Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

સૌથી મોટું ગપ્પુ : આતંકવાદ માટે ગરીબી – શિક્ષણનો અભાવ જવાબદાર છે !

  • પ્રકાશન તારીખ16 May 2019
  •  

કટ્ટર ડાબેરીઓ, ઉર્ફે અર્બન નક્સલો, ઉર્ફે માઓવાદીઓ, ઉર્ફે સામ્યવાદીઓએ વર્ષો સુધી એક ભ્રમણા ફેલાવી હતી, ખરેખર તો એક ગપ્પું ચલાવ્યું હતું કે, ‘વધતા આતંકવાદ–નકસલવાદ માટે ગરીબી, શિક્ષણનો અભાવ, સામાજિક અન્યાય વગેરે જવાબદાર છે. લાંબા સમય સુધી એક ચાંપલા વર્ગના મગજમાં આ બોગસ થિયરી પ્લાન્ટ કરવામાં તેઓ સફળ રહ્યા હતા. જોકે, હવે છેલ્લાં થોડાં વર્ષોથી એમનું આ જુઠાણું ઉઘાડું પડી રહ્યું છે. જેમ જેમ વિશ્વ આખામાં કાળો કેર વર્તાવતા આતંકવાદીઓ ઉઘાડા પડી રહ્યા છે તેમ તેમ એમની અસલિયત સામે આવી રહી છે. ગુનાખોરીની વિકૃત માનસિકતાને ઉછેર, પૈસા કે શિક્ષણ સાથે કોઈ લેવાદેવા હોતી નથી. બાળપણથી જ અઢળક પૈસામાં આળોટતા, ગ્રેજ્યુએટ–ડબલ ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત આતંકવાદીઓ સૌથી વધુ ઘાતકી અને કટ્ટર કૃત્યો કરે છે.
થોડા દિવસ પહેલાં શ્રીલંકાના ચર્ચો અને હોટલો પર કેટલાક આતંકવાદીઓએ ખૂબ જ બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 250થી વધુ વ્યક્તિઓનાં મોત થયાં હતાં અને 500થી વધુ ગંભીર રીતે ઘવાયા હતા. શ્રીલંકાની ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે આ હુમલા પાછળ ‘જમૈઆથુલ વિલાથુ ઇબ્રાહિમ’ અને ‘નેશનલ થોવીથ જમાત’ નામના આતંકવાદી સંગઠનનો હાથ છે. આતંકવાદી હુમલા પછી જે આતંકવાદીઓ પકડાયા, ત્યારે બહાર આવ્યું કે કહેવાતા ઇસ્લામિક સ્કોલર ડો. ઝાકીર નાઇકનાં (જે ભારત છોડીને ભાગી ગયો છે અને સરકારે જેને વોન્ટેડ જાહેર કર્યો છે) પ્રવચનો સાંભળીને આ સ્યુસાઇડ હુમલો કરવાનું આયોજન એમણે કર્યું હતું. યાદ રહે કે આ ડો. ઝાકીર નાઇક પીએચ.ડી. થયો છે અને કરોડપતિ છે. આમ છતાં વિશ્વ આખામાં ફરીને યુવાનોને કટ્ટર બનાવવાનું કામ કરી રહ્યો છે. શ્રીલંકાના હુમલા માટે જે પકડાયા એમાંથી મોહમ્મદ ઇબ્રાહિમ અહમદનો શ્રીલંકામાં કોપરનો વ્યવસાય છે અને મોટી ફેક્ટરીઓ પણ છે. આ જ ફેક્ટરીમાં સ્યુસાઇડ બોમ્બરો માટે જેકેટ તૈયાર કરવામાં આવ્યાં હતાં. બીજો એક આરોપી અબ્દુલ લતીફ જમીલ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભણેલો અને ડબલ ડિગ્રીધારક છે. ઓસ્ટ્રેલિયામાં કેટલાક કટ્ટરવાદીઓની સોબતે ચઢીને એ આતંકવાદી બની ગયો હતો. આ ઉપરાંત અલાઉદ્દીન અહમદ તેમજ મોહમ્મદ નાસર નામના આતંકવાદીઓ પણ દર વર્ષે અબજો રૂપિયાનો ચાનો વ્યવસાય કરે છે.
ભારતમાં આજે સૌથી વધુ વોન્ટેડ ગણાતા આતંકવાદી મૌલાના મસૂદ અઝહરની કુંડળી પણ જોઈ લઈએ. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા મસૂદ અઝહરના પિતા સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, આ ઉપરાંત તેઓ ધાર્મિક શિક્ષણ પણ આપતા હતા. એના કુટુંબ પાસે ડેરી અને ફાર્મનો મોટો વ્યવસાય હતો. મસૂદ પોતે ગ્રેજ્યુએટ થયો હતો અને શિક્ષક તરીકે કામ કર્યું હતું. અચાનક એણે અફઘાનિસ્તાનમાં જઈ જેહાદ કરવાની તાલીમ લીધી. મસૂદ અઝહર, ઉર્દૂ મેગેઝિનનો તંત્રી પણ રહી ચૂક્યો છે. એટલે એમ કહી શકાય કે શિક્ષક, વેપારી ઉપરાંત એ પત્રકાર પણ હતો. આમ છતાં આજે વિશ્વ આખામાં એની ગણના એક સૌથી ખતરનાક આતંકવાદી તરીકે થાય છે. 2001ની સાલમાં ભારતની પાર્લામેન્ટ પર જે હુમલો થયો હતો એના માટે પણ આ મસૂદ અઝહર જ જવાબદાર હતો. ભારતમાં મુંબઈ ખાતે કરાવેલા આતંકવાદી હુમલા ઉપરાંત કંદહાર વિમાન અપહરણની ઘટનામાં પણ તેનો હાથ હતો. 2016માં પઠાણકોટના ભારતીય વાયુમથક પર પણ મસૂદ અઝહરે એના ભાઈ સાથે મળીને હુમલો કરાવ્યો હતો અને છેલ્લે 2019માં પુલવામા ખાતે કરાવેલો હુમલો તો બધાને હજી યાદ હશે જ. થોડા વર્ષો પહેલાં આ જ મસૂદ અઝહરને કેટલાક ભારતીય પત્રકારો તેમજ અરુધંતી રોય, કવિતા કૃષ્ણન અને તિસ્તા સેતલવાડ જેવા ચળવળીયાઓ ગરીબ હેડમાસ્ટરના બગડેલા પુત્ર તરીકે ઓળખાવતા હતા.
દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીનો ભૂતકાળ તો યાદ હશે જ. એના પિતા મુંબઈના પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. આતંકવાદી બનતા પહેલાં ગોલ્ડ અને ડ્રગ્સના સ્મગલિંગ ઉપરાંત અપહરણ અને ખંડણી મારફતે એણે કરોડો રૂપિયા કમાયા હતા. કદાચ ભારતના સૌથી પૈસાદાર 50ની યાદીમાં આવી શકે એટલો પૈસો એની પાસે હતો. આમ છતાં કરાંચી ભાગી ગયા પછી એણે ભારતમાં કેટલાય બોમ્બ ધડાકા કરાવી નિર્દોષોને મરાવ્યા હતા.
આજે વિશ્વમાં સૌથી વધારે જોખમી આતંકવાદી ગણાતા આઇએસઆઇના વડા અબુ બકર અલ – બગદાદીનો જન્મ ઇરાકમાં થયો હતો. એમ કહેવાય છે કે સ્કૂલના અભ્યાસ દરિમયાન તે ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતો. ત્યાર પછી એણે બગદાદની ઇસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને કાયદાની ડિગ્રી પણ મેળવી હતી. બગદાદીએ ઇસ્લામ અને કુરાન ઉપર રિસર્ચ કરીને ડોક્ટરેટની પદવી પણ મેળવી લીધી હતી. કાયદાની ડિગ્રી ઉપરાંત એણે બીએ અને એમએ પણ કર્યું હતું. આટલો બધો અભ્યાસ કર્યા પછી પણ બગદાદીએ નિર્દોષોને મારવાનો ધંધો પસંદ કર્યો અને આતંકવાદી સંગઠનનો વડો બની ગયો. ન તો બગદાદી સાથે કોઈ અન્યાય થયો હતો ન તો એને કોઈ વાતની કમી હતી. કેટલાક વિદેશી અખબારના કહેવા પ્રમાણે બગદાદી દિવસનાે ઘણાે ખરાે સમય દરમિયાન ધર્મની વાત જ કર્યા કરતો અને મોટે ભાગે મસ્જિદમાં રહેવાનું જ પસંદ કરતો.
આપણે ઓસામા બિન લાદેનનો દાખલો પણ જોઇએ. 2001ના સપ્ટેમ્બર મહિનાની 11મી તારીખે અમેરિકા પર વિમાન દ્વારા હુમલો કરીને હજારો વ્યક્તિઓની હત્યા કરનાર ઓસામા બિન લાદેનને પછીથી અમેરિકાએ પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધીને ફૂંકી માર્યો હતો. સાઉદી અરેબિયાના રિયાઝ ખાતે જન્મેલા ઓસામાના પિતા મોહમ્મદ બિન અવાદ બિન લાદેન બાંધકામના વ્યવસાયમાં હતા અને એમની ગણના અબજોપતિ તરીકે થતી હતી. તેઓ સાઉદીના રાજવી પરિવારની ખૂબ નજીક હોવાનું પણ કહેવાય છે. મોહમ્મદ બિન લાદેનને 11 પત્નીઓ હતી. ઓસામા બિન લાદેને અર્થશાસ્ત્ર તેમજ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રીઓ લીધી હતી. આ ઉપરાંત ઓસામા બિન લાદેને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો હતો. આટલો બહોળો અભ્યાસ કરનાર અને લાંબો સમય પશ્ચિમમાં રહેનાર વ્યક્તિ સામાન્ય રીતે કટ્ટર નહીં હોય એવું મનાય છે, પરંતુ ઓસામા બિન લાદેનની બાયોગ્રાફી લખનારાઓનું માનવું છે કે ઓસામા જેમ જેમ વધુ ભણતો ગયો તેમ તેમ વધુ ને વધુ કટ્ટર થતો ગયો હતો.
આજથી આશરે 9 વર્ષ પહેલાં પૂણેમાં જર્મન બેકરી ખાતે થયેલા બોમ્બ ધડાકા માટે જવાબદાર આતંકવાદી અબ્દુલ ભટકલે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને સમૃદ્ધ કુટુંબમાંથી આવતો હતો. પૂણેના હુમલા પછી જ ધીમે ધીમે સવાલ પુછાવાના શરૂ થયા કે : ‘કોણ કહે છે કે અન્યાય કે ગરીબાઇને કારણે આતંકવાદીઓ નિર્દોષોને મારે છે?’
આ સવાલે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સવાલનો જવાબ ઘણાને જોઈએ છે, પરંતુ ડફોળ અને બદમાશ ડાબેરીઓ મોં પર અલીગઢી તાળું લગાવીને બેઠા છે. ⬛[email protected]

x
રદ કરો

કલમ

TOP