મનદુરસ્તી / ફેમિલીના ફાયદા બદલાઈ રહ્યા છે?

Family Benefits are Changing?

ડૉ. પ્રશાંત ભીમાણી

May 16, 2019, 05:42 PM IST

‘આમારી 18 વર્ષની દીકરી સંચિતા. ઈન્ટરનેશનલ બિઝનેસ ભણે છે. મેં સંચિતાને શું નથી આપ્યું ડોક્ટર, એ જે માગે તે બધી જ વસ્તુઓ તરત લાવી આપું છું. એના માટે મેં આટલું મોટું એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. ઘરમાં અમે બે જ જણા તોય આ હાઈ એન્ડ અેપાર્ટમેન્ટ મેં સંચિતાને ભવિષ્યમાં કંઇ ઓછું ન આવે એટલા માટે લીધો છે. મારો બિઝનેસ હું સરસ ચલાવું છું. મારે ત્રીસ જણનો સ્ટાફ છે. એ બધા મને રિસ્પેક્ટથી બોલાવે છે, પણ આ મારી એકની એક દીકરી જ મારું જરાય માન રાખતી નથી. મારી સાથે હંમેશાં ખરાબ રીતે જ વાત કરે. તોછડાઈની ભાષા મેં એને શીખવાડી નથી છતાં પણ ગમે તેની હાજરીમાં મારું અપમાન કરી નાખે. પ્રોબ્લેમ એ છે કે આજકાલ એવા એક છોકરા શાન સાથે ઈન્વોલ્વ થઈ ગઈ છે, જે અમારા લેવલનો નથી. કદાચ એની નજર મારી પ્રોપર્ટી પર હોય તેમ લાગે છે. ભલે હું ડિવોર્સી છું, પણ પાકી બિઝનેસ પર્સન છું. એમ કંઇ સંચિતાને હાથમાંથી નહીં જવા દઉં. હું બહુ સ્વમાની છું. ડિવોર્સ પછી મારાં મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભીને પણ કહી દીધું હતું, ‘હું મારું ફોડી લઈશ. તમે મારી લાઈફમાં ઈન્ટરફિયર ન કરતા.’ અન્નપૂર્ણાબહેનમાં ગુસ્સો અને દુઃખ બંને સાથે જણાઈ આવતાં હતાં. 1994થી યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે આજે 15મી મેના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી’ ઊજવાય છે. આનો હેતુ પરિવાર, લોકો, સમાજો અને સંસ્કૃતિઓનું મહત્ત્વ સમજાવવાનો છે. મતલબ માનવજીવનમાં પરિવાર એક અભિન્ન અસરકારક અંગ છે તેનું મહત્ત્વ લોકો સમજે તે જરૂરી છે. ભારતમાં એક પરિવારનું સરેરાશ કદ 4.8 લોકોનું છે અને ચીનમાં એ 3 લોકોનું છે. યાદ રહે, આ વસ્તીની વાત નથી પરિવારના સભ્યોની સંખ્યાની વાત છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ કુટુંબો પાંચ પ્રકારનાં હોય છે. ન્યુક્લિયર ફેમિલી, એક્સ્ટેન્ડેડ ફેમિલી, સિંગલ-પેરેન્ટ ફેમિલી, રિ-કોન્સ્ટિટ્યુટેડ ફેમિલી અને ચાઈલ્ડલેસ ફેમિલી. આપણે મુખ્યત્વે બે જ પ્રકારમાં માનતા હોઈએ છીએ. સંયુક્ત પરિવાર અને વિભક્ત પરિવાર. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ દરેક પરિવારની વ્યક્તિના માનસ અને વર્તન પર વ્યાપક ભિન્ન-ભિન્ન અસરો પડતી હોય છે.
પરિવારો તૂટતા જાય છે તે આજની હકીકત છે. ફેમિલી સ્ટ્રક્ચરના ફાયદા કે ગેરફાયદા આજકાલ બદલાઈ રહ્યા છે. એક માન્યતા એવી છે કે પહેલાંના જમાનામાં સંયુક્ત પરિવારમાં બાળકો ક્યાં મોટાં થઈ જતાં હતાં, એની ખબર જ નહોતી પડતી. હવે વિભક્ત કુટુંબમાં માતા-પિતા પોતાના (મોટાભાગે એકના એક) બાળકને ઉછેરવામાં શક્ય એટલી તકેદારી રાખે છે છતાંય સમસ્યા સર્જાય છે. અલબત્ત, આ બદલાતા આર્થિક સામાજિક અને મનોવૈજ્ઞાનિક પોઈન્ટ ઑફ વ્યૂની તાસીર છે. તો પણ સંયુક્ત કુટુંબના લાભ સામાજિક કક્ષાએ ને ઉછેરની દૃષ્ટિએ ચોક્કસ છે. જોકે, કેટલાંક ઘરોમાં એ જ મોટા વિખવાદનું કારણ બને છે.
સંચિતાના કિસ્સામાં એણે જે નાનપણથી જોયું તે જ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શીખી. તેમજ જ્યારે સિંગલ પેરેન્ટિંગ ફેમિલી હોય છે તેમાં પેરેન્ટિંગમાં ઈનસિક્યોરિટી અને ગિલ્ટ ભળેલાં હોય છે. જ્યારે માતા કે પિતા બંનેમાંથી કોઈ એક બંનેના સાથે રોલ ભજવવાની કોશિશ કરે છે ત્યારે પોતાને આત્મસંતોષ તો થાય છે, પણ બાળકનો ઉછેર સંતુલિત થશે જ એની કોઈ ગેરંટી નથી હોતી. સિંગલ પેરેન્ટ દ્વારા બાળકને બધી જ સગવડો આપી દેવાની અસલામતીપૂર્ણ ઘેલછામાં બાળક માનસિક રીતે ગૂંગળાઈ જાય છે. એક સમય એવો આવે છે કે બાળક ટીનએજમાં પ્રવેશે છે ત્યારે માતા કે પિતા પર બધી રીતે ડિપેન્ડન્સી હોવાની બાબત સંતાનને ગમતી નથી. એટલે નિયંત્રણ અને વધુ પડતા લાડ-પ્યાર કે શિસ્તની બેડીઓને તોડીને એ જ સંતાન વધુ વિદ્રોહી બની જાય છે. ભલે પરિસ્થિતિ ખરાબ રહી હોય એટલે સિંગલ પેરેન્ટિંગ કરવું પડ્યું હોય પણ માતા કે પિતાની ભૂતકાળની જે તે સમયની માનસિક સ્થિતિને બાળક સમજી શકતું નથી. પોતાને બંને પેરેન્ટ નથી મળ્યાં એ માટે ક્યારેક પોતાની નજીક રહેલા પેરેન્ટને બાળક વધુ જવાબદાર માને છે એટલે લાગણી કે શિસ્તનાં બંધનોને તોડી નાખે છે. સંચિતાને સાયકોથેરાપીની જરૂર તો હતી જ, પણ અન્નપૂર્ણાબહેનને પણ કાઉન્સેલિંગ આપવું ઉપયોગી નીવડ્યું. બે માતા-પિતા સાથે હોય તો પણ તરુણાવસ્થા મુશ્કેલભરી થઈ જતી હોય તો એકલા હાથે ઉછેરીને ક્યારેક પેરેન્ટ પોતે ડિપ્રેશનમાં સરી પડે છે.
વિભક્ત કુટુંબમાં નિર્ણયો લેવાની સ્વતંત્રતાની સામે બહોળા પરિવારની હૂંફનો ભોગ આપવો પડે છે. જ્યારે સંયુક્ત કુટુંબમાં સોશિયલ સેફ્ટી મળે તો સાથે અન્ય પારિવારિક સ્ટ્રેસ પણ મળી શકે છે. દરેક કુટુંબપ્રથાના ફાયદા ગેરફાયદા બંને હોય છે.⬛
વિનિંગ સ્ટ્રોક : કુટુંબ સંયુક્ત કે વિભક્ત ગમે તે હોય, પણ વ્યક્તિનું એડજસ્ટમેન્ટ અત્યંત જરૂરી છે.
drprashantbhimani @yahoo.co.in

X
Family Benefits are Changing?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી