બ્લેક એન્ડ વ્હાઈટ / બોલિવૂડનું ફોરેન કનેક્શન!

Bollywood's Foreign Connection!

ચૂંટણીઓ દરમિયાન અક્ષય અને દીપિકાની એ વાત ચર્ચામાં આવી કે બંને ભારતીય નાગરિક નથી. વાસ્તવમાં બોલિવૂડનાં ડઝનબંધ એક્ટર્સ ભારતીય નાગરિક નથી

આશુ પટેલ

May 09, 2019, 03:35 PM IST

થોડા દિવસ અગાઉ ફરી એકવાર એવા સમાચાર આવ્યા કે બોલિવૂડની ટોચની હિરોઇન આલિયા ભટ્ટ ભારતીય નાગરિક નથી, તે બ્રિટિશ સિટીઝનશિપ ધરાવે છે. બોલિવૂડમાં બધાને ખબર છે કે આલિયા ભટ્ટની માતા એક્ટ્રેસ સોની રાઝદાન બ્રિટન સિટીઝન છે એટલે આલિયા પણ બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે. ચૂંટણીઓ દરમિયાન અક્ષયકુમાર અને દીપિકા પદુકોણ વિશે પણ એ વાત ફરી એકવાર ચર્ચામાં આવી કે તે બંને ભારતીય નાગરિક નથી. વાસ્તવમાં બોલિવૂડના ડઝનબંધ એક્ટર્સ ભારતીય નાગરિક નથી. બોલિવૂડના એનસાયક્લોપીડિયાસમાં ફિલ્મમેકર અને ડેનીભાઈ તરીકે જાણીતા ફ્રેન્ડ અમર સોલંકી અને અન્ય કેટલાક પત્રકારમિત્રો પાસેથી ભારતનું નાગરિકત્વ ન ધરાવતા હોય એવા ફિલ્મ કલાકારો વિશે રસપ્રદ માહિતી મેળવી. એ વાચકો સાથે શેર કરી રહ્યો છું.
આપણે અક્ષયકુમારથી શરૂઆત કરીએ. અક્ષય અમૃતસરમાં જન્મ્યો. તેનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા. તેનો ઉછેર દિલ્હીમાં થયો એ પછી તેણે હોંગકોંગની રેસ્ટોરાંમાં પણ કામ કર્યું. એ પછી ભારત પાછો આવીને બોલિવૂડ એક્ટર તરીકે સફળ થયો એ પછી તેને ઓનરરી કેનેડિયન સિટીઝનશિપ ઓફર થઈ, જે તેણે સ્વીકારી લીધી. ભારતીય નાગરિકત્વ છોડીને કેનેડાનું નાગરિકત્વ સ્વીકારી લીધું એટલે અત્યારે તે કેનેડાનો નાગરિક છે.
જેક્લિન ફર્નાન્ડીઝ અત્યારે બોલિવૂડની ટોચની હિરોઈનો પૈકી એક છે, પણ તે શ્રીલંકન નાગરિક છે. જેક્લિનનો જન્મ બહેરીનમાં થયો હતો, પણ પછી તે શ્રીલંકામાં મોટી થઈ અને 2006માં મિસ યુનિવર્સ - શ્રીલંકા બ્યુટી પેજન્ટમાં વિજેતા બની અને એને કારણે તેને બોલિવૂડમાં પ્રવેશની તક મળી. પોર્ન ફિલ્મ્સની એક્ટ્રેસમાંથી બોલિવૂડની જાણીતી હિરોઈન બનેલી સની લિયોન મૂળ ભારતીય છે, પરંતુ તેની પાસે અમેરિકાની સિટીઝનશિપ છે. અક્ષયકુમારની જેમ તે પણ પંજાબી કુટુંબમાંથી આવે છે. તેનું મૂળ નામ કરનજિત કૌર છે. તેની પાસે અમેરિકન પાસપોર્ટ છે.
‘સિંઘ ઈઝ’ ફિલ્મમાં અક્ષયકુમારની હિરોઈન બનેલી એમી જેક્સન બ્રિટનની વતની છે અને બ્રિટિશ સિટીઝનશિપ ધરાવે છે. આવી તો અનેક હિરોઈન્સ છે. નરગિસ ફખરીના પિતા પાકિસ્તાની છે અને માતા ચેક રિપબ્લિકની વતની છે અને નરગિસ અમેરિકન સિટીઝનશિપ ધરાવે છે. બધાને ખબર છે કે ફવાદ ખાન અને અલી ઝફર પાકિસ્તાનના નાગરિક છે. કેટરિના કૈફ વિશે લોકોને એ તો ખ્યાલ જ છે કે તે બ્રિટિશ સિટીઝનશિપ ધરાવે છે, પરંતુ મોટાભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે તેના પિતા કાશ્મીરી છે અને તેનો જન્મ હોંગકોંગમાં થયો હતો અને તેની માતા બ્રિટિશ સિટીઝનશિપ ધરાવતી હતી એટલે કેટરીના પણ બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે. દીપિકા પદુકોણ પણ ભારતીય નાગરિક નથી. તેના બેડમિન્ટન ચેમ્પિયન પિતા પ્રકાશ પદુકોણનો જન્મ ડેન્માર્કમાં થયો હતો એટલે દીપિકા પાસે પણ ડેન્માર્ક પાસપોર્ટ છે.
બહુ ઓછા લોકોને ખબર હશે કે આમિર ખાનનો ભાણેજ ઈમરાન ખાન અમેરિકન સિટીઝનશિપ ધરાવે છે તેનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડિસનમાં થયો હતો. તે આમિર ખાનની કઝિન નુઝહત ખાનનો દીકરો છે. નુઝહત આમિરની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ ફિલ્મના દિગ્દર્શક મન્સૂર અલી ખાનની સગી બહેન. ઈમરાનની માતાએ અનિલ પાલ સાથે લગ્ન કર્યાં હતાં, જે અમેરિકામાં સિલિકોનવેલીમાં સોફ્ટવેર એન્જિનિયર હતા. નુઝહત ખાન સાયકોલોજિસ્ટ છે. અનિલ પાલ સાથે ડિવોર્સ લીધા પછી નુઝહત મુંબઈ આવી અને જાણીતા પરંતુ બહુ સફળ નહીં થયેલા અભિનેતા રાજ ઝુત્શી સાથે લગ્ન કર્યાં હતાં. એ વખતે ઇમરાન ખાનની ઉંમર બહુ નાની હતી અને રાજ ઝુત્શીએ તેનો પોતાના દીકરાની જેમ ઉછેર કર્યો હતો (બાય ધ વે, બોલિવૂડ ઈમરાન ખાનને મન્સૂર ખાન અને આમિર ખાનના ભાણેજ તરીકે ઓળખે છે, પરંતુ ગુજરાતી રંગભૂમિના જૂના જોગીઓ તેને દિગ્ગજ ગુજરાતી નાટ્યકાર સ્વર્ગસ્થ મહેન્દ્ર જોશીના ભાણેજ તરીકે પણ ઓળખે છે! મોટાભાગના વાચકોને કલ્પના પણ નહીં હોય કે આમિર ખાનની એરહોસ્ટેસ બહેન નિખત ખાન આપણા દિગ્ગજ મહેન્દ્ર જોશીના પ્રેમમાં પડીને તેમની જીવનસંગિની બની હતી અને તે મહેન્દ્ર જોશીના મૃત્યુ સુધી તેમની સાથે રહી હતી. મહેન્દ્ર જોશીના મૃત્યુ પછી નિખત ખાને સંતોષ હેગડે સાથે લગ્ન કર્યાં હતાં).
બોલિવૂડમાં સૌપ્રથમ કોઈ ફોરેન એક્ટ્રેસ એટલે કે વિદેશી અભિનેત્રીએ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હોય તો તે હેલન છે. 1938માં એંગ્લો ઈન્ડિયન ફાધર અને બર્મીઝ મધરને ત્યાં જન્મેલી હેલન બર્મીઝ નાગરિક હતી, પણ ભારતીય પ્રેક્ષકોએ તેને એટલી હદે અપનાવી લીધી હતી કે કોઈને યાદ પણ નથી કે તે બર્મીઝ છે. આવા બીજા પણ અનેક કિસ્સાઓ છે. જેમ કે, કલ્કિ કોચલિનનો જન્મ ભલે ભારતના પુડુચેરીમાં થયો હતો, પરંતુ તેનો ફ્રેન્ચ પાસપોર્ટ છે અને તેણે પોતાનું ફ્રેન્ચ નાગરિકત્વ જાળવી રાખવાનું જ પસંદ કર્યું છે. એવા પણ કિસ્સાઓ છે જેમાં કોઈ કલાકારે ભારતમાં સફળતા મેળવ્યા પછી ભારતીય નાગરિકત્વ મેળવી લીધું હોય. જેમ કે, વિખ્યાત પાકિસ્તાની ગાયક અદનાન સામીએ લાંબી કાનૂની લડાઈ પછી ભારતીય નાગરિકત્વ મેળવ્યું હતું. આવી જ રીતે એવલિન શર્મા પંજાબી પિતા અને જર્મન માતાની દીકરી છે અને તેની પાસે હજુ જર્મન સિટીઝનશિપ છે. અલી ઝફર અને ફવાદ ખાન પાકિસ્તાની નાગરિકો છે એ તો બધાને ખબર જ છે. એ ઉપરાંત એલી એવરામનો જન્મ સ્વિડનના સ્ટોકહોમમાં થયો હતો. ગ્રીક-સ્વિડિશ એક્ટ્રેસ-મોડેલ એવી એલી અવરામ સ્વિડિશ નાગરિકત્વ ધરાવે છે. તેનું નામ એલિઝાબેથ એવરામિડો છે. તે અત્યંત પ્રખ્યાત સ્કેન્ડિનેવિયન ટીવી ટોક શો ‘સ્કેવલેન’માં પણ ચમકી ચૂકી છે. તો 2007માં ‘ફેમિના મિસ ઇન્ડિયા’ બનેલી મોડેલ-એક્ટ્રેસ સારા જેન ડાયેસ ઓમાનના મસ્કત શહેરમાં રહેતા રોમન કેથલિક પેરેન્ટ્સને ત્યાં જન્મી હતી.
આ ઉપરાંત અન્ય અનેક કિસ્સાઓ પણ છે. લિઝા હેડન અને યાના ગુપ્તા પણ ભારતીય નાગરિકત્વ નથી ધરાવતી. તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સમયની ટોચની હિરોઈન મનીષા કોઈરાલા પણ નેપાળના ગુપ્ત વડાપ્રધાનના કુટુંબમાંથી આવે છે. સાડા ત્રણ દાયકા અગાઉ ‘નિકાહ’ ફિલ્મથી છવાઈ ગયેલી અભિનેત્રી-ગાયિકા સલમા પાકિસ્તાની નાગરિક હતી. તો એક સમયના સફળતમ અભિનેતા દિલીપકુમાર અગાઉ પેશાવરમાં અને વિલન તરીકે પ્રખ્યાત બનેલા પ્રાણ અગાઉ પાકિસ્તાનમાં રહેતા હતા. ભાગલા પછી તેઓ ભારત આવી ગયા હતા. આવા તો ઘણા કિસ્સાઓ છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું. {

X
Bollywood's Foreign Connection!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી