Back કથા સરિતા
શ્યામ પારેખ

શ્યામ પારેખ

સાંપ્રત (પ્રકરણ - 24)
લેખક વરિષ્ઠ પત્રકાર હોવા ઉપરાંત પત્રકારત્વ કોલેજના તથા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ના સ્થાપક છે.

આ કૉલમ મોબાઇલ પર બોલીને ‘લખાયેલી’ છે!

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  

સદીઓ સુધી પુસ્તકો હાથેથી લખાતાં. ત્યારબાદ એક-એક અક્ષર ટાઇપસેટ થતો અને મશીન પર છપાતો. છેલ્લી સદીમાં ટાઇપરાઇટર અને ત્યારબાદ કમ્પ્યૂટર આધારિત ડેસ્કટોપ પબ્લિશિંગ સિસ્ટમની શરૂઆત થઈ તે બાદ આપણે ટાઇપ કરીને કે ડીટીપીમાં લખીને પ્રસિદ્ધ કરતા થયા, પરંતુ ગુજરાતી ટાઇપિંગ કે ટાઇપ સેટિંગ ક્યારેય અંગ્રેજી જેટલું વ્યાપક ન બની શક્યું. તેનું મુખ્ય કારણ છે ગુજરાતી કી-બોર્ડ ક્યારેય અંગ્રેજી જેટલું સરળ નહોતું, પરંતુ એન્ડ્રોઇડ ફોન આવ્યા પછી આ સ્થિતિ થોડી બદલાઈ અને સહેલાઈથી લોકો ગુજરાતીમાં નાના-મોટા મેસેજ લખતા થયા, પરંતુ જ્યારે ખૂબ બધું લખવાનું હોય ત્યારે એક-એક અક્ષર ટાઇપ કરવો અને પછી જરૂર હોય ત્યાં સુધારા કરવા ઊલટું વધારે કષ્ટદાયક થતું.
આ જ કારણે આપણે ઘણાં બધાં વર્ષોથી લેખકોને, પત્રકારોને, વડીલોને અને સામાન્ય લોકોને એવો વિચાર વ્યક્ત કરતા સાંભળ્યા છે કે કાશ આ લખવાની કે ટાઇપ કરવાની જરૂર જ ન પડે! અને કોઈ ઝંઝટ ન રહે તે રીતે માત્ર બોલીએ અને ટાઇપ થઈ જાય તો કેવું સારું! પરંતુ ટેકનોલોજી આપણી ઇચ્છાથી થોડી પાછળ હતી, પરંતુ બહુ નહીં. આપણે બોલીએ અને ટાઇપ થાય તેવી ટેક્નોલોજિકલ વ્યવસ્થા એકાદ વર્ષ અગાઉ સુધી ઉપલબ્ધ ન હતી, પરંતુ જાન્યુઆરી 2019થી હવે શક્ય બન્યું છે. જી હા, તમારા એન્ડ્રોઇડ કે એપલ ફોનમાં હવે તમે બોલો તે ટાઇપ થઈ શકે છે, તે પણ ગુજરાતીમાં, હિન્દીમાં કે ઘણી બધી ભારતીય ભાષાઓમાં, માત્ર અંગ્રેજીમાં જ નહીં!
ઘણા બધા લોકોને આ ગૂગલ ઇન્ડિક કી-બોર્ડ અને જીબોર્ડના આ ફીચર્સ વિશે ખ્યાલ હશે જ, પરંતુ મારા ધ્યાનમાં છે. તાજેતરમાં જ ઉપલબ્ધ થયેલું આ ફીચર હજુ સુધી સામાન્ય ગુજરાતીઓમાં ખૂબ ચલણમાં આવ્યું હોય તેવું લાગતું નથી. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય કે આ કેવી રીતે શક્ય બને, તો આ રહ્યો તેનો જવાબ.
હવે જો તમને કદાચ એમ થતું હોય કે આ ટેક્નોલોજી વાપરવી ખરેખર સરળ હશે કે નહીં અથવા એ શીખવામાં કદાચ વાર લાગશે, તો આ રહી તે અંગે સરળ જાણકારી. અહીં દર્શાવેલ રીતે તમે આગળ વધશો તો લગભગ 10થી 15 મિનિટમાં તમે બોલીને સડસડાટ ટાઇપ કરતા હશો!
પ્રથમ તો તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને google doc એપ ડાઉનલોડ કરો. અગર જો તમે વધુ એક એપ ડાઉનલોડ કરવા ઇચ્છતા ન હો તો પણ ઉપાય છે. કોઈપણ બ્રાઉઝરમાંથી ગૂગલ વેબસાઇટ ખોલો અન ગૂગલ ડ્રાઇવમાં જઈ એક નવું ગૂગલ ડોક્યુમેન્ટ ખોલો. ગૂગલ ડોક સાથે પ્લે સ્ટોરમાંથી ગૂગલ ઇન્ડિક કી-બોર્ડ અને જીબોર્ડ એમ બન્ને એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરો. ગૂગલ ડોકનો ઉપયોગ કેમ કરવો એ જો તમને ખ્યાલ ન હોય તો થોડા યુટ્યૂબ વિડિયો જોઈ શકો છો અથવા ગૂગલમાં ડોક દબાવતાંની સાથે આવતી સૂચનાઓ વાંચવાથી પણ તમને ખ્યાલ આવશે.
આ ડાઉનલોડ પૂરું કરી બંને કે ત્રણેય એપને ઇન્સ્ટોલ કરવી અને ત્યારબાદ તમારા ફોનના સેટિંગ્સમાં જઈ સિસ્ટમ બટન દબાવતાં જ, અંદર લેંગ્વેજ અને ઇનપુટ સિલેક્શન મળશે. તેમાં જઈને વર્ચ્યુઅલ કી-બોર્ડ બટન દબાવતાં જીબોર્ડને સિલેક્ટ કરવું. જીબોર્ડમાં જઈ લેંગ્વેજીસ બટન દબાવતાં નીચે એડ કી-બોર્ડ બટન આવશે, એ દબાવતાં જ અનેક ભાષાઓનું લાંબું લિસ્ટ આવશે. તેમાં જઈને ગુજરાતી કે પસંદની અન્ય કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો. હવે ગુજરાતીમાં તમે બોલેલું ટાઇપ કરવા તમારો ફોન સજ્જ છે!
હવે તમે ડોક્યુમેન્ટમાં ટાઇપ કરવાની કોશિશ કરશો તો તમારું કી-બોર્ડ કદાચ હજુ અંગ્રેજીમાં જ હશે. તે બદલી અને ગુજરાતી કરવા માટે સ્પેસબાર અથવા તેની બાજુમાં રહેલું ગોળાનું નિશાન દબાવી અને ભાષાનું લિસ્ટ આવે તેમાંથી ગુજરાતી સિલેક્ટ કરો. અહીંયાં તમે ગુજરાતીને બદલે અન્ય કોઈ ભાષા પણ સિલેક્ટ કરી શકો છો. હવે ગુજરાતીમાં તમારું બોલેલું ‘સાંભળવા’ અને લખવા માટે કી-બોર્ડ એમ બંને તૈયાર છો. હવે તમે જોશો તો કી-બોર્ડની ઉપરના ભાગમાં જમણી બાજુ તમને એક માઇક્રોફોનની નાનકડી નિશાની દેખાશે. એ દબાવશો એટલે તેની બાજુમાં ‘listening’ લખેલું હશે. તમારા અવાજ સાથે રિસ્પોન્સ આપતો કલર બેન્ડ દેખાશે અને સાથે સાથે તમે જે બોલી રહ્યા છો ટાઇપ થતું જતું દેખાશે!
જોકે, થોડા ખુલાસા જરૂરી છે. તમારે જો કોઈ punctuation માર્ક મૂકવા હોય, જેમ કે પૂર્ણવિરામ કે અર્ધવિરામ, તો સરળ નથી. માઇક્રોફોનની નિશાની ફરીથી દબાવી અને ટાઇપિંગ રોકી, કી-બોર્ડનો ઉપયોગ કરી punctuation માર્ક્સ વાપરવા પડશે. આ ઉપરાંત એડિટિંગ કરવા માટે, સુધારાવધારા માટે તમારે કી-બોર્ડનો ઉપયોગ કરવો પડશે, પરંતુ થોડા પ્રયાસો બાદ પક્કડ આવી જશે ત્યારે તમે ઘણો બધો સમય અને ઝંઝટ બચાવી શકશો. ફોનની નાની સ્ક્રીન પર ગુજરાતીમાં ટાઇપ કરવામાં ઘણો ટાઇમ લાગી શકે, જ્યારે બોલીને લખવામાં તમારી બોલવાની ઝડપ સામાન્ય કે સામાન્યથી થોડી વધારે હોય તોપણ આ કી-બોર્ડને ટાઇપ કરવામાં તકલીફ નથી પડતી, તેવો મારો અનુભવ છે. આમ તમે ગાડીમાં બેઠા હોલ કે કોઈ જગ્યાએ ફુરસત હોય તો ત્યાં જ બોલી અને ટાઇપ કરી શકો છો અને એ પણ કોઈપણ તકલીફ વિના, કોઈ પણ ખર્ચા કે કોઈ પણ વધારાનાં સાધનો વિના.
[email protected]

x
રદ કરો

કલમ

TOP