બ્લેક એન્ડ વ્હાઈટ / એકબીજાનું માથું ભાંગે એવા રાજાઓ જગતમાં પાક્યા છે!

The kings who break each other's heads are in the world!

થાઈલૅન્ડના રાજાએ બૉડીગાર્ડ યુવતીને રાણી બનાવી એ જાણીને નવાઈ લાગી હોય તો વાંચો દુનિયાના અડિયલ-વિચિત્ર રાજાઓની દિમાગ ચકરાઈ જાય એવી વાતો!

 

આશુ પટેલ

May 16, 2019, 05:50 PM IST

થોડા દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે થાઈલૅન્ડના રાજા વજિરાલોંગકોર્ને તેમની (તેમનાથી 26 વર્ષ નાની) બૉડીગાર્ડ સુથિદા તિદ્જઈ સાથે લગ્ન કરી લીધાં. તે બંને વચ્ચે એક દાયકાથી અફેર ચાલતું હતું. વજિરાલોંગકોર્નના આ ચોથા લગ્ન છે. સુથિદા અગાઉ થાઈ ઍરવેઝમાં ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતી હતી. એ પછી વજિરાલોંગકોર્ને તેને પોતાની બોડીગાર્ડ બનાવી હતી. એ પછી તેને બઢતી આપીને રોયલ થાઈ આર્મીની જનરલ બનાવાઈ હતી. રાજાની સુરક્ષા વ્યવસ્થા તે સંભાળતી હતી. રાણી બનતા અગાઉ રાજાને ગિફ્ટ આપવા માટે તેણે દરબારના મુખ્ય દરવાજેથી દંડવત પ્રણામ કરતા-કરતા રાજાના સિંહાસન સુધી પહોંચવું પડ્યું. થાઈલેન્ડમાં રાજાને ભગવાન ગણવામાં આવે છે. લોકો દંડવત પ્રણામ કરતા કરતા રાજા સુધી પહોંચે છે.
આ સમાચાર વાંચીને દુનિયાના જુદા-જુદા અડિયલ-ધૂની રાજાઓ અને તેમની વિચિત્ર પ્રવ્રુત્તિઓ વિષે લખવાનું મન થયું.
થાઈલૅન્ડના રાજાની વાત વાંચીને તમને નવાઈ લાગી હોય તો બીજા કેટલાક રાજાઓના કિસ્સાઓ જાણીને તમારું દિમાગ જ ચકરાઈ જશે. ફ્રાંસનો કિંગ ચાર્લ્સ એવું માનતો હતો કે પોતે કાચનો બનેલો છે! બીજા માણસોને મળે એ વખતે પોતે તૂટી ન જાય એટલે તે તેના કપડામાં સળિયા લગાવતો હતો! એનો ઉલ્લેખ ‘ચાર્લ્સ ધ મૅડ’ તરીકે પણ થતો હતો. તે એક વાર સળંગ પાંચ મહિના સુધી નહાયો નહોતો અને તેણે એટલા સમય સુધી કપડાં પણ બદલ્યા નહોતા!
પંદરમી સદીમાં ઈંગલૅન્ડના રાજા હેનરી આઠમાએ ‘ગ્રુમ ઓફ ધ સ્ટૂલ’ નામના અધિકારીની નિમણૂક કરી હતી. એનું કામ શું હતું? કિંગ હેનરી પેટ સાફ કરવા માટે તેના બેડરૂમની બાજુના વૈભવશાળી ટોયલેટમાં બેસે ત્યારે ‘ગૃમ ઓફ ધ સ્ટૂલ’એ તેને એ ‘પ્રોસેસ’ માં મદદ કરવાની રહેતી હતી! રાજાને પેટ સાફ આવે ત્યાં સુધી તે રાજાને ગમે એવી વાતો કરીને તેને મદદરૂપ બનતો હતો. ‘ગૃમ ઓફ ધ સ્ટૂલ’નું કામ નોકરનું નહોતું ગણાતું, પરંતુ તે અત્યંત મહત્વનો અધિકારી ગણાતો અને રાજાનો ખૂબ નિકટનો માણસ ગણાતો. તેની પાસે રાજા પોતાના રહસ્યો પણ શેર કરતો હતો. રાજા તેને ખૂબ ફેવર કરતો. એ પછી ‘ગૃમ ઓફ ધ સ્ટૂલ’ની નિમણૂકની પરંપરા ઘણા સમય સુધી ચાલુ રહી. અને શાસક જો મહિલા (રાણી) હોય તો એ આ હોદ્દા પર તેની કોઈ ઉચ્ચ સ્તરની વિશ્વાસુ મહિલાની નિમણૂક કરતી હતી. આવા ‘અધિકારીઓ’ ખૂબ જ મહત્વના હોદ્દા પર રહેતા હતા અને તેમની પાસે ખૂબ જ પ્રોપર્ટી રહેતી. ઓગણીસમી સદીના અંતમાં કિંગ એડવર્ડ સત્તા પર આવ્યો સુધી આ પરંપરા ચાલુ રહી હતી. છેલ્લો ‘ગૃમ ઓફ ધ સ્ટૂલ’ જેમ્સ હેમિલ્ટન હતો, જેને સેકન્ડ ડ્યુક ઓફ ઍબરકોર્ન તરીકે સ્ટૅટસ મળ્યું હતું. તેની બીજી એક ઓળખ આપીએ તો તે બે દાયકા અગાઉ કાર એક્સીડન્ટમાં અકાળે મૃત્યુ પામેલી પ્રિન્સેસ ડાયેનાનો ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડફાધર એટલે કે પિતાનો પરદાદા હતો!
આફ્રિકન કન્ટ્રી માલીનો રાજા કિંગ માન્સા મુસા ભયંકર ઉડાઉ હતો. તેની પાસે ચિક્કાર સોનુ હતું. તે 1324થી 1325ના સમય દરમિયાન મક્કાની યાત્રાએ ગયો હતો ત્યારે 60 હજાર માણસોને પોતાની સાથે લઈ ગયો હતો એમાં 12 હજાર ગુલામો હતા. અને દરેક ગુલામ બે કિલો જેટલું સોનું ઊંચકીને તેની સાથે પ્રવાસ કરી રહ્યો હતો. એટલે કે આશરે 24 હજાર કિલો સોનું આ ગુલામો પાસે હતું. આ ઊપરાંત તેની સાથે ઊંટનો મોટો કાફલો હતો અને દરેક ઊંટ પર પણ સોનું લદાયેલું હતું! તે જે નગરમાંથી પસાર થતો હતો ત્યાંની યાદગીરી માટે વસ્તુઓ લેતો અને એના બદલામાં સોનુ આપતો હતો. તેણે સોનાનું એટલું દાન કર્યું કે સોનાના ભાવ ગગડી ગયા અને મિડલ ઇસ્ટ અને ઈકોનોમીની પત્તર ઝીંકાઈ ગઈ!
ક્રૂર રોમન સમ્રાટ નીરોએ તેની સગર્ભા પત્ની પોપીઆ સબિનાને લાત મારી હતી એને કારણે તે કમોતે મરી ગઈ હતી. એ પછી નીરોએ બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેણે સ્પોરસ નામના એક છોકરા સાથે લગ્ન કર્યા હતા! તે છોકરો તેની પત્ની પોપીઆ જેવો ચહેરો ધરાવતો હતો. નીરો તેને રાણી પહેરતી હોય એવાં જ કપડાં પહેરવાની ફરજ પાડતો હતો. તે છોકરાને તે ‘લેડી’, ‘એમ્પ્રેસ’ કે ‘મિસ્ટ્રેસ’ તરીકે જ બોલાવતો હતો. નીરોએ થોડા વર્ષો પછી અન્ય પુરુષ સાથે પણ લગ્ન કર્યા હતા અને એ પુરુષને તે પતિ માનતો હતો! એ પુરુષ તેના માટે પતિ હતો અને સ્પોરસને તે પોતાની પત્ની ગણતો હતો!
આવા નમૂનાઓમાં બધાનું માથું ભાંગે એવો સમ્રાટ ગેઈસ કેઝર હતો, જેનું નામ જુલિયસ સીઝર પરથી પાડવામાં આવ્યું હતું. તે ‘કૅલીગુલા’ તરીકે કુખ્યાત થયો હતો. તે પાગલપનની બધી હદ વળોટી ચૂકયો હતો. તે તેના દરબારીઓ કે સેનાપતિ કે એની આજુબાજુની કોઈપણ વ્યક્તિની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. તે જેને પણ આદેશ આપતો તેણે તેની પત્નીને લઈને તેની સામે હાજર થઈ જવું પડતું. અને ક્યારેક તો તેના કોઈ અધિકારીના લગ્ન થયા હોય ત્યારે તે અધિકારી તેની પત્ની સાથે મધુરજની માણે એ પહેલા કૅલીગુલા તેની સાથે સેક્સ માણતો. અને તેના મનમાં આવે તો એ વખતે તે પેલા અધિકારીને હાજર રહેવાની ફરજ પાડતો! એ તેની ક્રૂરતા માટે પણ બહુ કુખ્યાત હતો. એક વાર એક સ્ટૅડિયમમાં કોઈ સમારંભ દરમિયાન તે ‘બોર’ થઈ ગયો. કંટાળો દૂર કરવા તેણે સ્ટૅડિયમના એક સેક્શન તરફ આંગળી ચીંધીને તેના ગાર્ડ્સને આદેશ આપ્યો કે એમાં બેઠેલા બધા પ્રેક્ષકોને ગ્રાઉન્ડમાં ફંગોળી દો. એ પછી તેણે એ પ્રેક્ષકો પર હિંસક પ્રાણીઓ છોડી મૂકવાનો આદેશ આપ્યો. હિંસક પ્રાણીઓ નિર્દોષ પ્રેક્ષકોને ફાડી ખાઈ રહ્યા હતા એ જોઈને તે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો! તેણે ‘ઈનસિટૅટૅસ’ નામના તેના એક પ્રિય ઘોડાની પાદરી તરીકે નિમણૂક કરી હતી. તે ઘોડા પ્રત્યે લાગણી દર્શાવવા માટે અને બીજા દરબારીઓને એ બતાવી દેવા માટે (કે આ ઘોડો કરતા વધારે સારું કામ કરી શકે!) તેણે તે ઘોડાને દરબારમાં ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવાનું નક્કી કર્યું હતું, પણ તે એવું કરે એ પહેલા તેનું ખૂન થઈ ગયું હતું!
આવા તો કંઈક નમૂનાઓ ઈતિહાસમાં નામ લખાવી ગયા છે. ચીનનો એમ્પરર વુ ઓફ જિન હજારો રખાતો ધરાવતો હતો. તેણે પાંચ હજાર રૂપાળી સ્ત્રીઓ બીજા સમ્રાટ પાસેથી ખરીદી હતી. એ ગુલામ સ્ત્રીઓ સહિતની અગાઉની બધી સ્ત્રીઓને તેણે ઘર આપ્યાં હતાં. તેને એ નક્કી કરવામાં મુશ્કેલી પડતી હતી કે આજે કઈ રખાત સાથે રાત પસાર કરવા જવી. એટલે પછી તેણે 273ના વર્ષમાં એક વિચિત્ર રસ્તો શોધી કાઢ્યો હતો. તે બકરાગાડી લઈને રખાતો રહેતી હતી એ વિસ્તારમાં નીકળી પડતો હતો. તેનું વાહન ખેંચી રહેલા બકરા જે ઘર પાસે ઊભા રહી જાય તે રખાતના ઘરમાં રાત ગાળવા તે ચાલ્યો જતો! રાજ્યની સૌથી સુંદર સ્ત્રીઓને પામવા તે આતુર રહેતો. તેના અત્યંત ઉચ્ચસ્તરના અધિકારીઓની સુંદર દીકરીઓને પણ તેણે છોડી નહોતી. તેની (રૂપાળી સ્ત્રીઓને શોધવાની) ‘સિલેક્શન પ્રોસેસ’ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી તેના રાજ્યમાં કોઈને પણ લગ્ન કરવા પર તેણે પ્રતિબંધ મૂકી દીધો હતો! રશિયન સમ્રાટ પીટર ધ ગ્રેટ અને ઈંગ્લૅન્ડના રાજા હેનરી આઠમાએ તેમના સમયમાં બિઅર્ડ ટૅક્સ ઝીંક્યો હતો. કોઈ પણ પુરુષ દાઢી કર્યા વિના ઘરની બહાર નીકળે તો તેણે બીઅર્ડ ટૅક્સ ભરવો પડતો હતો!
છેલ્લે થાઈલૅન્ડના વર્તમાન રાજાના એક કિસ્સા સાથે જ લેખ પૂરો કરીએ. થાઈલૅન્ડના રાજા વજિરાલોંગને એક કૂતરો બહુ પ્રિય હતો. ફૂ-ફૂ નામનો એ કુતરો તેને એટલો ગમતો હતો કે તેણે તેને રોયલ થાઈ એરફોર્સનો એર ચીફ માર્શલ બનાવી દીધો હતો! એ કૂતરો મરી ગયો ત્યારે થાઈલૅન્ડમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો હતો! {

X
The kings who break each other's heads are in the world!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી