Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

જાઝ સંગીત, ગાંજો અને રંગભેદ

  • પ્રકાશન તારીખ08 May 2019
  •  

ઉપરનું હેડિંગ વાંચીને તમને થશે કે જાઝ સંગીત, ગાંજો (મારિજુઆના, વીડ, પોટ...) અને રંગભેદ વચ્ચે કઈ રીતે સંબંધ હોઈ શકે? જવાબ છે ઘણી રીતે.
જાઝ સંગીત, પશ્ચિમના સંગીતનો એક અતિ લોકપ્રિય પ્રકાર છે. યુ.એસ.એ.માં 1920 અને 30ના દાયકામાં જાઝ સંગીતની લોકપ્રિયતાનો આરંભ થયો. જાઝની ઝડપી રિધમને કારણે અમેરિકાનાં યુવાન-યુવતીઓ જાઝ વગાડતા બેન્ડ પાછળ દીવાના થયાં. જાઝના બેન્ડમાં મોટાભાગના સંગીતકારો–ગાયકો આફ્રિકન અમેરિકન હતા. આપણે જેમને ‘નિગ્રો’ તરીકે ઓળખીએ છીએ તેમને અમેરિકામાં આફ્રિકન અમેરિકન કહેવામાં આવે છે. અમેરિકા રહેતા આપણા એન.આર.આઇ. ગુજરાતીઓ એમને ‘કાળિયા’ કે ‘કાળા’ કહે છે. આફ્રિકન અમેરિકનોને જાઝ સંગીતનું કુદરતી વરદાન હતું. સાથે સાથે જાઝ સંગીત વગાડનારાઓમાંથી મોટા ભાગના મારિજુઆના, વીડ, હસીસ, પોટ... એટલે કે ગાંજો ફૂંકવાના આદતી હતા. પેરીસમાં જન્મીને નોબલ પ્રાઇઝ જીતનારા ડો. ચાર્લ્સ રિચેટે 1887માં કહ્યું કે, ‘હસીસ ઉર્ફે ગાંજાનો કસ લેવાથી સમયકાળ અનંત થઈ જાય છે. સર્જનાત્મકતા વધે છે અને કેટલીક ક્ષણો પસાર થઈ હોય તો પણ જાણે વર્ષો પસાર થયાં હોય એવી અનુભૂતિ થાય છે.’ એ સમયે પણ ફ્રાન્સના કલાકારોમાં ગાંજો પીવાનું ફેશનેબલ ગણાતું. 18મી સદીના અંતમાં નેપોલિયને ઇજિપ્ત જીતી લીધા પછી ફ્રાન્સના લોકો પહેલી વખત ગાંજાના છોડના સંપર્કમાં આવ્યા. એ વખતે ફ્રાન્સના ઘણા વૈજ્ઞાનિકો દર્દીઓને સારવાર માટે હસીસ આપતા હતા.
લગભગ 30 વર્ષ પછી અમેરિકાના જાઝ સંગીતકારો પણ ગાંજાનો ઉપયોગ કરતા થયા એનું મુખ્ય કારણ એ હતું કે ગાંજો ફૂંક્યા પછી તેઓ વધુ સ્ફૂર્તિથી અને વધુ ઝડપથી સંગીત વગાડી શકતા હતા. એ વખતે એવું મનાતું હતું કે કાગળ પર દોરેલા સંગીતના શબ્દો કરતાં વધુ સર્જનાત્મક સંગીત સર્જવા માટે ગાંજાનું સેવન જરૂરી છે.
અમેરિકાની બહુમતી ગોરી પ્રજાને એમનાં યુવાન સંતાનો જાઝ સંગીત સાંભળવા ક્લબમાં જાય એ ગમતું નહીં. એવું મનાતું કે કાળી પ્રજાના જાઝ સંગીતથી અભિભૂત થઈને ગોરી છોકરીઓ એમના પ્રેમમાં પડી શકે છે, જે વડીલોને મંજૂર નહોતું. ધીમે ધીમે વાત પ્રસરવા માંડી કે જાઝનો દરેક સંગીતકાર ગાંજાનું સેવન કરે છે એટલે અમેરિકાની સરકાર સચેત થઈ. ફેડરલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ(એફબીએન)ના વડા તરીકે એક વિચિત્ર અને કડક અધિકારી એનસ લીંગરની નિમણૂક કરવામાં આવી. એમને ડ્રગ એન્ફોર્સમેન એડમિનિસ્ટ્રેશન(ડીઇએ)નો હવાલો પણ આપવામાં આવ્યો. 1937નો મારિયુઆના એક્ટ બનાવીને એમણે પહેલી વખત ગાંજા પર પ્રતિબંધ મૂક્યો. ગાંજાનો ઉપયોગ કરનારાઓ માટે ફોજદારી કલમો નક્કી કરવામાં આવી. વિશ્વવિખ્યાત જાઝ સંગીતકાર મેઝ મિઝરો પણ સંગીતના દરેક શો પહેલાં પુષ્કળ દારૂ પીતા અને ગાંજો ફૂંકતા. એમના સંગીતના એક-એક તાલે યુવક અને યુવતીઓ ઝૂમી ઊઠતાં. આધુનિક જાઝના બીજા એક ખ્યાતનામ સંગીતકાર લૂઇસ આર્મસ્ટ્રોંગે એમના બાયોગ્રાફરને કહ્યું હતું કે, કઈ રીતે એક વખત ચાલુ શોમાંથી પોલીસે ગાંજો પીવા બદલ એમની ધરપકડ કરી હતી. ધરપકડ કરનાર ડિટેક્ટિવ લૂઇસ આર્મસ્ટ્રોંગનો મોટો ચાહક હતો. 9 દિવસ જેલમાં રહ્યા પછી આર્મસ્ટ્રોંગને જ્યારે છોડવામાં આવ્યા ત્યારે ડિટેક્ટિવને એ વાતનું દુઃખ હતું કે હવે કદાચ એ ભવિષ્યમાં આર્મસ્ટ્રોંગને નહીં મળી શકે!
બીજી તરફ એનસ લીંગરને ખ્યાલ આવવા માંડ્યો હતો કે ગાંજાનો સૌથી વધુ ઉપયોગ જાઝના સંગીતકારો કરે છે. એણે એક પછી એક સંગીતકારોની ધરપકડ કરવા માંડી. કેટલાક અમેરિકનોએ એવું સ્ટેન્ડ લીધું કે ફક્ત કાળા સંગીતકારોની જ ધરપકડ કેમ કરવામાં આવે છે? પછીનાં વર્ષોમાં અને આજ સુધી ઘણા અમેરિકનોનું માનવું છે કે મારિયુઆના ઉર્ફે ગાંજાનું સેવન અમેરિકામાં બ્લેક લોકો વધુ કરે છે જ્યારે હેરોઇન કે કોકેઈન જેવા નશીલા પદાર્થોનું સેવન ગોરા લોકો વધુ કરે છે. અમેરિકાના સત્તાધીશો એમના રંગભેદની નીતિને કારણે કાયદાનો દુરુપયોગ કરી ડ્રગ્સને મામલે કાળા લોકોની ધરપકડ વધુ કરે છે. અમેરિકાના પ્રમુખપદે આવેલા રોનાલ્ડ રેગન અને નિકશને અમેરિકાના શત્રુ નંબર 1 તરીકે મારિયુઆના એટલે કે ગાંજાને ગણાવ્યો હતો. અમેરિકાના પ્રોગ્રેસિવ લોકોનું માનવું છે કે એક તરફ કોકેઇન કે હેરોઇન જેવાં નશીલાં દ્રવ્યો વ્યક્તિને બંધાણી બનાવી એનો સર્વનાશ કરે છે, બીજી તરફ ગાંજા જેવા પ્રદાર્થનું બંધાણ થતું નથી અને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાનકારક પણ નથી. તો પછી ફક્ત ગાંજાના વપરાશ સામે જ વાંધો કેમ? નિકશન અને રેગનના ડ્રગ્સ સામેના યુદ્ધને બહુમતી કાળા અમેરિકનો રંગભેદ તરીકે જોતા હતા.
જાઝ સંગીતકારોની લોકપ્રિયતા તોડી પાડવા માટે ગાંજાના પ્રતિબંધનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. આમ છતાં એમને સફળતા મળી નહીં. ગોરા અમેરિકન યુવાન-યુવતીઓનો જાઝ સંગીત પ્રત્યેનો પ્રેમ અકબંધ જ રહ્યો. એમ કહેવાય છે કે અમેરિકાના પ્રમુખ અખબારોમાં સત્તાધીશો એવા સમાચાર પ્લાન્ટ કરાવતા હતા કે જેને કારણે ગાંજો વેચનાર કે ખરીદનારની સામે લેવાતા આત્યંતિક પગલાને ન્યાયી ઠરાવી શકાય. ‘ગાંજો પીવાથી એક જ કુટુંબના ત્રણ સભ્યો પાગલ થઈ ગયા’, ‘ગાંજો પીને પાગલ થયેલી માતાએ એના બાળકની હત્યા કરી’ જેવાં હેડિંગ અખબારોમાં નિયમિત દેખાવા માંડ્યાં. શું ગાંજાના મર્યાદિત સેવનથી પણ પાગલપણું આવી શકે? આ સવાલનો ચોક્કસ જવાબ અમેરિકન વૈજ્ઞાનિકો આપી શકતા નથી. જોકે, જાણીતા મનોવૈજ્ઞાનિક અને નશાના બંધાણીઓને સુધારવાનો પ્રયત્ન કરી રહેલા ડો. મુકુલ ચોક્સીનું કહેવું છે કે એમની પાસે એવા ઘણા કિસ્સા આવ્યા છે કે જેઓ સ્કિઝોફ્રેનિયા (એક પ્રકારની માનસિક બીમારી)નો ભોગ બન્યા હોય, એમાંથી કેટલીક વ્યક્તિઓએ ભૂતકાળમાં ગાંજાનું સેવન કર્યું હતું. જોકે, એનાથી એવી ધારણા બાંધી લેવાય નહીં કે ગાંજાના સેવનથી ગાંડપણ આવે જ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વના સુધરેલા દેશોમાં એક લોબી એવું આંદોલન ચલાવી રહી હતી કે જો ગાંજા કે મારિયુઆનાને કાયદેસર બનાવી દેવામાં આવે અથવા તો એનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવાની છૂટ આપવામાં આવે તો ડ્રગ માફિયાઓની પકડ ઢીલી પડે. 2018થી યુએસએ (યુનાઇટેડ સ્ટેટ) અમેરિકાનાં ઘણાં રાજ્યોએ કાયદામાં ફેરફાર કરીને ગાંજાના વેચાણ કે ખરીદ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. કેટલાંક રાજ્યોએ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો ગાંજાના વેચાણની છૂટ આપી છે. અમેરિકાના જે રાજ્યમાં ગાંજાના વેચાણની છૂટ આપવામાં આવી છે ત્યાં તો ગાંજાના કેટલાક બંધાણીઓએ હવે એમના નાનકડા વાડામાં જ ગાંજાના છોડવાઓ રોપીને એની નિકાસ કરી કમાણી કરવાનું ચાલુ પણ કરી દીધું છે. થોડા વર્ષોમાં આપણા દેશમાં પણ કદાચ મેડિકલ યૂઝ માટે ગાંજાના મર્યાદિત વેચાણને છૂટ અપાય તો નવાઈ નહીં!
[email protected]

x
રદ કરો

કલમ

TOP