Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

કારણ વગરની ટીકાનો ભોગ બને છે, નિર્મલા સીતારામન

  • પ્રકાશન તારીખ12 Aug 2019
  •  

ઈધર-ઉધર- વિક્રમ વકીલ
છેલ્લા બજેટમાં અતિધનિકો પર વધારાનો ટેક્સ નાંખવામાં આવ્યો એની ટીકા કેટલાક જોરશોરથી કરી રહ્યા છે. ટીકાકારો આ માટે નાણામંત્રી નિર્મલા સીતારામનને જવાબદાર ગણે છે. જોકે, જાણકારોનું કહેવું છે કે ભાજપની ઉચ્ચ નેતાગીરીના નિર્ણયની જવાબદારી ખોટેખોટી નાણામંત્રીના માથે નાંખીને એમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યાં છે. હકીકત એ છે કે બીજી ટર્મમાં ધરખમ બહુમતીથી ચૂંટાયા પછી ભાજપના ટોચના નેતાઓ પક્ષની ઇમેજ ‘ગરીબોની સરકાર’ તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે. બજેટમાં નાખવામાં આવેલા ટેક્સને કારણે મોટા ઉદ્યોગગૃહો સ્વાભાવિક રીતે જ ખુશ નથી. બિઝનેસ કવર કરતા પત્રકારો બજેટમાંના સુપરટેક્સની ટીકા એટલા માટે કરી રહ્યા છે કે આ ટેક્સને કારણે નવા રોકાણકારો તેમજ વિદેશી રોકાણ પર અસર થશે. જોકે, વડાપ્રધાન મોદી આવી ટીકાની પરવા કરતા નથી, પરંતુ નાણામંત્રી સીતારામન ટીકાથી વ્યથિત રહે છે.
અમિત શાહ રાજ્યસભામાં ફ્લોર મેનેજમેન્ટ કઈ રીતે કરે છે?
રાજ્યસભામાં બહુમતી નહીં હોવા છતાં સરકાર મોટાભાગનાં બિલ રાજ્યસભામાંથી પસાર કરાવી શકી છે. રાજ્યસભામાં ફ્લોર મેનેજમેન્ટ કરવામાં અમિત શાહની માસ્ટરી છે એ તો ખરું, પરંતુ યશના ભાગીદાર શાહના જમણા હાથ અને ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ છે. ફક્ત ભાજપના જ નહીં, પરંતુ તમામ વિરોધ પક્ષના સંસદસભ્યો સાથે પણ યાદવ સંપર્કમાં રહે છે અને રાજ્યસભામાં ફ્લોર મેનેજમેન્ટ યોગ્ય રીતે થાય એનું ધ્યાન રાખે છે.
વર્ટિગોની બીમારી યુવાનીમાંય થઈ શકે
ઘણીવાર ઝડપથી જેમ તેમ ઘૂમતાં વાહન, ખાસ કરીને એમ્યુઝમેન્ટ પાર્કમાંના રોલર કોસ્ટરમાં બેસવાથી વર્ટિગો લાગુ પડે છે, તો ક્યારેક બોટ, કાર કે વિમાનમાં બેસવાથી પણ ચક્કર આવે છે. મોટા ભાગે લોકોને બેનિન પારોક્સાઇઝમૂલ પોઝિશનલ વર્ટિગો (બીપીપીવી) થતો હોય છે, જે બહુ ગંભીર ગણાતો નથી. આ વર્ટિગો યુવાન લોકોને પણ થાય છે. એમાં તમે માથું આમથી તેમ હલાવો ત્યારે ચક્કર આવે છે. તમને મોળ ચડતી હોય એવું લાગે અને શરીરમાં થાક પણ વર્તાય. આ પ્રકારનો વર્ટિગો અઠવાડિયાંઓ સુધી, ક્યારેક વર્ષો સુધી પરેશાન કરતો રહે છે. વર્ટિગોની સારવારમાં દર્દીને ઊંઘ લાવતી દવા અપાય છે. કોઈક કેસમાં દર્દીના કાનની અંદર ઇન્જેક્શન વડે એન્ટિબાયોટિક દવા આપવાથી એને રાહત થતી હોય છે.
વિચિત્ર રીતે મૃત્યુ પામનારને એવોર્ડ!
કેવા કેવા નમૂનાઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી એમાંનું એક ઉદાહરણ જોઇએ. નામ: સાન્ટિયાગો અલ્વારાડો. 24 વર્ષના આ સ્પર્ધકનું અવસાન કેલિફોર્નિયામાં થયું. સ્પર્ધક વ્યવસાયે ચોર હતો. ગયા ફેબ્રુઆરી મહિનામાં તે સાઇકલની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલો. દુકાનમાં ચોરી કરી રહ્યો હતો ત્યારે તે એકાએક મેડી પરથી નીચે પડ્યો. એ વખતે તેના મોઢામાં ટોર્ચ હતી. બંને હાથ છુટ્ટા
રહી શકે એટલા માટે તેણે ટોર્ચ મોઢામાં ખોસી રાખી હતી. પછી જ્યારે એ મોંભેર ફર્શ પર પટકાયો ત્યારે ટોર્ચ તેનું તાળવું તોડીને મગજમાં ઘૂસી ગઈ અને તે મૃત્યુ પામ્યો.
લાંબી-ટૂંકી કરી શકાય એવી કાર જોકે, બજારમાં મુકાશે ખરી?
સ્વિટ્ઝર્લેન્ડની રિનસ્પીડ નામની કંપનીએ એવી કાર શોધી છે, જેને જરૂર પ્રમાણે લાંબી ટૂંકી કરી શકાય છે. બટન દબાવો કે નવ ફૂટની કાર ત્રણ ફૂટ વધુ લાંબી થઈને બાર ફૂટની બની જાય અને બે સીટને બદલે ચાર સીટની થઈ જાય. ફરીવાર બટન દબાવો એટલે અડધી મિનિટમાં પાછલો અને આગલો ભાગ, ફોલ્ડિંગ છત્રીના હાથાની માફક, એકમેકમાં ઘૂસી જાય અને ત્રણ ફૂટ ટૂંકી થઈ જાય. પાર્ક કરેલી જગ્યામાં ગાડી બહાર કાઢવાની અડચણ પડે તો ટૂંકાવી નાખો અને બહાર કાઢી નાખો. સાંકડી જગ્યામાં પાર્ક પણ કરી શકાય. જોકે, કંપનીએ આ કાર ફક્ત મોટર શોમાં પ્રદર્શન માટે જ મૂકી હતી. બજારમાં આ કાર કેમ મુકાતી નથી એનો જવાબ કંપની પાસે નથી.
[email protected]

x
રદ કરો

કલમ

TOP