Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

પીગળ્યો એક પહાડ

  • પ્રકાશન તારીખ31 Dec 2019
  •  
કાવ્યસેતુ- લતા હિરાણી
પરોઢનાં ઝાકળમાં તડકો પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ ને આંસુમાં
ડૂબતી તરતી તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતી આવે,
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું,
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી આછા આછા
અહો મને સંભળાતા પાછા, અહો મને સંભળાતા આછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું ખૂલું
ઝાડ બનીને ઝૂલું ઝૂલું
દરિયો થૈને ડૂબું ડૂબું
પ્હાડ બનીને કૂદું કૂદું
આભ બનીને તૂટું તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!
}લાભશંકર ઠાકર
લા ભશંકર ઠાકર જેવા ધુરંધર કવિની આ એક કોમળ કવિતા. કવિતા, નિબંધસંગ્રહો, ચરિત્રગ્રંથો, નાટક, નવલકથા કે બાળસાહિત્ય - સાહિત્યનો કોઈ પણ પ્રકાર હોય, એમની રચનાઓમાં સર્જકતા શિખરે રહેતી. તો સામે પક્ષે વૈદક વિષયક લેખો લખવામાં તેઓ એટલા જ સરળ! ચિંતન, હળવાશ, મધુરતા અને વાસ્તવને વણતું આ કાવ્ય એમના ‘તડકો’ કાવ્યોમાંનું એક છે. આ અછાંદસ કાવ્યના દમદાર, રણકારભર્યા પઠનથી લયના પ્રવાહમાં ઘુમરાતા જતાં શબ્દો ભાવકના મનમાં ગીતનો આભાસ જગાડી શકે! ‘પીગળે, ફફડે, તરતી, ડૂબતી, બટેર બેઠું’ તથા ‘ખૂલું, ઝૂલું, ડૂબું, તૂટું’ જેવા અનેક શબ્દોના અદભૂત આવર્તનોનું અજવાળું શ્રોતાની અનુભૂતિ સાથે સીધું સંબંધાઈ જાય. શબ્દો આપણને ઉપાડે, રમાડે, વહાવે, ઝૂલાવે. દેખીતા સરળ આ કાવ્યમાં એબ્સર્ડ કવિતાના અંશ પમાય છે.
આ કાવ્ય તડકા અને એમાંય પરોઢના કૂમળા તડકાની આસપાસ ગૂંથાયેલું છે. તડકા માટે કવિએ સહેતુક ‘રેલાતો’ કે ‘પથરાતો’ શબ્દ નથી વાપર્યા. અહીં તડકો પીગળે છે, જે એક જુદી જ અનુભૂતિ છે. ‘પીગળવું’ શબ્દ અલગ ભાવસૌંદર્ય સર્જે છે. પરોઢનો કૂમળો તડકો પીગળે અને ઓઢી રાખેલા વ્યર્થ આવરણો ઓગાળતો જાય, સંવેદનાને હળવેથી સ્પર્શી અંદરના કોમળ ભાવોને જગાડતો જાય. પહેરેલા પડછાયા, સર્જેલી સંબંધોના થોરની વાડો કે કોરાધાકોર મનની કિનારો પરોઢના તડકાથી પીગળતી જાય.
વાડ પર બેઠેલું બટેર પક્ષી ને એની હળું હળું ફફડતી પાંખો એવી નમણાશની સૃષ્ટિ રચે છે કે આંસુમાં ડૂબીને તરીને આવેલી થોરના કાંટાની વાડ પણ કઠે નહીં. પૂરા કાવ્યમાં આંસુ અને અવસાદ, અવાજ અને મૌન, કોમળતા અને કઠોરતા લયના દોરમાં અને શબ્દોના ગૂંથણમાં પરોવાઈને એવા પથરાયા છે કે રચનામાંથી માધુર્યનો હિલ્લોળ પ્રગટે છે. આગળ જતાં કવિએ તડકા માટે ‘વેરણછેરણ’ શબ્દ વાપર્યો છે. વેરાયેલાં રમકડાં જોઈને એક બાળકને થતી ખુશી અનુભવાય છે. કવિને શું અભિપ્રેત હશે? કવિતાની આ જ ખૂબી છે અને એમાંય કલાતત્વથી રેલમછેલ કવિતામાં આ ખાસ બનવાનું. ક્યાંક એવુંય ઉપસી શકે જે કવિની કલ્પનામાં ન હોય[email protected]
x
રદ કરો
TOP