Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

પક્ષ પ્રમુખ બાબતે કૉંગ્રેસમાં હજી કેમ અનિશ્ચિતતા છે?

  • પ્રકાશન તારીખ22 Jul 2019
  •  

ઈધર-ઉધર- વિક્રમ વકીલ
એમ લાગે છે કે વિવિધ રાજ્યમાં થયેલા બદનક્ષીના દાવાઓની મજા રાહુલ ગાંધી લઈ રહ્યા છે. કોર્ટની તારીખ હોય ત્યારે જ્યાં તેઓ હાજર રહે છે ત્યાં સ્થાનિક નેતાઓને મળીને સ્થાનિક ખાણું ખાવાની ટેવ તેઓ કેળવી રહ્યા છે. કદાચ આ બહાને તેઓ ભારતભ્રમણ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ પક્ષ પ્રમુખ તરીકે એમણે આપેલા રાજીનામાને કારણે જે અનિશ્ચિતતા ઉદ્્ભવી છે એનું હજુ નિરાકરણ આવ્યું નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગમાં રાજીનામા બાબતે નિર્ણય લેવાશે એમ કહેવાય છે, પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ ક્યારે મળશે અને કોણ બોલાવશે તે હજી નક્કી નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ બોલાવવાની જવાબદારી કેસી વેણુગોપાલની હોવાનું જાણવા મળે છે. જ્યાં સુધી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી પક્ષ પ્રમુખ બાબતે કોંગ્રેસમાં અસમંજસની પરિસ્થિતિ યથાવત્ રહેવાની છે. જોઈએ હવે આવનાર દિવસોમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ શું નિર્ણય લે છે.
કટોકટીના સમયે જ કુમારસ્વામી વિદેશ શા માટે ગયા હતા?
કર્ણાટકમાં ઊભી થયેલી રાજકીય અસ્થિરતા માટે જો કોઈ સૌથી વધારે જવાબદાર હોય તો તે મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી છે. કુમારસ્વામી જ્યારે વિદેશ જવાના હતા ત્યારે જ એમને કેટલાક સાથીદારોએ ચેતવ્યા હતા કે એમની વિદેશની મુલાકાત મોકૂફ રાખે, કારણ કે કુમારસ્વામીથી નારાજ રહેતા કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા લાગ જોઈને જ બેઠા છે. નવાઈની વાત એ છે કે માથા પર તલવાર લટકતી હોવા છતાં કુમારસ્વામી શા માટે વિદેશ ગયા? થોડાં વર્ષો પહેલાં ગુજરાતમાં તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ વિદેશ ગયા અને ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ એમની સરકાર ઊથલાવી નાખી હતી એનો દાખલો પણ શું કુમારસ્વામીને યાદ નહીં હોય? કુમારસ્વામી જો સરકાર ટકાવી જશે તો પણ લાંબો સમય કર્ણાટકમાં એમના માટે સત્તા ટકાવી રાખવી સહેલી નથી. ભાજપ જ નહીં, પરંતુ સાથી કોંગ્રેસ પણ એમની ખુરશી ખેંચવા માટે તૈયાર બેઠા છે.
અવળચંડા કેદીઓ અને લાચાર કોર્ટ
ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન કાઉન્ટી જેલમાં એક સાથી કેદીને મારપીટ કરવા બદલ ચાર કેદીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટની કાર્યવાહી આગળ ચાલી રહી હતી એટલામાં પેલા કેદીઓને શું સૂઝયું કે પેન્ટ ઉતારી નાખ્યાં અને અદાલતમાં મળત્યાગ કર્યો. એ કચરો ઉપાડીને જ્યૂરર પર ફેંક્યો. માનવ વિષ્ટાના આ આક્રમણથી જ્યૂરર એટલા ડઘાઈ ગયા કે એ ઘડીએ જ તેઓ રજા પર ઊતરી ગયા. આ પછી આરોપીને બોલવા માટેનાં જે માઇકો હતાં તેની નજીક જઈને તેઓએ છૂટથી વાછૂટ કરી. પેટમાંની હવા ખલાસ થઈ ગઈ એટલે એ અવળચંડા ઓસ્ટ્રેલિયનો પ્રિસાઇડિંગ જજ વોરેન ફગાન સામે જઈને ઢીંઢાં કાઢીને ઊભા રહ્યા.
અલગ પ્રકારનું ડ્રાઇવ-ઇન થિયેટર
ડ્રાઇવ-ઇન થિયેટરોનો જમાનો 30 વરસ પહેલાં જેવો આવ્યો હતો એવો જ જતો રહ્યો. કંઈક ને કંઈક નવું કરો તો જ ચાલે. બ્રાઝિલના એક બિઝનેસમેન સાહસિકને થયું કે ડ્રાઇવ-ઇનમાં કંઈક નવું તો ઉમેરવું પડશે જ. માનવીને ફિલ્મ સાથે સેક્સ માણવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો કેમ? આવી ઇચ્છાવાળાં યુગલો માટે એણે પોતાના લારેડો ડ્રાઇવ નામના ડ્રાઇવ-ઇનમાં એક અલગ વિભાગ ઊભો કર્યો છે. સાથે કપલ્સને ઇલેક્ટ્રિક ફેન્સની સુરક્ષા પણ અપાઈ છે.
ભારતના ચાંપલા રેડિયો જોકીઓએ બોલતા પહેલાં ચેતવા જેવું!
અમેરિકાના ઇલિનોઇસ પ્રાંતમાં ‘શોકજોક’ તરીકે ઓળખાતા બેન સ્ટોમબર્ગે જાહેરાત કરી કે જે માણસ એના કપાળમાં એના રેડિયો સ્ટેશન 13.5 KORBના લોગોનું છૂંદણું છૂંદાવશે તેને આજીવન રેડિયો સ્ટેશન તરફથી દર વરસે સોળ લાખ રૂપિયા જેવી રકમ મળશે. બેન સ્ટોમબર્ગ નામના એ ભાઇને એમ હતું કે એની આ ઓફરને કોઈ સિરિયસલી લેશે નહીં, પણ ભાઇની અક્કલમાં ઊણપ હતી. વળતા જ દિવસે રિચર્ડ ગોડાર્ડ અને ડેવિડ વિન્કલમેન સહિત અનેક લોકો કાળા કપાળ કરીને આવી ગયા. રેડિયો જોકી તો ડઘાઈ ગયો. એ ગેંગેં ફેંફે થઈ ગયો અને કહેવા માંડ્યો કે આ તો એક મશ્કરી હતી. કોઈ પણ શાણો માણસ તેને ગંભીરતાથી લે નહીં. પેલા કપાળકર્મીઓએ હવે રેડિયો જોકી સામે કરોડો રૂપિયાના વળતરના દાવા માંડ્યા છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP