એકબીજાને ગમતાં રહીએ / પુત્રમોહની પરંપરા: પીડાનું પોટલું

Tradition of son-in-law: Bleeding of pain

કાજલ ઓઝા વૈદ્ય

May 07, 2019, 01:02 PM IST

‘ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્ર ઉપર મારા (વ્હાલા પુત્રો) અને પાંડવો શું કરી રહ્યા છે?’ આ સવાલ ધૃતરાષ્ટ્ર પૂછે છે, સંજયને. ભગવદ્્ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે આ. જો ધ્યાનથી સમજી શકાય તો સમજાય કે મહાભારતનું આ આખુંય યુદ્ધ મારા અને અન્યોની વચ્ચે થયું છે. રામાયણની સૌથી મોટી ટ્રેજેડી કે સંઘર્ષ પણ મારો પુત્ર ભરત અને કૌશલ્યાનો રામની વચ્ચે કૈકેયીના મનમાં જાગેલો સંઘર્ષ છે. ગણપતિનું મસ્તક છેદવા માટે શિવ પાસે એક જ કારણ છે, કદાચ. આ મારો નહીં પાર્વતીનો પુત્ર છે! છેક આદિકાળ-શિવપાર્વતીના સમયથી આજ સુધી સંબંધોમાં એક સમસ્યા આપણને સૌને પજવી રહી છે. આપણે જેને ચાહીએ છીએ તે અને એ સિવાયના આવા બે સ્પષ્ટ વિભાગો આપણા મનમાં છે. આપણે જેને ચાહીએ છીએ એના માટે આપણે કંઈ પણ કરવા તૈયાર છીએ. ક્ષમાથી લઇને સમર્પણ સુધીનું કંઈ પણ. એમની ભૂલ આપણને દેખાતી નથી. એમની તોછડાઈને આપણે સહી શકીએ છીએ. એમની આડોડાઈ આપણે ચલાવી શકીએ છીએ ને એણે કરેલું અપમાન આપણને અડતું નથી, કેમ કે એ ‘પોતાના’ છે.
બીજી તરફ એક આખો એવો સમૂહ છે જેને આપણે અન્ય, બીજા, પારકાં તરીકે ઓળખીએ છીએ. આ લોકોમાં ક્યારેક પુત્રવધૂ, ક્યારેક જેઠાણી, ક્યારેક સાસુ, ક્યારેક સાવકો ભાઈ તો ક્યારેક દિયર, સાળો કે સામાજિક સ્તરે જેને આપણે ‘સગાં’ કહી શકીએ એવી ઘણી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બધાં એવા લોકો છે જેમના વિશે આપણા મનમાં બહુ ઊંડો સ્નેહ કે આદર નથી. કોઈક કારણસર એ આદર કે સ્નેહ જન્મી શક્યો જ નથી. કહેવાનો અર્થ એવો નથી કે સંબંધમાં આપણે આવું કશું નથી મેળવી શક્યા એ માટે આપણે જવાબદાર છીએ, સામેની વ્યક્તિએ પણ પ્રયાસ ન કર્યો હોય, આપણા પ્રયાસની નોંધ સુધ્ધાં ન લીધી હોય એવું પણ બની જ શકે. સમય સાથે કે પહેલી જ ઓળખાણથી આવી વ્યક્તિઓ આપણા અંગત વર્તુળની બહાર રહી જાય છે. એ પારકાં છે, અન્ય છે, બીજાં છે.
હવે આ પારકાં અને પોતાનાની વચ્ચેનો સંઘર્ષ આપણી ભીતર સતત ચાલ્યા જ કરે છે. આપણે પોતાના માનીએ એ આપણને પોતાના માને જ એવું જરૂરી નથી! આપણે જેને પારકાં માનીએ એ આપણને પોતાના માનતા હોય એવું પણ બની જ શકે! સંબંધોની આ આંટીઘૂંટી અને માનવમનની ગલીકૂંચી બહુ ગૂંચવતી બાબત છે. મોટા-મોટા માનસશાસ્ત્રીઓ પણ હજી સુધી એ વાતનો જવાબ નથી આપી શકતા કે કોઈ વ્યક્તિ આપણને અચાનક જ શા માટે ગમે છે અથવા અચાનક જ શા માટે નથી ગમતી. આને કેમિસ્ટ્રી, સુષુપ્ત મનમાં પડેલી કોઈક અજ્ઞાત બાબત જેવાં કારણો આપીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે આપણે બધાં જ અજાણતાં કોઈ ધૃતરાષ્ટ્ર સિન્ડ્રોમનો ભોગ બન્યા છીએ. ખાસ કરીને સાસુ-વહુના સંબંધમાં આ સિન્ડ્રોમ બહુ મોટો ભાગ ભજવે છે. મોટાભાગની વહુઓની ફરિયાદ છે કે, ‘હું ગમે તેટલું કરીને મરી જાઉં, પણ એમને એમના દીકરા સિવાય કોઈ દેખાતું નથી.’ વહુ ગમે તેટલી સારી હોય, ભલી હોય, સમજદાર હોય ને કાળજી કરતી હોય, બીજી તરફ દીકરો માની સામેય ન જોતો હોય તેમ છતાં માને માટે ‘દીકરો’ જે જગ્યાએ છે તે જગ્યાએ પુત્રવધૂ ભાગ્યે જ પહોંચી શકે છે! આ આપણા ઉછેરની કમજોરી છે કે પછી સામાજિક દૂષણનો એક મહત્ત્વનો હિસ્સો, કોને ખબર!
પિતાને કદાચ પુત્રનાં દૂષણો, બદીઓ દેખાય છે, સમજાય છે, પણ મોટાભાગની ‘મમ્મી’ઓને દીકરો ક્યારેક ખોટો લાગતો નથી. મમ્મી હંમેશાં દીકરાનો પક્ષ લે, સામે પક્ષે પપ્પા હોય તો પણ ને પુત્રવધૂ હોય તો પણ. સવાલ એ છે કે પપ્પા જ્યારે કશું કહે છે ત્યારે એ પુત્રના સુરક્ષિત અને મજબૂત ભવિષ્ય વિશે ચિંતા કરીને એને વધુ સારો માણસ અને સક્ષમ પુરુષ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. બીજી તરફ પુત્રવધૂ જ્યારે પોતાના પતિની ફરિયાદ સાસુને કરે છે ત્યારે એ પોતાની સાસુને ‘મા’નો દરજ્જો આપી ચૂકી હોય છે. મોટાભાગની ‘મમ્મી’ને પુત્રવધૂની આવી કોઈ ફરિયાદ સાંભળવામાં રસ હોતો નથી. એટલિસ્ટ, શરૂઆતનાં વર્ષોમાં તો મોટાભાગની મમ્મીઓ બંધ આંખે દીકરો જ સાચો, દીકરો જ સારો અને દીકરો જ બિચારોની માનસિકતામાં પુત્રવધૂને અન્યાય કરે છે. ક્યારેક કેટલીક મમ્મીને સમય વીતતાં સત્યો સમજાતાં હોય છે, પરંતુ ત્યાં સુધીમાં સાસુ-વહુના સંબંધો એટલા બધા વસણી ગયા હોય છે કે એકબીજાની સામે હવે સત્ય સ્વીકારવાની જગ્યા બાકી રહેતી નથી. પુત્રવધૂ પોતાને થયેલો અન્યાય ભૂલી શકતી નથી અને સાસુ હવે કદાચ ‘સારી’ થવા જાય તો પણ એમની વચ્ચે પડેલો ભૂતકાળનો આખો મોટો વજનદાર પથ્થર હવે એ હટાવી શકે એમ હોતી નથી.
પુત્રમોહ આપણાં શાસ્ત્રોમાં બહુ નવી વાત નથી! હવે ધીરે ધીરે દીકરી તરફ ઝૂકી રહેલા લોકો કદાચ થોડા ઘણા બદલાયા હોય તો પણ એ સમાજનો એવો સ્તર છે જ્યાં પોતે મોડર્ન છે અને નવી રીતે વિચારે છે એવું દેખાડવાનો પ્રયાસ થોડો વધુ છે. આ દેશનો મોટાભાગનો વર્ગ સ્મોલ ટાઉન અને ગામડાંઓમાં વસે છે. ઓછું ભણેલી ગામડાની સ્ત્રીનો પુત્રમોહ અદમ્ય અને અવિચળ હોય છે. દુનિયાની કોઈ તાકાત કે સચ્ચાઈ એને એવું સમજાવી શકતી નથી કે જે દીકરો તારા માટે ચિંતા કરતો નથી, કાળજી રાખતો નથી એ દીકરા માટે જીવ બાળવાને બદલે કે એને છાવરવાને બદલે જે પુત્રવધૂ એની કાળજી કરે છે, એની સાથે દીકરી જેવો પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. આ કયા પ્રકારનું શિક્ષણ, માનસિકતા કે ઉછેર છે એ હજી સુધી કોઈ સમજી શક્યું નથી, પણ આપણા દેશમાં સાસુ-વહુના સંબંધો સદાય ક્વેશ્ચનમાર્ક રહ્યા છે. વહુને ‘પારકી જણી’ જેવું વિશેષણ કોલોક્વિયલ-લોકબોલીમાં આપવામાં આવ્યું છે. જમાઈને ક્યારેય પારકો જણ્યો કહેવામાં આવતો નથી! આનું કારણ કદાચ એવું હશે કે અતિ પરિચયાદ અવજ્ઞાનો કાયદો અહીં કામ કરતો હશે. પોતાને ઘેર રહેતો જમાઈ રોજેરોજના ઘર્ષણમાં આવતો નથી. એ ક્યારેક જ સાસરે આવે છે, એટલે કોઈ રેર ઇવેન્ટની જેમ એનું મહત્ત્વ તહેવાર જેવું છે, જ્યારે પુત્રવધૂ રોજ એ જ ઘરમાં રહે છે. નજર સામે દેખાય છે, સાથે ખાય છે, સાથે જીવે છે માટે એ કોઈ નવાઈની ઘટના નથી. એ રોજિંદી તારીખ છે, કોઈ તહેવાર નથી!
સમય બદલાયો છે. નવા જમાનાની છોકરીઓ કમાય છે, સ્વતંત્ર વિચારી શકે છે ને કદાચ એમનામાં બીજી સ્ત્રી પરત્વેની સહાનુભૂતિ અને આદર થોડો વધુ છે, કદાચ એ પોતાના સ્ત્રીત્વને એ રીતે ગૌરવ આપે છે. છેલ્લા થોડા વખતમાં આપણે એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે કે દીકરા કરતાં પુત્રવધૂ સવાઈ સાબિત થઈ હોય. દીકરો જે ન કરતો હોય એ પુત્રવધૂએ કરી બતાવ્યું હોય. દીકરાના મૃત્યુ પછી પણ, દીકરા સાથે છૂટાછેડા થયા પછી પણ પુત્રવધૂએ પોતાનાં સાસુ-સસરાની કાળજી લીધી હોય! જોકે, બધી પુત્રવધૂઓ આવી ન પણ હોય. નવા જમાનાની છોકરીઓ વિશે ઘણી ફરિયાદો પણ સાંભળવા મળે છે, એમને ઘરકામમાં રસ નથી, બચત કરતી નથી વગેરે! સવાલ એ છે કે એ એની જિંદગી એની સ્વતંત્રતાથી જીવે છે એમાં આપણે (કોઈ પણ સાસુ કે વડીલે) ખરેખર કશું કહેવાની જરૂર છે? એ કમાય છે અને એના પૈસા વાપરે છે તો એમાં આપણે કેવી રીતે કંઈ કહી શકીએ? જો એને સ્વતંત્રતા આપીએ તો, એનો આદર કરીએ તો એ પણ સામે એવું જ વર્તે એવું નથી લાગતું? આનું કારણ કદાચ એ છે કે હવેની, નવા જમાનાની છોકરીઓ સંબંધોને સમાજની નહીં, સમજણ અને સ્વતંત્રતાની દૃષ્ટિએ જુએ છે. આ છોકરીઓ જે કંઈ કરે છે તે ડરીને કે સમાજને દેખાડવા નથી કરતી, આ નવા જમાનાની છોકરીઓ જે કંઈ કરે છે એ એના મનની અને એની સમજણની ભેટ છે. આવા સમયમાં જો સાસુઓ પણ થોડુંક મોડર્ન વિચારતી થાય અને પુત્રવધૂને એના સ્નેહ માટે, એની કાળજી કે સમજણ માટે થોડીક પ્રશંસા, થોડુંક વહાલ ને થોડાક આભાર સાથેનો આદર આપી શકે તો નવા જમાનાની સાસુ-વહુના સંબંધો કોઈક જુદી જ વ્યાખ્યા લખી શકે.
[email protected]

X
Tradition of son-in-law: Bleeding of pain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી