દીવાન-એ-ખાસ / રાજકીય વિશ્લેષણ, પ્રજ્ઞા ઠાકુર, હેમંત કરકરે, સત્ય અને અસત્ય

Political Analysis, Pragnya Thakur, Hemant Karkare, Truth and Lies

હેમંત કરકરે ઉપર મુંબઈને આતંકવાદીઓથી બચાવવાની જવાબદારી હતી, તેમાં તેઓ નિષ્ફળ ગયેલા ન ગણાય?

વિક્રમ વકીલ

May 01, 2019, 05:18 PM IST

લોકસભા 2019ની ચૂંટણી જાહેર થઈ ત્યાર પછી દરેક ભાષાનાં મીડિયામાં રાજકીય નૂકતેચીની કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો. જોકે, આ કંઈ નવું નથી. દરેક વિધાનસભા કે લોકસભાની ચૂંટણી વખતે મીડિયામાં કહેવાતા નિષ્ણાંતો જાતજાતની વાતો કરે છે. ચૂંટણીનાં પરિણામો આવે એટલે પાછા થોડો સમય ‘ગેસ્ટ અપીરિયન્સ’ આપીને ભૂગર્ભમાં ચાલ્યા જાય છે.
અખબારમાં કામ કરવાનો અનુભવ ધરાવતા અને ખાસ કરીને જેણે ફિલ્ડ પર રિપોર્ટિંગ કર્યું છે એવા પત્રકારો-લેખકો વાસ્તવિકતાની વધુ નજીકનું લખી શકે છે. આજકાલ તો ગમે તે મનફાવે તેમ લખતા લોકો પાછા ફિલ્ડ પર કામ કરનારા પત્રકારો-લેખકોને શું લખવું એની સલાહ આપતા રહે છે. જેમણે કદી હુલ્લડો દરમિયાન કાન પાસેથી પસાર થતી ગોળીઓનો અનુભવ કર્યો નથી, તલવારથી રહેંસાઈ જતા માનવીઓ જોયા નથી, ધરતીકંપ કે બોંબ ધડાકા પછી સેંકડો લાશોને એક જ ચિતા પર સળગતી જોઈ નથી, તેવાઓ પાછા એરકન્ડિશન્ડ સ્ટુડિયોમાં બેસીને પત્રકારો સાથે ચડસાચડસી કરે છે!
સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્નલ પુરોહિત જેવાઓને જ્યારે આતંકી ઠેરવવા માટે મહારાષ્ટ્ર એ.ટી.એસ. (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ)એ પકડીને ટોર્ચર કર્યા એના સાક્ષી જે પત્રકારો છે એ તમામ હકીકતથી વાકેફ છે. આજથી 11 વર્ષ પહેલાં પ્રજ્ઞાસિંહ ઠાકુરની ધરપકડ થઈ ત્યારે એમનાં મા-બાપ સુરત રહેતાં હતાં. પિતા સી.પી. ઠાકુર વૈદનું કામ કરતા અને દેશી દવાઓથી વિવિધ રોગની સારવાર કરવામાં નિષ્ણાત હતા. એક રૂમ–કિચનના નાનકડા મકાનમાં રહેતા સી.પી. ઠાકુર સંઘના સ્વયંસેવક તો હતા જ, પરંતુ ઉમદા માનવ પણ હતા. દેશભરમાંથી પત્રકારો એમનો ઇન્ટરવ્યૂ કરવા આવતા ત્યારે અકળાયા વગર તેઓ શાંતિથી જવાબો આપતા. તેમને ખબર હતી કે મુંબઈ-દિલ્હીથી આવેલા પત્રકારો પાછા જઈને તો નેગેટિવ સ્ટોરી જ લખવાના હતા છતાં તેઓ એમની મહેમાનગતિ કરતા. એમનાં પત્ની સરલાદેવી શારીરિક રીતે અપંગ હતાં અને જ્યારે ગુસ્સામાં મંદ અવાજે બબડતાં કે, ‘લટકા દો મેરી બેટી કો ફાંસી પે...’ ત્યારે ઠાકુર સાહેબ એમને શાંતિ રાખવા સમજાવતા.
આ પ્રસંગ એટલા માટે યાદ આવ્યો કે કહેવાતા ‘નિષ્ણાત’ લેખકો, કોઈપણ જાતના અભ્યાસ વગર, વિષયની જાણકારી વગર એમના બેડરૂમના હીંચકા પર બેસીને, પ્રજ્ઞાસિંહ ઠાકુર પર થયેલા બેસુમાર અત્યાચારને અવગણીને, જજ બની ફેંસલા સંભળાવતા રહે છે. સ્થળ પર જઈને જમીની હકીકત સમજનારાઓ માથાં કૂટે છે અને મજા એ વાતની છે કે કેટલાક લોકોનેે હેમંત કરકરે ‘શહીદ’ એટલે લાગે છે કે, આતંકવાદી હુમલામાં એમનું મૃત્યુ થયું હતું. એ હકીકત ભૂલી જવાય છે કે એ.ટી.એસ.ના ચીફ તરીકે મુંબઈ શહેરને આતંકીઓથી બચાવવાની જવાબદારી કરકરેની હતી અને તેઓ આતંકવાદી હુમલાને રોકવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ એક વર્ગમાંથી એવો પણ અવાજ ઊઠે છે કે આતંકવાદીઓને મારનાર વણઝારા જેવા ગુજરાતના પોલીસ અધિકારીઓને એક દાયકા સુધી જેલમાં રહેવું પડ્યું તો એમના જેલવાસને શું કહેવાય? બલિદાન?
અંગ્રેજીમાં જેને ‘આર્મચેર ક્રિટિક’ (ખુરશી પર બેઠા બેઠા ડહાપણ ડહોળનાર) કહેવાય છે, તેઓ સાંભળેલી ગોસિપ કે સોશિયલ મીડિયા પર વાંચેલા બોગસ સમાચારોને ભરોસે લાંબો લેખ ઘસડી મારીને સત્યહીન થિયરી ફેલાવે છે. આવા સમયે પરસેવો રેડીને સત્ય હકીકત ભેગી કર્યા પછી જ લખનાર ફિલ્ડ રિપોર્ટરના માથામાં નાની સાઇઝના એટમબોમ્બ નહીં ફૂટતા હોય તો જ નવાઈ!
ઘણી વખત પ્રશ્ન પુછાય છે કે, સત્તાની સામે બળવો પોકારતા હોય એવું લખાણ જ ‘એન્ટિ એસ્ટાબ્લિસ્ટ’ લખાણ કહેવાય? જો આ સવાલનો જવાબ હકારાત્મક હોય તો ‘સત્તા’ની વ્યાખ્યા નક્કી કરવી પડે. લોકશાહી દેશોમાં જે સરકાર ચલાવતા હોય એ રાજકારણીઓ ઉપરાંત વિરોધપક્ષના ધારાસભ્યો અને સંસદસભ્યો પણ ‘સત્તાધીશ’ કે શક્તિશાળી જ કહેવાય. એ જ રીતે કોઈ નેતા રાજકારણમાં સત્તા પર નહીં હોય, પરંતુ એક ખાસ વર્ગ(જ્ઞાતિ, ધર્મ, યુનિયન વગેરે)નો લોકપ્રિય નેતા હોય એની ગણના શું સત્તાધીશ તરીકે નહીં કરવાની? ઘણી વખત કોઈ પ્રધાન કે સંસદસભ્ય કરતાં કોઈ ધાર્મિક નેતા કે અધિકારીની સત્તા વધુ હોય છે. મહારાષ્ટ્રમાં જ્યાં સુધી બાળાસાહેબ ઠાકરે હયાત હતા ત્યાં સુધી કોઈપણ પક્ષ સત્તામાં હોય, હાક અને ધાક બાળાસાહેબની જ રહેતી. એ વખતે સરકારમાં રહેલા પક્ષની ટીકા કરવી આસાન ગણાતી, પરંતુ બાળાસાહેબ સાથે બાથ ભીડવી હોય તો લેખકો હજારવાર વિચારતા. એ જ રીતે કોલમ્બિયા કે મેક્સિકો જેવા દેશમાં સત્તા પર રહેલા પ્રમુખની ટીકા અખબારનાં પાનાંઓ ભરીને થાય છે, પરંતુ નાર્કોમાફિયા એટલે કે ડ્રગ્સની હેરફેર કરતી ગેંગની વિરુદ્ધ બે લીટી લખવાની હિંમત પણ ભાગ્યે જ કોઈ કરી શકે છે. આપણે ત્યાં પણ અર્બન નકસલીઓ, માઓવાદીઓ, આતંકવાદીઓ કે મંદબુદ્ધિના બૌદ્ધિકો વિશે પણ ઝાઝી ટીકાટિપ્પણી થતી ક્યારે જોઈ છે? ⬛
[email protected]

X
Political Analysis, Pragnya Thakur, Hemant Karkare, Truth and Lies

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી