Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

‘આઉટ ઓફ બોક્સ થિંકિંગ’ દરેક ક્ષેત્રમાં જરૂરી!

  • પ્રકાશન તારીખ31 Jul 2019
  •  

દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોની કારમી હાર માટે દેશભરના રાજકીય નિષ્ણાતો અને સર્વે પંડિતોએ ઘણાં તારતમ્યો કાઢ્યાં. ભાજપ અને એનડીએના બીજા પક્ષોના વિરોધીઓ પણ એક બાબતે એકમત થયા. પુલવામામાં આતંકીઓના હુમલા પછી ભાજપ અને સાથી પક્ષોએ પકડેલી કટ્ટર રાષ્ટ્રવાદની લાઇને વિરોધીઓના ભુક્કા બોલાવી દીધા. સામેના પક્ષે રાફેલ્સના ભ્રષ્ટાચારની પિપૂડીનું સુરસુરિયું થઈ ગયું. ચૂંટણી પહેલાં ઓછાબોલા મતદારો પણ એવું માનતા થઈ ગયા કે બાકી બધું તો ઠીક, પરંતુ જો રાષ્ટ્ર જ સુરક્ષિત નહીં હોય તો આપણી સુરક્ષાનું શું? એવી માન્યતા દૃઢ થઈ ગઈ કે રાષ્ટ્રને સુરક્ષિત રાખવું હોય તો ભાજપનો કોઈ વિકલ્પ નથી!
સામે વિરોધ પક્ષોએ એ જ વખતે રાફેલ્સ સહિતના ન ચાલે એવા મુદ્દાને બાજુએ રાખી, ભાજપની જેમ જ સવાયા રાષ્ટ્રવાદની લાઇન પકડીને મતદારોનું લોહી ગરમ કરી, પાકિસ્તાન વિરોધી લાઇન લીધી હોત તો ચૂંટણીનાં પરિણામ અલગ આવવાની પૂરી સંભાવના હતી. કોંગ્રેસે રાફેલ્સના ભ્રષ્ટાચારની જ લાઇન લીધી એને ‘રૂટિન લાઇન’ અથવા તો ચીલાચાલુ પોલિસી કહી શકાય. જો વિરોધ પક્ષોએ ઉપર કહ્યું એ મુજબની લાઇન લીધી હોય તો એને ‘આઉટ ઓફ બોક્સ થિંકિંગ’ કહેવાય. મતલબ કે, ‘તદ્દન નવતર વિચારસરણી.’
આ આઉટ ઓફ બોક્સ થિંકિંગથી ચૂંટણીના પરિણામમાં તો ચોક્કસ ફેર પડ્યો જ હોત, પરંતુ ફક્ત રાજકારણ જ નહીં ન્યાયતંત્ર, બ્યુરોકસી, શિક્ષણ, મીડિયા, વિદેશનીતિ, સમાજજીવન, દરેક ક્ષેત્રમાં આજે ‘હટકે’ વિચારવાની માનસિકતા કેળવવી અનિવાર્ય છે. ફક્ત એક વત્તા એક એટલે ‘બે બીજું કંઈ નહીં’ એ ગણિતના દાખલા પૂરતું જ રાખવાની જરૂર છે.
ખ્યાતનામ કાયદાનિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ ધીરુભાઈ દેસાઈ (જસ્ટિસ ડી.એ. દેસાઈ) હવે તો આપણી વચ્ચે હયાત નથી. જૂની પેઢીના વડીલોના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતના આ અનાવિલ – દેસાઈ જેવું લીગલ બ્રેઇન ભાગ્યે જ જોવા મળે.
ધીરુભાઈ દેસાઈના ચુકાદાઓ ખૂબ જ પ્રેક્ટિકલ રહેતા. તેઓ હંમેશાં આઉટ ઓફ બોક્સ વિચારતા. ધીરુભાઈ દેસાઈએ આપેલા એક ચુકાદા વિશે એમના એક મિત્રએ વાત કરી હતી. ભરુચ જિલ્લાના એક સરકારી કર્મચારી પર દારૂ પીવાનો કેસ થયો હતો. દારૂબંધીવાળા રાજ્યમાં દારૂ પીવાને કારણે એણે સરકારી નોકરીમાંથી પણ હાથ ધોઈ નાંખવા પડ્યા. આખો મામલો ધીરુભાઈ દેસાઈની કોર્ટમાં પહોંચ્યો. ધીરુભાઈએ એવો ચુકાદો આપ્યો કે દારૂ પીનાર કર્મચારીએ જો ગુજરાતની સરહદની બહાર 200 મીટર પછી દારૂ પીધો હોત તો એ ગુનેગાર બન્યો ન હોત અને એને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો ન હોત. આ ઉપરાંત પણ એમણે પ્રેક્ટિકલ રસ્તો લઈ, પેલી વ્યક્તિની નોકરી પાછી અપાવી હતી. દારૂ પીવાના ગુના બદલ જોકે એમની સમક્ષ કોઈ દાદ માંગવામાં નહોતી આવી.
હવે બીજા એક ચુકાદા વિશે વાત કરીએ. થોડા સમય પહેલાં અખબારોમાં કંઈક આ પ્રકારના સમાચાર પ્રકાશિત થયા હતા : ‘આઠથી નવ વર્ષ પહેલાં 17 વર્ષની એક યુવતીને 21 વર્ષનો યુવાન ભગાડી ગયો હતો. ત્યાર પછી બંનેએ લગ્ન કરી લીધાં હતાં અને એમને બે સંતાનો પણ થયાં હતાં. યુવતી યુવાન સાથે ભાગી ગઈ ત્યારે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આશરે 9 વર્ષ પછી પોલીસ યુવાનને પકડી લાવી ત્યારે યુવતી પણ પુખ્ત વયની થઈ ગઈ હતી અને બંને ખુશીથી રહેતાં હતાં. છેવટે કેસ ચાલ્યો અને યુવાન સામે પોસ્પો એક્ટની કલમ પણ લાગી. યુવાનને લગભગ 8 વર્ષની જેલની સજા થઈ.’ આ કિસ્સામાં કાયદાની કલમો હેઠળ ભલે ન્યાયનો અમલ થયો હોય, પરંતુ આને આઉટ ઓફ બોક્સ થિંકિંગ કહી શકાય નહીં.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પોલીસ કર્મચારી ભ્રષ્ટાચારના કેસમાં પકડાય કે ભારે અશિસ્ત દાખવી હોય તો ચોક્કસ એની સામે પગલાં લેવાં જોઈએ, પરંતુ કેટલીક વખત ચીભડાના ચોરને પણ ફાંસીએ ચઢાવી દેવામાં આવે એવા હાલ થાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો ખાનગીમાં સતત એવી ફરિયાદ કરે છે કે છેલ્લા થોડા વર્ષથી ગુજરાત પોલીસમાં જે રીતે સાવ સામાન્ય કારણ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટરથી માંડીને કોન્સ્ટેબલ સુધીનાઓને તરત જ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એ ખૂબ જ અજુગતું અને અન્યાય કરતા છે. કેટલાક દિવસ પહેલાં સુરત પોલીસે રાત્રે કોમ્બિંગ કરીને લગભગ 200 જેટલા યુવાનોને પકડી લોકઅપમાં બેસાડી દીધા હતા. લોકઅપમાં પૂરેલા કેટલાકનાં નામ ભૂલથી નોંધવાનાં રહી ગયાં ત્યારે પોલીસ સ્ટેશનના બે પીએસઓને તરત જ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા. પોલીસ ડિપાર્ટમેન્ટના સોર્સનું કહેવું છે કે જો આમ જ ચાલ્યું તો ભવિષ્યમાં પોલીસની નોકરી કરવા કોઈ તૈયાર નહીં થાય. ઉપરી પોલીસ અધિકારીના નિર્ણયને આઉટ ઓફ બોક્સ થિંકિંગ ન કહી શકાય.
આપણે ક્રિકેટની રમતમાં પણ જોઇએ છીએ કે રાહુલ દ્રવિડ જેવા કેપ્ટન હંમેશાં ખૂબ જ રૂઢિચુસ્ત નિર્ણય લેતા હતા. જ્યારે સૌરવ ગાંગુલી જેવા કેપ્ટન આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવા જાણીતા હતા. વિશ્વના સૌથી સ્ફોટક બેટ્સમેન ગણાતા વિરેન્દ્ર સહેવાગે એની કારકિર્દીની શરૂઆત છઠ્ઠા નંબરના સ્થાનેથી કરી હતી. સૌરવ ગાંગુલીને એકાએક લાગ્યું કે સહેવાગને જો ઓપનર બનાવવામાં આવે તો એની ટેલેન્ટને વધુ ન્યાય મળી શકે એમ છે. સહેવાગના કચવાટ છતાં ગાંગુલીએ એને ઓપનર તરીકે રમાડ્યો અને આજે સહેવાગની ગણના ભારતના ઓલટાઇમ શ્રેષ્ઠ ઓપનર તરીકે થાય છે. સૌરવ ગાંગુલીના નિર્ણયને આઉટ ઓફ બોક્સ થિંકિંગનો નિર્ણય કહી શકાય. 70ના દાયકામાં જ્યારે અમિતાભ બચ્ચન એમની કારકિર્દીની શરૂઆતમાં એક પછી એક નિષ્ફળ ફિલ્મો આપી રહ્યા હતા ત્યારે દિગ્દર્શક, પ્રોડ્યુસર પ્રકાશ મહેરાએ એ જમાનાના બધા સુપરસ્ટારોને અવગણીને ખૂબ જ મજબૂત કેરેક્ટરવાળા એંગ્રીયંગમેનનો જંજીર ફિલ્મનો રોલ અમિતાભ બચ્ચનને આપ્યો. ફિલ્મ અને જંજીર બંને સુપરહિટ ગયાં અને પછીનો ઇતિહાસ તો બધાને ખબર જ છે. પ્રકાશ મહેરાને આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરનાર કહી શકાય. આવાં તો અનેક ઉદાહરણો દરેક ક્ષેત્રમાંથી આપી શકાય. વિશ્વ ફલક પર પણ તમે જોશો તો એ જ વ્યક્તિઓ કે સંસ્થા કે દેશ પ્રગતિ કરે છે, જેઓ આઉટ ઓફ બોક્સ થિંકિંગમાં શ્રદ્ધા ધરાવતા હોય. આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરીને નિર્ણય લેવામાં કદાચ જોખમ હશે, પરંતુ એમ તો જોખમ ક્યાં નથી?
[email protected]

x
રદ કરો

કલમ

TOP