Back કથા સરિતા
શ્યામ પારેખ

શ્યામ પારેખ

સાંપ્રત (પ્રકરણ - 24)
લેખક વરિષ્ઠ પત્રકાર હોવા ઉપરાંત પત્રકારત્વ કોલેજના તથા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ના સ્થાપક છે.

જેક માની 996 અને 669 ફૉર્મ્યુલાને અનુસરવાનાં જોખમો

  • પ્રકાશન તારીખ20 May 2019
  •  

ખૂબ કામ કરતા અને કરાવતા તથા લાખો-કરોડો કમાવવામાં સફળ નવા જમાનાના ધનાઢ્ય લોકો આજકાલ ફિલસૂફી પણ ખૂબ સારી રીતે કરી જાણે છે! એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ દુનિયા માટે એક નવા જમાનાના ઈન્સ્પિરેશનલ ગુરુ તરીકે પણ એટલા જ જાણીતા થયા છે. તેમની ફિલસૂફી તેમનાં કપડાં, કલરની ચોઈસ, કામ કરવાની પદ્ધતિ, આ બધું જ એપલની પ્રોડક્ટસ જેટલું જ પ્રસિદ્ધ થયું છે. તો વળી બર્કશાયર હાથવે કંપનીની વોલમાર્ટ બ્રાન્ડથી વિશ્વપ્રસિદ્ધ થયેલા દાનવીર અને ઇન્વેસ્ટર વોરન બુફે હોય કે પછી માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ. આ બધા જ લોકો તેમની સફળ બ્રાન્ડ્સ જેટલા જ પ્રસિદ્ધ અને જાણીતા છે. તેમનાં પુસ્તકો અને તેમનાં ભાષણો કરોડો લોકો હોંશે હોંશે વાંચે છે અને સાંભળે છે.
ચીનની અલીબાબા બ્રાન્ડની સફળતા બાદ વિશ્વવિખ્યાત બનેલા જેક મા પણ પોતાની આગવી ફિલસૂફીથી હમણાં સમાચારમાં રહે છે. ચીનમાં અપ્રિય થયેલી અને સપ્તાહના છ દિવસ, રોજ બાર કલાક કામ કરવા બાંધતી 996 તરીકે ઓળખાતી આ નીતિ પ્રમાણે ચીનની ઘણી બધી મોટી કંપનીઓ, જેમાં મોટાભાગની પ્રમુખ ટેક્નોલોજી કંપનીઓ સામેલ છે, તેમાં લોકોને સવારના 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરાવાય છે. સામાન્ય રીતે અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ અને તે પણ માત્ર આઠ કલાક માટે જ કામ કરવાના કાયદાઓ દુનિયાભરના વિકસિત દેશોમાં અમલી છે, પરંતુ ખૂબ ઝડપથી વિકાસ કરવા મથી રહેલા ચીન અને ભારત જેવા દેશોમાં કામકાજના કલાકો ખૂબ લાંબા હોય છે. જેક મા પોતાની કંપનીમાં કામના કલાકો, આ નીતિ પ્રમાણે અનુસરે છે અને તેને કારણે ઘણીવાર વિવાદમાં આવ્યાં છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાની અલીબાબા કંપનીમાં અલી ડે તરીકે ઓળખાતા સામૂહિક લગ્નદિવસ પ્રસંગે તેમણે કર્મચારીઓને સલાહ આપતા કહ્યું કે કામમાં 996ની નીતિ અનુસરો અને ઘેર સિક્સ સિક્સ નાઇન એટલે કે 669ની પદ્ધતિ અપનાવો! અને તેમની આ કોમેન્ટે ખૂબ મોટો વિવાદનો મધપૂડો છેડી દીધો. નવદંપતીઓને સલાહ આપતા તેમણે કહ્યું કે અઠવાડિયામાં છ દિવસ એટલે કે રોજ એક વખત સેક્સ માણો. અને તેમાં નવનો આંકડો લાંબા સમયગાળાનો સૂચક છે. ચીનની મેન્ડેરિન ભાષામાં 9નો આંકડો સૌથી શક્તિશાળી મનાય છે.
જોકે, તેમની આ મજાકિયા સલાહે ખૂબ ગંભીર ચર્ચા છેડી દીધી છે. તેમના જ કર્મચારીઓથી માંડી સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે વિશ્વભરમાં ચર્ચા ફાટી નીકળી. બાર કલાક કામ કર્યા પછી અંગત જિંદગી માટે કોઈ પાસે કેવી રીતે સમય રહે? તથા શું આવી સલાહ આપવી યોગ્ય છે? જેવા અનેક સવાલોનો મારો ચાલ્યો છે, પરંતુ આના મૂળમાં એક બીજી બાબત છે. ચીનની સરકારે તાજેતરમાં જ એક દંપતી અને એક બાળકની નીતિ સમાપ્ત કરી અને દંપતીઓને વધારે બાળકો પેદા કરવાની છૂટ આપી છે. સખતાઈથી વસ્તીવધારા પર કાબૂ મેળવનાર ચીન અચાનકથી કેમ ફરીથી વસ્તી વધારવાની કોશિશ કરે છે? તેનું કારણ એ છે કે ગત વર્ષે ચીનમાં માત્ર દોઢ કરોડની વસ્તી જ વધી હતી. ચીન માટે આ સૌથી ઓછો વસ્તીવધારો હતો.
અલીબાબા જેવી ચીની કંપનીઓને ચીનની બજારમાં વધુ ગ્રાહકો અને ખરીદીની જરૂર છે. ચીનનું અર્થતંત્ર અત્યારે વિકાસની નબળી ગતિનો પહેલીવાર અનુભવ કરી રહ્યું છે. જો વસ્તીવધારો હજુ પણ ધીમો પડશે તો ચીનનું અર્થતંતત્ર લથડશે. અને આમ આર્થિક સધ્ધરતાનો સ્વાર્થ ચીનની સરકાર, સમાજ અને જેક મા જેવાં ધનાઢ્યોને વસ્તીવધારો ચાલુ રહે તે માટે પ્રયત્નો કરવા પ્રેરી રહ્યો છે. એટલે જ આ મજાકિયા સલાહની સાથે-સાથે 102 નવદંપતીઓને એક ખૂબ ગંભીર વાત પણ તેમણે કહી દીધી - સફળ લગ્નનું એક પ્રથમ કેપીઆઈ (key performance indicator) એ બાળક હોય છે અને લગ્ન કરીને નવદંપતીઓએ વધુ ને વધુ બાળકો પેદા કરવાં જોઈએ. તેમણે બાળકને જમીન-જાયદાદ કરતાં વધારે સારા ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણાવ્યા!
આ વાત અંગે અનેક ચર્ચાઓ ચાલશે અને મજાકના મુદ્દા તરીકે હસી-મજાકમાં છેવટે ભુલાઈ જશે, પરંતુ ગંભીર બાબત એ છે કે આજે વિશ્વના મોટાભાગના દેશો વસ્તીવધારાને આર્થિક સધ્ધરતાનો રસ્તો માને છે. તેનું કારણ છે કે વધુ વસ્તી એટલે વધુ ઉપભોક્તાઓ અને વધુ વેચાણ. મતલબ કે વધુ નફો અને સધ્ધરતા. આવા કન્ઝ્યુમરિસ્ટ ગણિત પર ચાલતા અર્થતંત્ર જ્યારે પણ વસ્તીવધારો નબળો પડે કે બજારમાં માંગ ઘટે, ત્યારે સ્વાભાવિક રીતે નબળા પડતા હોય છે, પરંતુ નફાના એક જ ઉદ્દેશથી આમ વસ્તીવધારાને પ્રોત્સાહન આપવું કે આપણી પૃથ્વી માટે અને તેના સંવેદનશીલ પર્યાવરણ માટે ઘાતક નીવડી શકે છે.
22મી મેના રોજ ઊજવાઈ રહેલા વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે એટલે કે જૈવ-વિવિધતા દિવસના સંદર્ભમાં જોઈએ તો બેરોકટોક વસ્તીવધારો આપણા પર્યાવરણ માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે. પૃથ્વીની કેરિંગ કેપેસિટી એટલે કે પર્યાવરણનું નિકંદન કાઢ્યા વિના જેટલી વસ્તીને પૃથ્વી નિભાવી શકે તે લગભગ ચાર અબજની આસપાસ ગણાય છે, પરંતુ આપણે તે આંકડો વટાવીને સાત અબજ પર પહોંચ્યા છીએ. હજુ પણ વસ્તીવધારો આ જ દરે ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં નફો તો હશે, પણ જીવવા માટે પૃથ્વી નર્ક જેવી થઈ જશે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP