે. કદીક સફળતા, કદીક પ્રેમ, કદીક કોઈ પ્રકારનો નશો કે અભિમાન! ગમે એટલું ઊડ્યાં પછી ધરતી પર પાછા આવવું જ પડે છે, પરંતુ સમજણથી સમયસર પાછા વળતાં કોને આવડે છે? આવી સમજ પણ સહજ જોવા નથી મળતી. ‘સમતા’ અને ‘સમજણ’ દીવો લઈને શોધવાની બાબત છે. એમાં વય ક્યારેક ભાગ ભજવે છે, પણ એય આંશિક જ અને મોટેભાગે તો એય જોવા નથી મળતું. ફુગ્ગો ફૂટી જાય ત્યાં સુધી, હવા ભરાયેલી જ રહે છે. બીજું કોઈ વધારે શક્તિમાન આવે કે પોતાની શક્તિઓ ઘટે ત્યાં સુધી માનવી પાછું વાળીને જોતો નથી.
રંગોની ઝાકઝમાળમાં ઘણું જીવ્યા, કુદરતી કે કૃત્રિમ અજવાળામાં ઘણું ઊડ્યાં, થાક વર્તાયો તોય બેસવાનું મન નથી થતું પણ હે જીવ, આ બધું ક્યાં સુધી? ચાલો, ‘સ્વયમમાં સ્વયમનું પરિત્રાણ કરીયે, હવે સાંજ થઈ છે તો પરિયાણ કરીએ’ અહીં સંવેદનાની ઊંચાઈ અપ્રતીમ છે. અદ્ધુત પંક્તિઓ છે. બહાર ઘણું ઊડી લીધું, દોડી લીધું, હવે ભીતરના ઊંડાણોને તાગીએ, અંદર ઉડાન ભરીએ એ શાશ્વત સંદેશ છે ને આખી રચનામાં સુગંધ ભરતો પથરાયેલો છે. ‘ઉતરાણ’ ફરજીયાત કરવું પડે એના કરતાં સમયસર સંકેલો કરી લઈને ‘ઉતરાણ’ કરી લેવું એ સમજદારી છે. કોઈ ઉતારે, પછાડે એ પહેલાં સમયસર સ્થાનપરત થઈ જવું એ નબળાઈની નિશાની નથી જ.
[email protected]

x
રદ કરો

કલમ

TOP