મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / ઈ.સ. 2020માં લેવા જેવો સંકલ્પ

article by dr.prashantbhimani

Divyabhaskar.com

Jan 02, 2020, 12:11 PM IST
મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
આમ તો આજે ગઈકાલ જેવો જ સૂર્ય ઊગ્યો છે, પણ વિશ્વ આખું નવું વર્ષ ઊજવે છે. નવું વર્ષ એ વાસ્તવિક રીતે જોઈએ તો એનો એ જ સમય છે, પણ નવાં સપનાં છે. જૂની પાંખો છે, પણ નવું આકાશ છે. જૂની નિષ્ફળતાઓની માટીના ઢગલા પર સંભવિત સફળતાના સૂરજમુખીની આશા છે. આજે માનવ સહજ નેગેટિવ લાગણીઓને ખાળીને પોઝિટિવ દૃષ્ટિકોણ તરફનો નવો સંકલ્પ લઈને આપણે સૌ ઈ.સ. 2020ને આવકારીશું. શું મનોવિજ્ઞાન આ અભિગમ કેળવવામાં મદદ કરી શકે? જી, બિલકુલ કરી શકે. એટલું યાદ રાખવું કે અભિગમ હંમેશાં ફ્લેક્સિબલ હોય છે. આ સ્થિતિસ્થાપકતા સારી કે ખરાબ બંને દિશા બાજુ વળી શકે. એ માટે જરૂર હોય છે એને યોગ્ય રીતે કેળવવાની.
જર્નલ ઑફ એબ્નોર્મલ સાયકોલોજિકલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જે લોકો પોતાના જીવનનાં ધ્યેયો માટે અને જીવન પ્રત્યેના અભિગમ માટે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખે છે તેમનામાં મૂડ અને એંગ્ઝાઇટી ડિસઓર્ડર થવાનું જોખમ ઓછું હોય છે. અમેરિકામાં આ અભ્યાસમાં 3294 જેટલા યોગ્ય રીતે પ્રાયોગિક પસંદગી પામેલા પુખ્ત લોકો પર અઢાર વર્ષના સમયગાળા દરમ્યાન અલગ-અલગ ત્રણ વખત સર્વે થયો. આ લોકોને તેમનાં ધ્યેયો માટે કેટલા કટિબદ્ધ છે તેવું પૂછવામાં આવ્યું. બીજું એ લોકો જીવનના પડકારોને પોઝિટિવ દૃષ્ટિકોણથી લે છે કે કેમ, તે પણ તપાસવામાં આવ્યું. તેમજ તેમનામાં પ્રેરણાથી ઊભી થયેલી ‘સ્વ-શ્રેષ્ઠતા’ રહેલી છે કે નહીં તે પણ જોવામાં આવ્યું. અહીં ‘સ્વ-શ્રેષ્ઠતા’ મતલબ ‘હું જે કંઈ પણ ઈચ્છું તે કરી શકું’ જેવા વિચારોની વાત હતી.
જે લોકોમાં પોતાના જીવનનાં ધ્યેયો પ્રત્યે ‘વાસ્તવિક’ કટિબદ્ધતા હતી તેમજ મજબૂત મનોબળ હતું તેવા લોકોમાં આપમેળે આ તાકાત વધતી જતી હતી અને સૌથી મોટી વાત તો એ હતી કે આ ‘વાસ્તવિક’ કટિબદ્ધતાવાળા લોકોમાં ડિપ્રેશન એંગ્ઝાઇટી અને પેનિક ડિસઓર્ડર જેવી વિકૃતિઓ ઘણી ઓછી જોવા મળી. જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ પણ એટલો જ અસરકારક હતો, પણ તમને આશ્ચર્ય થશે કે સેલ્ફ-માસ્ટરી અથવા ‘સ્વ-શ્રેષ્ઠતા’નો ખ્યાલ ધરાવતા લોકોમાં આવું નહોતું. ‘હું ઈચ્છું તો કંઈ પણ કરી શકું’ એવા મોટિવેશનલ વાક્યોવાળા લોકોમાં સમય જતાં ચિંતા, નિરાશા અને અન્ય મનોવિકૃતિઓનો દર ઘટ્યો નહોતો. આ બાબત સાબિત કરે છે કે અભિગમની ચોકસાઈ અને હકારાત્મકતા વધુ અગત્યની છે.
આજકાલ મોટિવેશનલ લેક્ચર્સનો રાફડો ફાટ્યો છે. ઘણાને એવું લાગે છે કે કેટલાક પ્રેરણાદાયી પ્રવચનો કે મોટિવેશનલ વાતો જીવનમાં આપોઆપ ફેરફારો સર્જી દેશે. તો યાદ રાખજો, આ વાત તદ્દન અવૈજ્ઞાનિક છે. જીવનમાં યોગ્ય દિશામાં મહેનત અને હકારાત્મક અભિગમ સાથે સંજોગોનો સુમેળ ખૂબ મહત્ત્વનો છે. આગળ આપણે જે કટિબદ્ધતા અને ધ્યેય માટે ‘વાસ્તવિક’ શબ્દ વાપર્યો તે ખૂબ મહત્ત્વનો છે. જો ધ્યેય મુશ્કેલીથી પણ પહોંચી વળાય એવું હોય અને મનમાં દૃઢ રીતે નક્કી કરીએ તો ચોક્કસ પ્રાપ્ત થાય, પણ એ માટે વૈજ્ઞાનિક ઢબે આયોજનપૂર્વકની વિચારણા તેમજ એ અંગે સમયસર પગલાં લેવા અનિવાર્ય હોય છે. માત્ર મનોમન કલ્પનામાં રાચીને ઉચ્ચ ધ્યેયોની પ્રાપ્તિ થઈ જશે એવું મોટિવેશન અફીણ જેવું હોય છે. ખાસ કરીને યુવાનોએ આ વાત સુપેરે સમજવાની જરૂર છે. ટેમ્પરરી શોર્ટકટની સફળતા છેવટે પરમેનન્ટ નિષ્ફળતા સુધી દોરી જાય છે. પોઝિટિવ વિચારધારાની ભૂમિકા જીવનમાં બહુ મોટી છે. એની સાથે ભાવનાત્મક સંતુલન અને અન્યનું ભલુ ઈચ્છવાની વૃત્તિ જીવનમાં ખૂબ ઊંચાઈ બક્ષી શકે છે.
જીવનસુખનો આધાર માત્ર સફળતા નથી. પોતાના દૃષ્ટિકોણમાં બદલાવ લાવવા જૂનાં ચશ્માં પરના અણસમજ અને ચિંતાના ડાઘા સાફ કરવા જરૂરી છે. નવા વર્ષે ચિંતાનું વજન ઘટે અને સુખનું વજન વધે તે માટે આવો, આ નૂતન વર્ષે આ પોઝિટિવિટીને પોંખીએ અને પ્રામાણિકતાથી મહેનત કરીને નવાં ધ્યેયો સિદ્ધ કરીએ તેવી શુભકામના.
વિનિંગ સ્ટ્રોક : જેમ શરીર સ્વસ્થ રાખવા માટે નવા વર્ષે રિઝોલ્યુશન લેવાય છે તેમ મન સ્વસ્થ રાખવા હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાનું રિઝોલ્યુશન વધુ જરૂરી છે.
[email protected]
X
article by dr.prashantbhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી