Back કથા સરિતા
કિશોર મકવાણા

કિશોર મકવાણા

સાંપ્રત (પ્રકરણ - 32)
લેખક વરિષ્ઠ પત્રકાર અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

એસ. ગુરુમૂર્તિ: બૌદ્ધિક સંપદાથી ભરપૂર વ્યક્તિત્વ

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  

દેશના વિદ્વાન અને શક્તિશાળી મહાનુભાવોમાં એસ. ગુરુમૂર્તિનો સમાવેશ થાય છે, એ વળી આજકાલથી નહીં, પણ છેક 1990થી. 1990થી તૈયાર થતી 50 શક્તિશાળી ભારતીયોની વાર્ષિક યાદી જુઓ તો એમાંનાં ઘણાં નામો આજે હાંસિયામાં ધકેલાઈ ગયાં છે. ઘણાં નવાં ઉમેરાયાં છે, પરંતુ ગુરુમૂર્તિનું નામ એ યાદીમાં અડીખમ છે. કદાચ એ દેશની એકમાત્ર એવી વ્યક્તિ છે, જેમણે 27-27 વર્ષથી પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
સ્વામીનાથન ગુરુમૂર્તિનો પરિચય એકાદ શબ્દ કે વાક્યમાં આપવો અઘરો છે. ચાર્ટર અેકાઉન્ટન્ટ હોવાના કારણે ગુરુમૂર્તિ આર્થિક ક્ષેત્રના ઊંડા અભ્યાસુ છે. કેટલીય કંપનીઓના અને ઉદ્યોગપતિઓના બિઝનેસ સલાહકાર છે. જેટલું સન્માન બિઝનેસ એડવાઇઝર તરીકેનું છે એટલું જ સન્માન તેમને એક સંશોધકનાત્મક પત્રકાર તરીકે ય ખ્યાતિપ્રાપ્ત. ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટ તરીકે તેમની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી છે. વળી, કટાર લેખક તરીકેની નામના તો ખરી જ.
ગુરુમૂર્તિ પાસે આર્થિક ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલની આગવી દૃષ્ટિ છે. ભારત જેવા દેશમાં કંઈકેટલાય આર્થિક સુધારા સમયાંતરે થતા હોય છે, કરવા જરૂરી પણ હોય છે. વિશ્વની બદલાતી આર્થિક નીતિ સાથે તાલ મિલાવવા માટે ભારતમાં શું જરૂરી છે તે પારખવું પડે. એ પારખવાની સૂઝ દેશમાં બહુ જૂજ લોકો પાસે છે. દેશની તાસીરને બરાબર પારખીને જ આર્થિક સુધારા કરવા પડે, વિદેશના ખેરખાં અર્થશાસ્ત્રીઓ વૈશ્વિક મોડેલ લાગુ કરવાની ભલામણ કરે તોપણ ભારતમાં એ કારગત નીવડે કે કેમ, એ મોટો સવાલ છે. અર્થશાસ્ત્રની પાયાની સમજ અને દેશના બિઝનેસની તાસીર અને દેશના સ્વભાવ-એ ત્રણેયને પારખીને જે ફેરફાર થાય એ જ અકસીર બની શકે. એ અકસીર ઉકેલની દૃષ્ટિ એસ. ગુરુમૂર્તિ પાસે છે. એટલે જ ઘણી સરકારો આર્થિક સુધારાની બાબતે તેમના મતને ગંભીરતાથી લઈને તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ સૂચવેલા ફેરફારોને અનુસરે છે.
કોર્પોરેટ વર્લ્ડમાં તો તેઓ બિઝનેસ એડવાઇઝર તરીકે જાણીતા છે જ, પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ તેમની સલાહનું ખૂબ મહત્ત્વ છે. દેશના કેટલાય નેતાઓ, રાજકીય પાર્ટીઓ અને સરકારના તેઓ સલાહકાર છે અથવા તો રહી ચૂક્યા છે. માત્ર આર્થિક સલાહકાર નહીં, પણ નૈતિક સલાહકારની ભૂમિકામાં પણ ગુરુમૂર્તિ હોય છે. જોકે, એમના દરેક કાર્ય અને લેખનમાં રાષ્ટ્ર સર્વોપરી રહે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના સ્થાપક રામનાથ ગોયન્કાજીના અત્યંત વિશ્વાસુ ગણાતા એસ. ગુરુમૂર્તિજીએ તેમની સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે. ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝન માટે રામનાથ ગોયન્કાજીને ગુરુમૂર્તિજી પાસેથી ઊજળી આશાઓ હતી અને એમાં ગુરુમૂર્તિ બરાબર ખરા ઊતર્યા હતા. તેમના લેખોથી ભારતના કોર્પોરેટ વર્લ્ડમાં પોલીસી બદલાઈ જતી અને આજેય કોર્પોરેટ વર્લ્ડ તેમના ઓપિનિયમ પરથી બિઝનેસ નીતિમાં પરિવર્તન લાવે છે.
તેમની આ બધી ક્ષમતા ઉપરાંત એક અગત્યનું કામ તેઓ ઘણાં વર્ષોથી કરે છે. સ્વદેશી જાગરણ મંચના તેઓ કો-કન્વિનિયર છે. એસ. ગુરુમૂર્તિજી દેશના નાગરિકો માટે કયા આર્થિક ફેરફાર જરૂરી છે અને કયા આર્થિક સુધારા ઉતાવળિયા છે તેનો અંદાજ કાઢીને તેમાં ફેરફાર થાય તે માટેના સઘન પ્રયાસો કરે છે.
ગુરુમૂર્તિના કહેવા મુજબ ડો. બાબાસાહેબે વ્યક્ત કરેલું આર્થિક દર્શન આજે પણ ભારતને શક્તિશાળી બનાવવામાં ઘણું ઉપયોગી બની શકે એમ છે. બૌદ્ધિક સંપદાથી ભરપૂર એસ. ગુરુમૂર્તિ રાષ્ટ્રવાદી સંગઠનોની પ્રેરણા બન્યા છે. ભારતમાં સાંસ્કૃતિક ઉત્થાનનું કામ કરતી સંસ્થાઓમાં સક્રિય છે. દેશમાં અનેકવિધ ક્ષેત્રોમાં પાયાનું કામ કરતી આ સંસ્થા ગુરુમૂર્તિજીના વિચારોને મૂર્તિમંત કરવા માટે અસંખ્ય પ્રવૃત્તિ કરે છે. દેશના યુવાધનમાં રાષ્ટ્રભાવના કેળવાય એવા ઉમદા હેતુથી કામ કરતી સંસ્થાએ ગુરુમૂર્તિને પ્રેરણા બનાવ્યા છે. તેમના મતે આજની યુવાપેઢી ભૂલે નહીં કે, સ્વાભિમાનયુક્ત-આધ્યાત્મિક અધિષ્ઠાન પર ઊભું હોય એ જ દેશ મહાન બની શકે. ભારત ફરી મહાન બને એ નિયતિએ નક્કી કરેલું છે. ગુરુમૂર્તિનું સપનું છે, જ્ઞાન અને માનવમૂલ્યોથી વિભૂષિત ભારત વિશ્વ માટે પ્રેરણારૂપ અને અનુકરણીય બને. શ્રેષ્ઠ સંસ્કારોનો સમન્વય ભારતમાં થાય તેવું તેમનું સ્વપ્ન છે. ⬛[email protected]

x
રદ કરો
TOP