દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / 26/11, ફિલ્મો અને પૂર્વગ્રહી વિવેચકો

article by vikramvakil

Divyabhaskar.com

Dec 12, 2019, 03:08 PM IST
દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
2008ના નવેમ્બર મહિનાની 26મી તારીખે મુંબઈ શહેર ઉપર જે આતંકવાદી હુમલો થયો હતો એને સ્વતંત્ર ભારતનો એક સૌથી કાળો દિવસ ગણી શકાય. જોકે, એ પહેલાં પણ 1993, 2002, 2003, 2006માં વિશ્વ આખાને ચોંકાવી દે એવા આતંકી હુમલાઓ મુંબઈમાં થયા જ છે. આ હુમલાઓમાં હજારો વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. 26/11ના હુમલા તરીકે જેનો ઉલ્લેખ થાય છે એ એક રીતે અલગ હતો. પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓ ખુલ્લેઆમ અત્યાધુનિક ઓટોમેટિક રાઇફલ સાથે દક્ષિણ મુંબઈમાં ઘૂસી આવ્યા હતા. વિશ્વની એક સૌથી ખ્યાતનામ હોટલ તાજ પેલેસ ઉપરાંત છત્રપતિ શિવાજી ટર્મિનસ, હોટલ ટ્રાઇડન્ટ, લિયોપોલ્ડ કાફે, તેમજ કામા હોસ્પિટલ જેવાં સ્થળોએ લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ 4 દિવસ સુધી કત્લેઆમ ચલાવી હતી. સ્પેન બનાવટના હેનગ્રેનેડનો ઉપયોગ પણ કેટલાક સ્થળે કરવામાં આવ્યો હતો. 26થી 29 નવેમ્બર સુધી આતંકીઓએ કરેલા હિંસાના નગ્ન નાચમાં 174 નિર્દોષોનાં મૃત્યુ થયાં હતાં અને 300થી વધુને ઇજા થઈ હતી. 10માંથી 9 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા જ્યારે એકમાત્ર જીવતા પકડાયેલા કસાબને પછીથી ફાંસીએ ચઢાવવામાં આવ્યો હતો એ તો જાણીતી વાત છે.
26/11ના હુમલાના ઇન્વેસ્ટિગેશનનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે તો એનાં ઘણાં ચોંકાવનારાં પાસાંની પણ ખબર પડે. આપણા કમનસીબે 26/11ના હુમલાની તપાસ માટે જો કોઈ કમિશન બન્યું હોય તો એના અહેવાલની આપણને ખબર નથી. આ આખા ષડ્યંત્ર વિશે બહુ ઓછું લખાયું છે અને આ હુમલાની ઘટનાને કેન્દ્રમાં રાખીને ફક્ત બે જ ફિલ્મો બની છે. જેમાંની એક ઓસ્ટ્રેલિયાના ડિરેક્ટરે બનાવેલી ‘હોટલ મુંબઇ’ હમણાં જ રિલીઝ થઈ છે. 2013માં હિન્દી ફિલ્મ જગતના જાણીતા પ્રોડ્યુસર, દિગ્દર્શક રામગોપાલ વર્માએ આ આતંકવાદી હુમલા પર ‘ધ એટેક્સ ઓફ 26/11’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં નાના પાટેકરનો મુખ્ય રોલ હતો. નાનાએ રિયલ લાઇફના પોલીસ અધિકારી રાકેશ મારિયાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની પટકથા ખુદ રામગોપાલ વર્માએ લખી હતી. નવાઈની વાત એ છે કે બધી રીતે જોવાલાયક આ ફિલ્મ જ્યારે 2013ની 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ ત્યારે ફિલ્મનું વિવેચન કરતા અંગ્રેજીભાષી વિવેચકોએ ફિલ્મને એવરેજ એક સ્ટાર આપીને ખૂબ ખરાબ રીતે ઉતારી પાડી હતી. કોઈ શક નથી કે રામગોપાલ વર્માએ અગાઉ ‘રામગોપાલ વર્મા કી આગ’ જેવી વાહિયાત ફિલ્મ બનાવી હતી, પરંતુ આ જ વર્માએ ‘સત્યા’, ‘કંપની’, ‘સરકાર’, ‘રંગીલા’ અને ‘ધ એટેક્સ ઓફ 26/11’ જેવી ફિલ્મો પણ બનાવી છે.
રામગોપાલ વર્માએ બને ત્યાં સુધી બનેલી સત્યઘટનાને વફાદાર રહીને ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કર્યું હતું. આતંકવાદીઓએ જે ક્રૂરતાથી માનવસંહાર કર્યો હતો એમને એટલા જ ક્રૂર એમણે બતાવ્યા હતા અને કદાચ આ જ વાત કહેવાતા લિબરલ – ડાબેરી વિવેચકોને પસંદ આવી નહોતી. એક વિવેચકે તો એવું સુધ્ધાં લખ્યું હતું કે ફિલ્મોમાં આતંકવાદીઓને વિલન જેવા બતાવવામાં આવ્યા છે! આ ભાઈએ ફિલ્મને એક જ સ્ટાર આપ્યો હતો. અર્બન નકસલના દરેક અવગુણ ધરાવતા આ રિવ્યૂકારને કદાચ પાકિસ્તાની આતંકીઓ ‘વિલન’ જેવા નહીં લાગ્યા હોય! રામગોપાલ વર્મા અને રાષ્ટ્રવાદીઓના કમનસીબે આતંકવાદનો સાચો ચહેરો બતાવતી આ ફિલ્મ બોક્સઓફિસ પર ભલે પિટાઈ ગઈ હોય, પરંતુ સત્ય હકીકત બતાવવા માટે વર્માને સલામ કરવી જ પડે.
હવે આપણે હમણાં જ રિલીઝ થયેલી એ જ વિષય પરની ફિલ્મ ‘હોટલ મુંબઈ’ વિશે વાત કરીએ. મૂળ અંગ્રેજી ભાષામાં બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન એન્થની મારસે કર્યું છે. મોટા ભાગના નિર્માતાઓ પણ મૂળ ઓસ્ટ્રેલિયાના છે. અનુપમ ખેર અને દેવ પટેલ જેવા કલાકારોએ ફિલ્મમાં કામ કર્યું છે. અંગ્રેજી અને હિન્દીમાં ડબ થયેલી આ ફિલ્મ અતિ સાધારણ છે. ફિલ્મનાં કેટલાંક દૃશ્યોમાં રાક્ષસ જેવા આતંકવાદીઓ માટે પણ દિગ્દર્શકને કૂણી લાગણી હોય એવું લાગે છે. હવે આ અતિ સામાન્ય ફિલ્મના રિવ્યૂ અર્બન નકસલ જેવા વિવેચકોએ લખ્યા ત્યારે મોટા ભાગનાઓએ પાંચમાંથી સાડા ચાર સ્ટાર આપી ફિલ્મ ઉપર સમરકંદ બુખારા ઓવારી ગયા. મુંબઈ પર હુમલો કરનારા આતંકવાદીઓ અતિ ધર્માંધ અને કટ્ટર હતા એ વિશે કોઈપણ સભાન વ્યક્તિને શક હોઈ શકે નહીં, પરંતુ દરેક ઘટનામાં બેલેન્સ શોધતા દ્વેષીલા વિવેચકોને ‘હોટલ મુંબઈ’ જેવી ફિલ્મમાં હીરા-મોતી દેખાયાં, જ્યારે આતંકવાદીઓનો અસલી કટ્ટરવાદી ચહેરો બતાવતી ‘ધ એટેક્સ ઓફ 26/11’માં ફક્ત ગોબર દેખાયું! ફિલ્મ વિવેચન ક્ષેત્રમાં પણ સામ્યવાદીઓની પકડ એટલી મજબૂત છે એનો પુરાવો આનાથી વધુ કયો હોઈ શકે?
એક ક્ષણ માટે ‘ધ એટેક્સ ઓફ 26/11’ અને ‘હોટેલ મુંબઈ’ વચ્ચેની સરખામણી બાજુ પર રાખીએ. 26/11ના હુમલા જેવો વિશાળકાય વિષય હોય તો એના પરથી કમ સે કમ અડધો ડઝન ફિલ્મો ભારતમાં બનવી જ જોઈતી હતી. સંપૂર્ણ રિસર્ચ કરીને જો આ વિષય પર તટસ્થતાથી ફિલ્મ બનાવવામાં આવે તો ઘણા રાજકારણીઓ, અધિકારીઓ અને મીડિયાનો ચહેરો દેશની પ્રજા સમક્ષ નગ્ન થઈ શકે એમ છે. 26/11 કાવતરાનો મુખ્ય આરોપી ડેવિડ હેડલી હમણાં અમેરિકાની જેલમાં બંધ છે. આ ડેવિડ હેડલીએ ભારતમાં રહીને 26/11 હુમલાનું પ્લાનિંગ કર્યું ત્યારે ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટનો પુત્ર રાહુલ ભટ્ટ પણ હેડલી સાથે જ ફરતો હતો. કોઈક અગમ્ય કારણસર ભારતની સુરક્ષા એજન્સીઓએ રાહુલ ભટ્ટને ક્લિનચીટ આપી દીધી. 26/11 હુમલા માટે બીજા એક જવાબદાર ઝબીરુદ્દીન અન્સારી ઉર્ફે અબુ હમઝાને દિલ્હીની પોલીસે 2012માં દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ કર્યો હતો. ભારતની સુરક્ષા એજન્સીઓ હમઝાને ત્રણ વર્ષથી શોધી રહી હતી. આ અબુ હમઝા મુંબઈની ધારાસભ્યોની હોસ્ટેલમાં ફઝિયા ખાન નામના ધારાસભ્યના રૂમમાં રહેતો હોવાનું પણ બહાર આવ્યું હતું. આપણે બધા અજમલ કસાબ વિશે જાણીએ છીએ, પરંતુ અબુ હમઝાની કોઈ જ વિગતો કોઈને ખબર નથી. 26/11ના હુમલાના પ્લાનિંગ વિશે ન તો કોઈ ફિલ્મ બની છે, ન તો કોઈ લખાણ લખાયાં છે.
અમેરિકામાં 9/11નો આતંકવાદી હુમલો થયો એ વિશે જુદા જુદા એંગલથી લગભગ એક ડઝન જેટલી ફિલ્મો બની ચૂકી છે. 9/11ના હુમલાના મુખ્ય આરોપી ઓસામા બિન લાદેનને કઈ રીતે પાકિસ્તાનમાંથી શોધી નાખીને એને હણી નાખ્યો હતો એ વિશે ડિરેક્ટર કેથરિન બાઇજેલોએ ‘ઝીરો ડાર્ક થર્ટી’ નામની અદ્્ભુત ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ આખા વિશ્વમાં સુપરહિટ પુરવાર થઈ હતી. ઓસામા બિન લાદેનને શોધવા માટે અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ જે પુરુષાર્થ કર્યો એ વિશે સંપૂર્ણ રિસર્ચ કરીને ‘ઝીરો ડાર્ક થર્ટી’ બનાવવામાં આવી હતી.
આશા રાખીએ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ કોઈક એવો માંહ્યલો નીકળે કે 26/11ના હુમલા બાબતે પણ ‘ઝીરો ડાર્ક થર્ટી’ જેવી ફિલ્મ બનાવીને સચ્ચાઈ બહાર લાવી શકે.
[email protected]
X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી