કાવ્યસેતુ / સ્નેહસ્પર્શની બારાખડી

Snowshoes

લતા હિરાણી

May 14, 2019, 03:43 PM IST

હું બની વડવાઈ જો ફુટું તને,
ચોતરફ મારાપણું વીંટું તને.
જીવતાં ના આવડ્યું તારા વિના,
સત્ય છે; લાગે છતાં ખોટું તને!
સ્નેહની હેલી બની વરસું સતત,
તોય શાને રાત દી’ ખુંટું તને?
આવડી જો જાય તું; એ આશમાં,
એકડાની જેમ બસ ઘુંટું તને.
લ્હેર દોડે જેમ કિનારા તરફ,
એમ દોડીને હવે ભેટું તને.
- કિરણ જોગીદાસ ‘રોશન’

વીસીમાં ફૂટુંફૂટું થતો કે પચ્ચીસીમાં ફાટફાટ થતો પ્રેમ જો કવિતામાં ન કળાય તો નવાઈ ખરી જ. જરૂરી નથી કે પ્રેમમાં પડેલા બધા કવિતા લખે, બધાને માટે એ સહજ સાધ્ય કળા નથી, પણ એ કાળમાં કવિતાનો આશરો તો લેવો જ પડે છે. પ્રેમમાં ડૂબ્યા પછી, જીવવા માટે શેર-શાયરીઓ મોસ્ટ વોન્ટેડ હોય છે. ક્યારેક બીજાને અતિશયોક્તિ લાગે એવી શાયરી પણ પ્રેમી માટે પરફેક્ટ હોય છે.
પઝેશન, અધિકારભાવના પ્રેમ પાકટ ન થાય ત્યાં સુધી પોતાના મૂળ નથી છોડતી. પ્રેમીનું રટણ કરવાનું જ કામ, હૈયે ધરપતનું ના નામ, એ જ પ્રેમનું ધામ. શરીર તો વડવાઈની જેમ વીંટળાવા ઝંખે જ અને પોતાના એ પ્રદેશમાં બીજું કોઈ પ્રવેશી ન જાય એમ મનને જરાય રેઢું નહીં મૂકવાનીય ઝંખના અને એ પ્રેમની ભ્રમણા. પ્રેમ એટલે જ મુક્તિ. જ્યાં બાંધવાનો, રોકવાનો સવાલ આવે, પ્રેમ ત્યાંથી પોબારા ગણી જાય! જ્યારે ભરોસો ખૂટી જાય ત્યારે સંબંધમાંથી પાછા ફરી જવું. આપણી વાત જ્યારે કોઈને ખોટી લાગવા માંડે ત્યારે એ સાચી છે એવો સમજાવવાનો પ્રયત્ન નિરર્થક જ નીવડે છે. ક્યાંક સામેના પાત્રની તત્પરતા ઓછી ને ક્યાંક પ્રેમની સમજણમાં ખામી. જે હોય તે પણ આવા કિસ્સામાં પીડા જ પરિણામ હોય છે.
કવિ કહે છે, ‘સ્નેહની હેલી બની વરસું સતત/તોય શાને રાત દી’ ખુંટું તને?’ જે મળે એ ઓછું પડે એને પ્રેમની ખાસિયત કહી શકાય પણ અમુક હદ સુધી જ. આ વૃત્તિ ને પ્રવૃત્તિ એટલે કે આ અભાવ, પ્રતિભાવ કીડો બનીને પ્રેમના મૂળિયાં કોતરી નાખી શકે છે. એનાથી સાવધ રહેવું. ઓછપની, અધૂરપની લાગણી સુખનું સત્યાનાશ વાળી શકે છે. પ્રેમમાંય અભાવ, ઝંખના અને પ્રાપ્તિ આ બધાને વિવેકની કસોટીથી માપવા પડે. ત્રણેય વાના જીવનમાં જરૂરી છે પણ એ હદથી વધારે જીવન માટે સમસ્યારૂપ બની જાય છે.
પ્રેમમાં એકબીજાને જાણવાની-સમજવાની કેટલી તત્પરતા હોય છે! ‘આવડી જો જાય તું; એ આશમાં, એકડાની જેમ બસ ઘુંટું તને.’ પરસ્પરની નાની-નાની ખુશીઓ માટે બંને એકબીજા માટે મરી પડે. આભ અને ધરતીનું મિલન હાથવેંતમાં! હાથમાં હાથ પકડવાની ઘટના મેઘધનુષી બની જાય અને એ ડાળીઓમાં ફૂલો ખીલી જાય. એકબીજાને ઘૂંટવાની આ મોસમનો અંત હોય નહીં. એકડો કે અક્ષર ઘૂંટવાની શરત જ એ છે કે આવડે નહીં ત્યાં સુધી એને ભૂંસવાનું નહીં. જીવનના એકડામાં તો પાછા વળવાની શક્યતા નથી, પણ અમુક હદ સુધી ઘૂંટ્યા પછી રેખાઓ એકબીજામાં અવળસવળ થઈ જાય. એના આકાર, સ્વરૂપ બદલાઈ જાય! જીવનની આ જ ખૂબી છે. આવી જ કાંઈક વાત બીજા કવિએ આમ લખી છે, ‘નામ તમારું ઘૂંટીએ સાજન, લોક ગણે છે અમને ઠોઠ.’ અને અંતમાં ભેટવાની, સ્પર્શની અદમ્ય ઇચ્છા. એક નજરનો સ્પર્શ પણ સંજીવની બની રહે છે ત્યારે બે હાથ ખુલ્લા કરીને ભેટવામાં સ્વર્ગ જ આવી મળે! [email protected]

X
Snowshoes

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી