મનદુરસ્તી / મનની ગરમીઃ ઈન્ટરમીટન્ટ એક્સ્પ્લોઝિવ ડિસઓર્ડર

Heat of the mind: Intermittal exposure disorder

ડૉ. પ્રશાંત ભીમાણી

May 09, 2019, 03:27 PM IST

‘આનું નામ અમન છે ડોક્ટર, પણ એને અને શાંતિને છત્રીસનો આંકડો છે. અમારાં લગ્ન થયાં ત્યારે ઘણાએ મને ચેતવી હતી કે, ‘જોજે પ્રીતિ, આ માણસના મૂડનું કંઈ ઠેકાણું નથી. એ ગમે ત્યારે પ્રેમથી વરસી પડે અને ગમે ત્યારે ગુસ્સો કરી બેસે છે.’ પણ મને અભિમાન હતું કે અમનના ગુસ્સાને હું શાંત કરી દઈશ, પણ મારી માન્યતા તૂટી ગઈ. અમારા રિલેશન્સ પણ તૂટવાની અણી પર છે. એ ગમે ત્યારે ગમે તેના પર ગુસ્સો કરી બેસે છે અને સંબંધો બગડી જાય છે, પછી મારે એના વતી માફી માંગવી પડે અને જેમ તેમ કરીને વાતને હું વાળી લઉં છું. જોકે, એ પાછળથી ‘સોરી’ કહે, પણ માથું કાપ્યા પછી પાઘડી પહેરાવવાનો શો અર્થ? હવે તો મને પણ એના ‘સોરી’ની કોઈ અસર નથી થતી. આઈ એમ શ્યોર હી નીડ્સ ટ્રીટમેન્ટ.’ પ્રીતિએ વાત કરી.
વ્યક્તિના વર્તનમાં લાગણીઓ એ સૌથી મહત્ત્વનો અંતરંગ ભાગ છે. માનવ સભ્યતામાં સાર્વત્રિક રીતે જોઈએ તો મૂળભૂત રીતે છ લાગણીઓ જોવા મળે છે. ભય, ક્રોધ, ઘૃણા, આશ્ચર્ય, આનંદ અને દુઃખ. આ બધા ઈમોશન્સમાં ક્રોધ એ સૌથી મજબૂત લાગણી છે, કારણ કે એની માનવ વર્તન અને સંબંધો પર વ્યાપક અસરો થાય છે. ક્રોધ ઉત્પન્ન થવામાં સૌથી ઓછો સમય લાગે છે. છતાં વર્તન પર એની સૌથી વધુ અસર થાય છે. પોતાને અને પોતાની આસપાસનાને ક્રોધ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે એટલે જ તો ગુસ્સાને બેધારી તલવાર જેવી લાગણી કહે છે. ગુસ્સાની શરીર ઉપર તીવ્ર નકારાત્મક અસરો થાય છે. શરીરમાં એ હાર્ટરેટ વધારે છે, એડ્રિનાલિનનું સ્તર વધવાથી બ્લડપ્રેશર વધે છે. જો ક્રોધને ગમે તે કારણસર મનમાં દમિત કરવામાં આવે તો એસિડિટી અને માઈગ્રેન જેવા સાયકોસોમેટિક રોગ સુધ્ધાં થઈ શકે છે. જોકે, ગુસ્સો વ્યક્તિને ક્યારેક સ્વ રક્ષણમાં મદદરૂપ પણ થતો હોય છે, પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે ક્રોધ નિયંત્રણ બહાર જતો રહે છે. એટલે એની ખંડનાત્મક અસરો થવા લાગે છે. કેટલીક વાર તાપમાનની પણ ક્રોધ પર અસરો જોવા મળે છે. એમાં પણ અત્યારે ચાલતા હીટવેવમાં આવી વિકૃતિ વધી શકે છે.
મોટેભાગે બૂમો પાડીને, દાંત કચકચાવીને, ગાળો બોલીને, ગમે તેમ લખીને કે ટાઈપ કરીને, જાહેર દેખાવો કરીને, વસ્તુઓ ફેંકીને કે તોડફોડ કરીને અથવા પોતાને કે બીજાને શારીરિક કે અન્ય રીતે નુકસાન કરીને ગુસ્સો અભિવ્યક્ત કરતા હોય છે, પરંતુ અમનની જેમ જ્યારે આમ વારંવાર થાય ત્યારે એ વિકૃતિ બની જાય છે. એને ઈન્ટરમીટન્ટ એક્સ્પ્લોઝિવ ડિસઓર્ડર (IED) તરીકે ઓળખવામાં આવે છે. આ એક ‘ઈમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર’ છે. સામેવાળી વ્યક્તિ સૌથી મોટી દુશ્મન લાગે છે. આવી વ્યક્તિ કોઈ પૂરતા કે દેખીતા કારણ વગર વારંવાર ક્રોધિત થયા કરે છે. જેનાથી અંગત, સામાજિક અને વ્યાવસાયિક સંબંધો પર ભયંકર નકારાત્મક અસરો થાય છે. ક્યારેક વારસાગત કડી પણ જોવા મળે છે. અમનની ચિકિત્સામાં સાયકોથેરાપી અને ફોર્મેકોથેરાપી બંનેનો સમન્વય વધુ સારું પરિણામ આપી શકે. કોગ્નિટિવ બિહેવિયર થેરાપીને લીધે અમન પોતાની લાગણીને અને વિચારોને ઓળખતા શીખ્યો. જૂના ઉપાયો જેવા કે ગુસ્સો આવે ત્યારે એકથી વીસ ગણવાના અને ઠંડા પાણીએ શક્ય હોય તો સ્નાન કરી લેવાના તેમજ અન્યત્ર ધ્યાન કેન્દ્રિત કરવાના રસ્તાઓ પણ શીખ્યો. મનોચિકિત્સા બાદ હવે અમન પોતાને ગુસ્સો આવશે તે સેન્સ કરતા તેમજ યોગ્ય રીતે પોતાની વાતને અભિવ્યક્ત કરતા શીખ્યો. ગુસ્સો કરતા પહેલાં ‘પાંચ સેકન્ડ’ વિચાર કરવાની ટેવ પડી કે આ બાબત મને કેટલું નુકસાન કરશે! સ્વિમિંગ કે ચાલવાની કસરત કરવાથી પણ એને ખૂબ ફાયદો થયો. હવે અમને ક્રોધને લીધે નહીં પસ્તાવાનું નક્કી કરી લીધું છે.⬛
વિનિંગ સ્ટ્રોક : ગુસ્સો આવે તે સામાન્ય બાબત છે. અગત્યનું એ છે કે એની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે. ક્રોધની અભિવ્યક્તિ માતા-પિતા કે અન્ય દ્વારા બાળપણથી શિખવાડાય છે, જાણે કે અજાણે.
[email protected]

X
Heat of the mind: Intermittal exposure disorder

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી