Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

ચિદમ્બરમે કઈ રીતે દાટ વાળ્યો?

  • પ્રકાશન તારીખ04 Jun 2019
  •  

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે ઘણાં બધાં વિશ્લેષણ થઈ રહ્યાં છે. કોંગ્રેસની અંદરનાં કેટલાંક વર્તુળો એવું માને છે કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે જવાબદાર ચિદમ્બરમ અને પિત્રોડા ઘણે અંશે આ માટે જવાબદાર છે. ચૂંટણી ઢંઢેરાના અધ્યક્ષ તરીકે પી. ચિદમ્બરમ હતા. રાહુલ ગાંધીની યંગબ્રિગેડના બિનઅનુભવી સાથીઓએ ‘આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ’ (મતલબ કે, લશ્કરને અપાતા ખાસ અધિકાર) હળવો કરવાની ઘોષણા કરી. આ ઉપરાંત માનવઅધિકારવાદીઓને ખુશ કરવા માટે દેશદ્રોહનો કાયદો પણ પડતો મૂકવાનું વચન આ ઢંઢેરામાં આપ્યું હતું. એ અલગ વાત છે કે માનવ અધિકારીઓ માટે જો આ ચૂંટણી ઢંઢેરો બન્યો હોય તો સામાન્ય મતદારને ભાગ્યે જ એ પસંદ આવે. બીજી તરફ નવજોતસિંહ સિદ્ધુએ કારણ વગર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે શિંગડાં ભરાવ્યાં અને સામે પક્ષે કેપ્ટને પણ એવી વાત ચાલુ કરી કે સિદ્ધુ જે રીતે પાકિસ્તાનના લશ્કરી વડા જાવેદ બાજવાને ભેટ્યા હતા એનાથી દેશના મતદારોમાં ખોટો સંદેશો ગયો. જોકે, આ બધું ડિસેક્શન ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’માં થયું નથી, પરંતુ ખૂબ ટૂંકા ભવિષ્યમાં જ ચિદમ્બરમ અને સિદ્ધુના જવાબ માગવામાં આવે તો નવાઈ પામશો નહીં!
શા માટે રામવિલાસ પાસવાનની ઈર્ષ્યા બીજા રાજકારણીઓ કરે છે?
એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાન કદાચ ભારતના સૌથી વધુ ચાલક અને નસીબદાર રાજકારણી હશે. કોઇ પણ પક્ષની સરકાર આવે કે જાય, રામવિલાસ પાસવાન હંમેશાં સત્તાધારી પક્ષ સાથે રહીને એમનો દિલ્હીસ્થિત આવેલો 12 જનપથનો બંગલો સાચવી રાખવામાં સફળ રહ્યા છે. 1989થી તેઓ મોટેભાગે કેબિનેટમાં મંત્રી તરીકે રહ્યા છે. વડાપ્રધાન વી. પી. સિંહ હોય કે નરેન્દ્ર મોદી, પાસવાને હંમેશાં સમય જોઇને રંગ બદલ્યો છે. ભૂતકાળમાં તેઓ લોકસભાની ચૂંટણી નહીં જીતી શકેલા ત્યારે લાલુપ્રસાદ યાદવે એમને પોતાના પક્ષ તરફથી રાજ્યસભામાં મોકલ્યા હતા. જેના માથા પર ઉપરવાળાના ચાર હાથ હોય એવા રામવિલાસ પાસવાનની ઈર્ષ્યા ભલભલાને થતી હોય તો એમાં કોઈ નવાઈ ખરી?
માનવીને મારીને ખાઈ જતા માનવીઓ
સ્કોટલેન્ડમાં હજી ત્રણસો વરસ પહેલાં ગેલોવેની ગુફામાં સોવની બીનનું કુટુંબ વસતું હતું. એની પત્ની, 14 દીકરા-દીકરી અને 32 પૌત્ર-પૌત્રીઓ વરસના 50 જેટલા માનવીને મારીને ખાઈ જતાં હતાં. રેડ ઇન્ડિયનો હમણાં સુધી દુશ્મનને મારીને તેનું કલેજું આરોગી જતા હતા. યુગાન્ડાનો ઇદી અમીન પણ કુંવારી કન્યા પર બળાત્કાર કરી તેનું કલેજું કાઢીને ખાઈ જતો. રશિયામાં બીજા વિશ્વયુદ્ધ પછી શું થયું હતું તે જુઓ. સખત ઠંડીમાં લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા હતા. એટલે તાજા દાટેલા સૈનિકોની કબરો ખોદીને મૃતદેહને ખાઈ જતા. કબ્રસ્તાનો પર સ્પેશિયલ સ્ક્વોડ્સ નીમવી પડી હતી. ટૂંકમાં, માનવી હજી પણ મજબૂરીથી કે મસ્તીથી માનવીના શરીરને ખાઈ જવા માટે તૈયાર છે.
સામેથી માર ખાઈને રોજી રળતો યુવાન
ગુસ્સાનું કરવું શું? ટોકિયોનો જુન સાટો નામનો બેકાર કહે છે, ‘ગુસ્સો મારા પર ઉતારો. મને ઢીબી નાખો.’ સાટો બુદ્ધિશાળી છે. એટલે જ તે બેકારીના ઇલાજરૂપે એક નવતર રસ્તો વિચારી શક્યો છે. તે રસ્તાના કાંઠે હાથમાં પાટિયાં લઈને ઊભો રહે છે. એ પાટિયાં પરનાં લખાણો લોકોને સાટો પર રોષ ઠાલવવા પ્રેરે છે. આ પ્રવૃત્તિમાં બંને પક્ષોને ફાયદો છે. સાટોને મારવાથી ‘ગ્રાહક’નો ગુસ્સો શાંત થાય છે અને સાટોને ત્રણ મિનિટ માર ખાવાથી 1000 યેન મળી રહે છે. સાટો પોતાના શરીર પર એવું બખ્તર પહેરી રાખે છે, જે પ્રમાણમાં પોચું હોવાથી મારનારના હાથને ઇજા નથી થતી. સાથોસાથ એવું મજબૂત પણ છે કે મારનારના પ્રહારોને કારણે સાટોને પણ ઈજા નથી થતી. શરીરના નાજુક ભાગો પર આવું સુરક્ષિત આવરણ પહેરીને સાટો ટોકિયોની સડકો પર પોતાનો ધંધો ચલાવે છે.
પથરીલું ચર્ચ, એકાએક બર્ફીલું કઈ રીતે બની ગયું?
ન્યૂયોર્ક નજીક આવેલા પ્રેસ્બિટેરિયન ચર્ચમાં નાનકડી આગ લાગી ત્યારે બંબાવાળાઓએ તેના પર પાણી છાંટ્યું. પરિણામ એ આવ્યું કે આ પથરીલું ચર્ચ એકાએક બર્ફીલું બની ગયું. ઠંડી એટલી બધી હતી કે બંબાવાળાઓએ છાંટેલું પાણી ચર્ચના મકાનને અડતાંની સાથે બરફ બની જતું હતું. માઇનસ 26 ડિગ્રી તાપમાનમાં થીજી રહેલા આ વિસ્તારમાં પછી તો હિમવર્ષા થઈ. તેને કારણે ચર્ચ પર એટલો બધો બરફ જામી ગયો કે જોનારને બે ઘડી એવું જ લાગે કે આખું ચર્ચ જાણે બરફનું જ બનેલું હોય.
[email protected]

x
રદ કરો
TOP