Back કથા સરિતા
આશુ પટેલ

આશુ પટેલ

સાંપ્રત (પ્રકરણ - 40)
લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

જગતમાં ભારતનો ડંકો વગાડનારા ગુજરાતી સ્પેસ સાયન્ટિસ્ટ્સ!

  • પ્રકાશન તારીખ02 May 2019
  •  

અંતરીક્ષ ક્ષેત્રે પ્રદાન કરનારા ગુજરાતી વૈજ્ઞાનિકો વિશે એક લેખમાં લખવું એ તો ગાગરમાં સાગર સમાન જેવું કઠિન કામ છે. ગણવા જઈએ તો આંગળીના વેઢા પણ વધી પડે એટલા વૈજ્ઞાનિકોએ અંતરીક્ષ ક્ષેત્રે પ્રદાન કર્યું છે, પરંતુ એ બધાનું પ્રદાન એવું છે કે એવા એક-એક સ્પેસ સાયન્ટિસ્ટ વિશે એક લેખ નહીં, આખું પુસ્તક લખી શકાય.
અંતરીક્ષ ક્ષેત્રે ગુજરાતી વૈજ્ઞાનિકોના પ્રદાનની વાત કરીએ તો સૌપ્રથમ આપણા અમદાવાદના વિક્રમ સારાભાઈનું નામ યાદ આવે જેમને કારણે અત્યારે ભારતના ડઝનબંધ ઉપગ્રહો અવકાશમાં ભ્રમણ કરી રહ્યા છે. જોકે, તેમના વિશે વાત કરતા અગાઉ અન્ય કેટલાક અંતરીક્ષ વિજ્ઞાનીઓ વિશે માહિતી આપવી છે. મોટા ભાગના ગુજરાતી વાચકોને વિરાટ કોહલી કે શાહરુખ ખાન વિશે જાણવામાં જેટલો રસ છે એટલો નક્કર પ્રદાન કરનારા રિયલ લાઇફ હીરો વિશે જાણવામાં નથી પડતો. આ વાક્ય એટલા માટે લખવું પડે છે કે ફિલ્મસ્ટાર્સને, ક્રિકેટર્સને, કથાકારોને કે રાજકીય નેતાઓને ઘણા ગુજરાતીઓ ભગવાન સમાન ગણતા હોય છે અને તેમના માટે સોશિયલ મીડિયા પર કે મિત્રોની મહેફિલમાં બાખડી પડતા હોય છે, પણ તેમને એ ખબર નથી હોતી કે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચેરમેન અને વિખ્યાત નેહરુ પ્લેનેટોરિયમના ડિરેક્ટર રહી ચૂકેલા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર જે.જે. રાવલ અમેરિકાની જગવિખ્યાત સ્પેસ રિસર્ચ એજન્સી ‘નાસા’માં સ્પીચ આપી આવ્યા છે અને તેમની સ્પીચ ‘નાસા’ના ચીફ સહિત 250 સ્પેસ સાયન્ટિસ્ટે સાંભળી હતી!
ડૉક્ટર જે. જે. રાવલના ડઝનબંધ રિસર્ચ પેપર ઇન્ટરનેશનલ સ્પેસ જર્નલ્સમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. હળવદના ગરીબ પૂજારી ફેમિલીમાં જન્મેલા ડૉક્ટર રાવલે એવી અનેક થિયરીઝ આપી છે, જે પાછળથી સાબિત થઈ ચૂકી હોય. 1981માં તેમણે કહ્યું હતું કે નેપ્ચ્યુનની આજુબાજુ અનેક ગ્રહો છે. એ સંખ્યા કદાચ 14 જેટલી છે. એ વખતે નેપ્ચ્યુનના માત્ર બે ઉપગ્રહો શોધાયા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે યુરેનસને ઉપગ્રહો છે અને વલયો છે. તેમના એ રિસર્ચપેપર્સ જાહેર થયા પછી ‘સ્કાય એન્ડ ટેલિસ્કોપ ઇન્ટરનેશનલ જર્નલ’ના એડિટરે તેમની થિયરી પર શંકા ઉઠાવતા 1986માં લખ્યું હતું, ‘વોયેજર’ યાન સ્પેસમાં જશે એ વખતે યુરેનસ વિશે ડોક્ટર જે.જે. રાવલે જે આગાહી કરી છે એ સાચી છે કે ખોટી એ સાબિત થઈ થશે! એ જ એડિટરે વળી 1989માં લખ્યું હતું કે ‘વોયેજર’ સ્પેસમાં ખૂબ જ ખરાબ કન્ડિશનમાંથી પસાર થશે એ વખતે બચી જશે અને આગળ વધશે તો નેપ્ચ્યુનને 14 ઉપગ્રહો છે એવી ડૉક્ટર જે.જે. રાવલની આગાહી સાચી છે કે ખોટી એ વિશે દુનિયાને જાણ થઈ જશે! જોકે, પછી ડોક્ટર જે.જે. રાવલ સાચા પડ્યા હતા. નેપ્ચ્યુનથી 98 હજાર કિ.મી.ના અંતરે એનો એક ઉપગ્રહ શોધાયો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ડોક્ટર રાવલની નોંધ લેવાઈ હતી. આવી તો ઘણી સિદ્ધિઓ તેમના નામે બોલે છે.
આવા જ એક મહારથી સાયન્ટિસ્ટ ડોક્ટર પંકજ જોશી વિશે બહુ ઓછા ગુજરાતીઓ જાણે છે. ડોક્ટર જોશીએ જનરલ રિલેટિવિસ્ટિક ગ્રેવિટેશનલ કોલેપ્સિસ (અવકાશમાં ખરી પડતા તારાઓ વિશે) અને કોસ્મોલોજી વિશે ગહન અભ્યાસ કર્યો છે, જેના કારણે તેમને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મળી છે. તેમણે બ્લેક હોલ ફિઝિક્સ અને ગ્રેવિટેશનલ થિયરી સહિત ઘણું પ્રદાન કર્યું છે. ‘સાયન્ટિફિક અમેરિકન’ જેવા મેગેઝિન દ્વારા તેમને કવર સ્ટોરી લખવા માટે આમંત્રિત કરાયા હતા. તેમના નામે ઘણાં બધાં રિસર્ચપેપર ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને વાત એવી છે. તારાઓ ખરે ત્યારે શું સ્થિતિ થાય એ વિશે તેમણે ઊંડું સંશોધન કર્યું છે. તેઓ કેમ્બ્રિજ, હાર્વર્ડ અને ન્યૂ યોર્ક જેવી યુનિવર્સિટીઝ તથા લંડન, જાપાન અને અન્ય અનેક દેશોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝમાં સ્પીચ આપી આવ્યા છે.
આપણા દેશના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર એ.પી.જે. અબ્દુલ કલામ સહિત અનેક દિગ્ગજ વૈજ્ઞાનિકો ડૉક્ટર વિક્રમ સારાભાઈના આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે, પણ વિક્રમ સારાભાઈના સહાયક રહી ચૂકેલા આપણા ગુજરાતી વૈજ્ઞાનિક પ્રફુલ ભાવસાર વિશે બહુ જ ઓછા લોકો જાણે છે.
તેમણે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામમાં ઘણું પ્રદાન કર્યું છે. 21 નવેમ્બર, 1963ના દિવસે ભારતની ધરતી પરથી પ્રથમ રોકેટ છોડાયું એ પ્રોજેક્ટમાં તેઓ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ રહી ચૂક્યા હતા. તેઓ 1986માં નિવૃત્ત થયા એ અગાઉ ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ યુટિલાઇઝેશન પ્રોગ્રામના ડિરેક્ટર અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોટાના પ્રોફેસર જોહ્્ન આર. વિન્ક્લેર અને જેક્વિસ બ્લેમોન્ટ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારા અનેક મહાન વૈજ્ઞાનિકોના સહાયક તરીકે કોસ્મિક રે વિશે સંશોધન કર્યું હતું. તેઓ ડોક્ટર વિક્રમ સારાભાઈના વિદ્યાર્થી હતા, પણ પછી અમેરિકા રહેવા ચાલ્યા ગયા હતા અને જગવિખ્યાત વૈજ્ઞાનિકોના સહાયક તરીકે કામ કરી રહ્યા હતા. જોકે, ડૉક્ટર વિક્રમ સારાભાઈની વિનંતીથી તેઓ ભારત પાછા ફર્યા હતા.
ડૉક્ટર વિક્રમ સારાભાઈ જગવિખ્યાત વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી ભાભા સાથે ફરજ બજાવતા હતા. હોમી ભાભા પારસી હતા, પણ પારસીઓ ગુજરાતી પ્રજાનો એક હિસ્સો બની ગયા છે એ રીતે તેમનો ઉલ્લેખ પણ ગુજરાતી વૈજ્ઞાનિકોની યાદીમાં કરવો જ પડે. આપણા દેશને જ્યારે આઝાદી મળી ત્યારે હોમી ભાભાએ કોંગ્રેસ પાર્ટીના સિનિયર લીડર્સને અને ખાસ તો જવાહરલાલ નેહરુને સલાહ આપી હતી કે ભારતે ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ અને સ્પેસ સાયન્સની દિશામાં આગળ વધવું જોઈએ. તેમણે બેંગ્લુરુસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં નોબેલ પ્રાઇઝ વિનર એવા ભારતીય વૈજ્ઞાનિક સી. વી. રામનના સહાયક તરીકે કામ કર્યું હતું. તેઓ આલ્બર્ટ આઇન્સ્ટાઇન, નીલ્સ બોર, ઇ. રધરફોર્ડ, પી.એ.એમ ડિરાક જેવા જગમશહૂર વૈજ્ઞાનિકોના આસિસ્ટન્ટ રહી ચૂક્યા હતા. 1948માં ભારતના એટમિક એનર્જી કમિશનની સ્થાપના પણ તેમના કારણે થઈ હતી, જેના તેઓ પ્રથમ ચેરમેન બન્યા હતા. એ વખતે સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ પણ એટમિક એનર્જી કમિશનનો એક હિસ્સો હતો. 1948માં તત્કાલીન વડાપ્રધાન નેહરુએ તેમને ન્યુક્લિયર પ્રોગ્રામના ડિરેક્ટર પણ બનાવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ શરૂ કરવામાં તેમણે મહત્તમ પ્રદાન કર્યું હતું. 1966માં તેઓ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીની એડવાઇઝરી કમિટીની મિટિંગમાં હાજરી આપવા માટે એર ઇન્ડિયાના પ્લેનમાં વિયેના જઈ રહ્યા હતા ત્યારે એ પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને તેમનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું. તેઓ અકાળે મૃત્યુ પામ્યા એટલે ડૉક્ટર વિક્રમ સારાભાઈને એટમિક એનર્જી સેન્ટરના ચેરમેન બનાવાયા હતા. અંતરીક્ષમાં ઉપગ્રહો મોકલવાનો આઇડિયા ડૉક્ટર હોમી ભાભાને અને વિક્રમ સારાભાઈને આવ્યો હતો. ઇસરોની સ્થાપના તેમના કારણે થઈ હતી.
વિક્રમ સારાભાઈએ પાંચ દાયકા અગાઉ ઇન્ટરનેશનલ કમિટીની સામે એવી રજૂઆત કરી હતી કે ભારતને અંતરીક્ષમાં 25 કક્ષા એટલે કે ઓર્બિટ જોઈએ છે. સાદી ભાષામાં કહીએ તો ભારત અવકાશમાં 25 ઉપગ્રહ છોડવા માગે છે એવી તેમણે રજૂઆત કરી હતી. એ વખતે વિકસિત દેશોના વૈજ્ઞાનિકોને હસવું આવ્યું હતું કે ભારતની એક ઉપગ્રહ છોડવાની ઓકાત નથી અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ આટલા ઉપગ્રહ માટે રજૂઆત કરી રહ્યા છે. એ વખતે બધા વૈજ્ઞાનિકો તેમની મજાક કરતા હતા, પણ આજે વાસ્તવિકતા એ છે કે ભારતના 50થી વધુ સેટેલાઇટ અંતરીક્ષમાં ભ્રમણ કરી રહ્યા છે!
છેલ્લે બે રસપ્રદ અને કોલર ઊંચો કરી શકીએ એવી બે વાત સાથે લેખ પૂરો કરીએ. 2015 સુધી જેના નામે અવકાશમાં સળંગ સૌથી વધુ (195 દિવસ) રહેવાનો રેકોર્ડ બોલતો હતો અને અત્યારે પણ સ્પેસમાં કુલ સમય ગાળવા માટે જેમના નામે રેકોર્ડ બોલે છે એવાં સુનિતા વિલિયમ ભલે ‘નાસા’માં ફરજ બજાવતા હોય, પણ તેઓ ગુજરાતી છે! સ્પેસ સ્ટેશનની બહાર સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયો હતો. સુનીતા વિલિયમ ગુજરાતના ભૂતપૂર્વ અને સ્વર્ગસ્થ ગૃહપ્રધાન હરેન પંડ્યાના ફર્સ્ટ કઝિન છે અને તેઓ વર્ષો અગાઉ મહેસાણા જિલ્લામાં તેમના વતન ઝુલાસણ ગામની મુલાકાતે પણ આવ્યા હતા. સુનિતા વિલિયમ્સ કુલ 321 દિવસ, 17 કલાક અને 15 મિનિટ સ્પેસ સ્ટેશનમાં ગાળી ચૂક્યા છે.
અને છેલ્લે આ પણ જાણી લો: 5 જાન્યુઆરી, 2017ના દિવસે જગતનાં ઘણાં અખબારોએ ન્યૂઝ છાપ્યા હતા કે એક યુવાન ભારતીય વૈજ્ઞાનિક કરણ જાનીનો જગવિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિનના અંડર થર્ટી એવા દુનિયાના ટોપ 30 સાયન્ટિસ્ટ્સના લિસ્ટમાં સમાવેશ કરાયો છે. ગ્રેવિટેશનલ રેઝ ડિટેક્ટ કરનારી ટીમના કી-મેમ્બર તરીકે એ સન્માન મેળવનારા સ્પેસ સાયન્ટિસ્ટ કરણ જાનીનું વતન વડોદરા છે એ વાતની ખબર વડોદરાના પણ બહુ ઓછા લોકોને હશે!

x
રદ કરો

કલમ

TOP