મનદુરસ્તી / અન્યનો આભાર માનવાનું મનોવિજ્ઞાન

Thanks to others psychology

બોલીને, લખાઈને કે ટાઇપ કરીને અભિવ્યક્ત કરેલો આભાર ખરેખર પોઝિટિવ લાગણી ઉત્પન્ન કરે છે. પછી ભલેને તે વ્યક્તિ સાવ નજીકની કેમ ન હોય? વ્યક્તિ હંમેશાં  કોન્શિયસલી કે અનકોન્શિયસલી  પોતાની નોંધ લેવાય તે ઇચ્છે છે

ડૉ. પ્રશાંત ભીમાણી

May 02, 2019, 02:45 PM IST

‘અમારાં લગ્નને પંદર વર્ષ થયાં. આમ તો કોઈ તકલીફ નથી, પણ વિનય અને હું હમણાંથી એક વાતની ચર્ચાએ ચડી ગયાં છીએ. મારું કહેવું એમ છે કે, વિનયે એના નામ પ્રમાણે થોડા વધારે વિનયી બનવું જરૂરી છે. એ બહુ સારો માણસ છે. એ એક પોલિટિકલ પાર્ટીમાં આગળ પડતું કામ કરે છે. અમારે ફેમિલી બિઝનેસ છે. એ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. અમારી ફૂડ પેકેજિંગની કંપની છે. એમાં એ ઘણી મોટી જવાબદારી સંભાળે છે. એ બધાંનાં કામ કરે, દરેક નાનામાં નાના માણસને મદદ કરે. ઘણી વાર કોઈને ખબર ન હોય એવી રીતે આર્થિક મદદ પણ કરે, પણ પછી વખત આવે જ્યારે એ માણસ સાથે વાંકું પડે ત્યારે બધાની વચ્ચે એનું અપમાન કરી નાખે અને પોતે કરેલી મદદ પર પાણી ફેરવી દે. ધીમે ધીમે વિનય લોકોમાં અપ્રિય થતો જાય છે. મને એ ચિંતા થાય છે કે એક સારા દિલનો માણસ ખોટી રીતે પંકાતો જાય છે. લોકો ધીમે ધીમે એનાથી દૂર થવા લાગ્યા છે. મેં એ જોયું છે કે એનો સૌથી મોટો પ્રોબ્લેમ ‘હું’પણું અને એથીય મોટી સમસ્યા એ છે કે કોઈને ક્યારેય એ ‘થેંક્યૂ’ કહેતો નથી. એ એવું જ માને છે કે ‘જે તે કામ તો ફલાણા માણસે મારા માટે કરવું પડે એમાં શું નવાઈ?’ મેં એને ઘણીવાર સમજાવ્યો, પણ એનામાં કોઈ ફરક દેખાતો નથી.’ જાનકીએ હસબન્ડના વર્તનની ચિંતા વ્યક્ત કરી. જાનકીની ચિંતા વિચારવાલાયક છે.
વિદેશમાં તો હજીય ઠીક છે, પણ ભારતમાં તો કેટલાક લોકોમાં આભાર માનવાની સંસ્કૃતિ આજકાલ નષ્ટ થવાના આરે છે. ‘સાયકોલોજિકલ સાયન્સ’ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે આભાર માનવો કે એ વિશે લખીને આપવું એ આપણે ધારીએ એના કરતાં વધારે અસરો ધરાવે છે. એક અભ્યાસમાં સંશોધકોએ ભાગ લેનારા લોકોને એમના જીવનમાં સારી અસરો કરનારા લોકોને આભાર વ્યક્ત કરતો એક પત્ર કે ચિઠ્ઠી લખવા જણાવ્યું. લખનાર મોટાભાગના લોકોને એવું હતું કે, અમે જે આભાર પત્ર લખીએ છીએ તેની સામેવાળા પર બહુ ખાસ અસર નહીં થાય, કારણ કે અમે પોતે પણ એવું માનીએ છીએ કે, થેંક્સ કહેવાથી બહુ ફરક નથી પડતો, પણ બન્યું એવું કે જેને પણ આભાર પત્ર મળ્યો તે બધાને ધાર્યા કરતાં વધુ સારી લાગણીનો અનુભવ થયો. એનું વૈજ્ઞાનિક માપન થયું અને એવું તારણ નીકળ્યું કે બોલીને, લખાઈને કે ટાઇપ કરીને અભિવ્યક્ત કરેલો આભાર ખરેખર પોઝિટિવ લાગણી ઉત્પન્ન કરે છે. પછી ભલેને તે વ્યક્તિ સાવ નજીકની કેમ ન હોય? વ્યક્તિ હંમેશાં કોન્શિયસલી કે અનકોન્શિયસલી પોતાની નોંધ લેવાય તે ઇચ્છે છે. ખાસ કરીને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા એમાં પણ જો નજીકના સગા હોય કે એમ્પ્લોયી હોય તો એમને આવી અચેતન ઇચ્છા ખૂબ હોય છે. જ્યારે પણ પોતાની વ્યક્તિ પોતાની કદર કરે કે આભાર વ્યક્ત કરે ત્યારે શરીર અને મન મહત્ત્વની પ્રતિક્રિયાઓ આપે છે. આભાર માનવાથી સાયકો-બાયોલોજિકલી પણ શરીરમાં પોઝિટિવ ફેરફારો થાય છે. જેનાથી સ્ટ્રેસ ઘટે છે અને સેફ્ટીની ફીલિંગ વધે છે.
વિનયના કાઉન્સેલિંગ દરમિયાન એક વાત ખાસ જાણવા મળી કે, એનો ઉછેર એક રાજકુમારની જેમ થયો હતો. સૌથી નાનો હતો એટલે વધુ પડતા લાડકોડમાં ઉછરેલા વિનયને શરૂઆતથી જ એવું હતું કે, પોતાની આસપાસના માણસોની ફરજ છે કે, ‘એ લોકોએ મને ખુશ રાખવો અને મારાં બધાં કામ કરવાં, એમાં નવાઈની શું વાત છે અને પૈસા કે પગાર આપીએ તો એમાં આભાર શું માનવાનો હોય?’ આ વિચારધારાને પરિવારના કોઈએ નાનપણથી આદાનપ્રદાન નહોતું કર્યું. ઘણીવાર આપણે બાળકોને ‘સોશિયલ ગ્રેટિટ્યૂડ’ મતલબ સામાજિક સંવેદનશીલતા અને ધન્યવાદની માનસિકતાના પાઠ શિખવાડવાનું ભૂલી જઈએ છીએ. વિનયને કાઉન્સેલિંગ દરમિયાન તેની આ ત્રૂટિ માટે ‘આંતરસૂઝ’ ઊભી કરવામાં આવી. એને કોઈ માનસિક રોગ નહોતો. એને કોઈ ગોળીઓની જરૂર નહોતી, એને તો માત્ર સમજ સુધારવાની જરૂર હતી. ક્લિનિકમાંથી નીકળ્યા બાદ વિનયે સૌથી પહેલો આભાર જાનકીનો માન્યો અને એના પેકેજ ફૂડના લેબલમાં એક વાક્ય ઉમેર્યું કે, ‘અમારી પ્રોડક્ટ લેવા માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.’
વિનિંગ સ્ટ્રોક : જ્યારે શબ્દ અને લાગણી બંને થકી આભાર અભિવ્યક્ત થાય છે, ત્યારે સૌથી વધુ અસરકારક થાય છે. આપણા અસ્તિત્વ માટે આસ્તિક હો તો ઈશ્વર નહીંતર કુદરત કે અકસ્માતનોય આભાર માની જુઓ. સારું લાગશે.drprashantbhimani @yahoo.co.in

X
Thanks to others psychology

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી