દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / છીછરા ફિલ્મવાળાઓની હિંસક બદમાશી

article by vikramvakil

Divyabhaskar.com

Jan 01, 2020, 05:05 PM IST
દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
સીએએ (સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ) મતલબ કે નાગરિકતા કાયદા બાબતે એક વાત એકદમ સાફ અને સમજી શકાય એવી છે. આ કાયદો દરેક ભારતીય નાગરિકને કોઈ પણ રીતે અસર કરતો નથી, ફક્ત બીજા દેશના શરણાર્થીઓ માટે જ છે. આ વાત કદાચ કોઈ પછાત-અભણ સમજી નહીં શકે એ શક્ય છે, પરંતુ પોતાને લિબરલ કે આધુનિક ગણાવતા કેટલાક ફિલ્મવાળાઓ સમજવાનો ઇન્કાર કરે ત્યારે સ્વાભાવિક રીતે જ એમની દાનત પર શંકા ઊપજે એ સ્વાભાવિક છે. મહાદંભી અને સ્વાર્થી ફિલ્મવાળાઓના બેવડા નહીં ત્રેવડા ધોરણ વિશે આજે વાત કરવી છે.
સીએએની વિગતોમાં ઊતર્યા વગર દેશના કેટલા ભાગમાં હિંસક તોફાનો ચાલુ થયાં ત્યારે દેશના દરેક નાગરિકની ફરજ બને કે આ હિંસક તોફાનોનો વિરોધ કરવો જોઇએ. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લેભાગુ ફિલ્મવાળાઓએ પ્રસિદ્ધિ મેળવવા અને પોતાની હતાશા બહાર કાઢવા માટે હિંસાને ઉત્તેજન આપવાનું કામ કર્યું. ફરહાન અખ્તર, દીયા મિર્ઝા, સ્વરા ભાસ્કર, શબાના આઝમી, જાવેદ અખ્તર, જાવેદ જાફરી અને અનુરાગ કશ્યપ જેવા ફિલ્મવાળાઓએ સીએએની સાચી હકીકત જાણતા હોવા છતાં અફવાઓને ઉત્તેજન આપવાનું કામ કર્યું. સોશિયલ મીડિયા પર તેમજ મુંબઈમાં રેલી કાઢીને આવા ફિલ્મવાળાઓએ દેશભરમાં ચાલી રહેલાં હિંસક તોફાનો વિશે એક શબ્દ પણ બોલ્યા નહીં, પરંતુ તોફાનીઓનો પક્ષ લઈને એમને હીરો બનાવવાની કોશિશ કરી. એ વાત જુદી છે કે અમિતાભ બચ્ચન કે શાહરુખ અને અક્ષયકુમાર જેવા અતિ વ્યસ્ત ફિલ્મવાળાઓ આ વિવાદથી દૂર જ રહ્યા અને પોતાના ઠરેલપણાનું ઉદાહરણ આપ્યું.
પોતાને લિબરલ અને બિનસાંપ્રદાયિક ગણાવવાની લાયમાં ફરહાન અખ્તરે શું કહ્યું હતું તે પહેલાં જોઇએ. માઇક્રો મીડિયા સાઇટ ટ્વિટર પર જ્યારે સીએએની તરફેણમાં અને વિરોધમાં દલીલો ચાલુ થઈ ત્યારે ફરહાન અખ્તરે આ કાયદાને ટેકો આપનારાઓ વિશે એલફેલ લખવા માંડ્યું. સામેથી એમને એમની ભાષામાં જવાબ મળવા માંડ્યો ત્યારે ઉતાવળમાં ફરહાન અખ્તરે ભારતનો ખોટો નકશો ટ્વિટર પર મૂકી દીધો. આ મામલે એમના પર કાયદેસર પગલાં લેવાની ધમકી મળી એટલે તરત જ પારોઠનાં પગલાં લઈ એમણે માફી માંગી લીધી. મુંબઈની રેલી દરિમયાન જ્યારે ફરહાન અખ્તરને કાયદા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એમણે પોતાની અક્કલનું પ્રદર્શન કરતાં એવો જવાબ આપ્યો કે કાયદામાં કંઈ ખોટું હશે તો જ તેનો વિરોધ થઈ રહ્યો છે ને!
સ્વરા ભાસ્કર નામની એક હિરોઇન પાસે ભાગ્યે જ કોઈ કામ છે. સોશિયલ મીડિયા પર ડાબેરીઓની વહાલી થવા માટે આ બાઇ વારંવાર જુઠ્ઠાણાં ફેલાવતી રહે છે. આર્ટિકલ 370ની વાત હોય, કાશ્મીરમાં લેવાયેલાં કડક પગલાંની વાત હોય, રામમંદિરની વાત હોય કે સીએએની, સ્વરા ભાસ્કર હંમેશાં રાષ્ટ્રવાદ વિરુદ્ધ બકવાસ કરતી રહે છે. મુંબઈની રેલીમાં જાવેદ જાફરી નામના ફિલ્મવાળાએ એવાં ભાષણ કર્યાં કે હિંસક તોફાનો કરનારાને વધુ બળ મળી રહે. આને કારણે સોશિયલ મીડિયામાં જાવેદ જાફરીની એટલી બધી ધોલાઈ થઈ કે એણે સોશિયલ મીડિયામાંથી ભાગી જવું પડ્યું.
વર્ષો પહેલાં છેલ્લી હિટ ફિલ્મ આપનાર અનુરાગ કશ્યપમાં અર્બન નકસલના દરેક લક્ષણો છે. આ ભાઇ પણ હંમેશાં દરેક રાષ્ટ્રહિતની વાતનો વિરોધ કરતા રહે છે. બોમ્બે વેલ્વેટ જેવી સુપર ફ્લોપ ફિલ્મ બનાવ્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ એમને ભાવ આપે છે. ફરીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નોંધ લેવાય એ માટે એમણે કેટલાંક વિવાદાસ્પદ લખાણો ટ્વિટર પર મૂક્યાં. હિટલરે જર્મન ભાષામાં આપેલા એક ભાષણનું સંપૂર્ણ ખોટો અનુવાદ કરીને તેઓ હાસ્યાસ્પદ બન્યા છતાં હજી સુધરતા નથી.
વિદેશ બેઠાં બેઠાં શબાના આઝમીએ પોતે શૂટ કરેલો એક વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો. આ વિડિયોમાં એણે સીએએનો ઝનૂનપૂર્વક વિરોધ કર્યો જે જોઇને ઉશ્કેરાયેલા વિરોધીઓએ અમદાવાદને બાનમાં લીધું અને બંગાળમાં સેંકડો બસો અને ટ્રેનોને સળગાવવામાં આવી.
શબાના આઝમી કે એના પતિ જાવેદ અખ્તરે આવા ડરી ગયેલા બંગાળી હિન્દુઓને કોઈ આશ્વાસન આપ્યું નથી. એવું લાગે છે કે આ બધા ફિલ્મવાળાઓને હિંસા ખૂબ ગમે છે. જોકે, વક્રતા અહીં જ છે. થોડા વર્ષ પહેલાં ‘પદ્માવત’ ફિલ્મની રિલીઝ પહેલાં નારાજ થયેલા ફિલ્મ ચાહકોએ ‘પદ્માવત’ની વિરુદ્ધમાં જે હિંસક તોફાનો કર્યાં હતાં ત્યારે આ જ ફિલ્મવાળાઓએ અલગ અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. 2018ની 25મી જાન્યુઆરીએ ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું હતું કે, ‘સ્કૂલબસ પર હુમલો કરવો એને આંદોલન કહી શકાય નહીં. એને આતંકવાદ જ કહી શકાય. આવું કૃત્ય કરનાર આતંકવાદી જ છે. એમને આતંકવાદીઓ જ કહેવા જોઇએ.’
દિલ્હીમાં જ્યારે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તોફાનો કર્યાં અને સ્કૂલબસ સળગાવવામાં આવી ત્યારે ફરહાન અખ્તર મનમાં મલકાતા રહ્યા હોય એવી પૂરી શક્યતા છે, કારણ કે દિલ્હીની હિંસા વિશે તેમણે એક શબ્દ પણ લખ્યો નથી. અમદાવાદમાં પોલીસ ઉપર લોહી તરસ્યું ટોળું તૂટી પડ્યું અને એમને ગંભીર ઇજા પહોંચાડી ત્યારે વિશાલ ડડલાની નામનો ફિલ્મવાળો ચૂપ રહ્યો હતો, પરંતુ જ્યારે ‘પદ્માવત’ મુદ્દે આંદોલન થતું હતું ત્યારે એણે ગંદી ગાળ સાથે આંદોલનકારીઓની ટીકા કરી હતી. આંદોલનકારીઓને ગુંડા સહિતનાં નામોથી નવાજ્યા હતા. દીયા મિર્ઝાએ પણ ‘પદ્માવત’ ફિલ્મના આંદોલન વખતે લખ્યું હતું કે, ‘શા માટે બધા ચૂપ છે. અમે કલાકારો આ હિંસાની શખ્ત ટીકા કરીએ છીએ અને આંદોલનકારીઓ સામે કડક પગલાં લેવાની હિમાયત કરીએ છીએ.’ આ જ દીયા મિર્ઝાએ લખનૌમાં થયેલી હિંસા બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તકલીફ એ છે કે આવા છીછરા ફિલ્મવાળાઓને દુઃખે છે પેટ અને કૂટે છે માથું. મૂળ મદ્દે આ ફિલ્મવાળાઓને અયોધ્યામાં મંદિર બનવાનું છે એની સામે ઘણા વખતથી વાંધો હતો, પરંતુ સુપ્રીમકોર્ટનો નિર્ણય હોવાથી તેઓ ચૂં કે ચા કરી શકતા નહોતા. હવે તેઓ જાતજાતનાં કારણ શોધીને તેમની હતાશા બહાર કાઢતા રહેવાના છે. હિન્દી ફિલ્મના દર્શકોએ સમજવું જોઇએ કે તેઓ આવા બદમાશ અને છીછરા ફિલ્મવાળાઓની ફિલ્મોને ઉત્તેજન આપવા માંગે છે કે નહીં?
[email protected]
X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી