Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

‘હુઆ સો હુઆ!’ એ યાદ અપાવી જાંબાઝ પોલીસમેન કે.પી.એસ. ગીલની!

  • પ્રકાશન તારીખ22 May 2019
  •  

હમણાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીએ ઘણું મનોરંજન તો પૂરું પાડ્યું જ, પરંતુ કેટલાક જૂના ઘા પણ તાજા કર્યા. કોંગ્રેસના નેતા સામ પિત્રોડા ભાંગરા વાટવામાં મણિશંકર ઐયરની સ્પર્ધા આસાનીથી કરી શકે એ વાતમાં કોઈ શક નથી. ચાલુ ચૂંટણીએ એમણે 1984માં થયેલી શીખોની કત્લેઆમ વિશે જે બકવાસ કર્યો એનાથી કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ ડઘાઈ ગયા હતા. ઇન્દિરા ગાંધીની હત્યા પછી 1984માં દિલ્હી સહિત દેશભરમાં 4,000થી વધુ નિર્દોષ શીખ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને નિર્દયતાથી રહેંસી નાખવામાં આવ્યા હતા. આ બાબતે એક પત્રકારે સામ પિત્રોડાને સવાલ પૂછ્યો ત્યારે પિત્રોડાએ છણકો કરતાં કહેલું : ‘જો હુઆ સો હુઆ!’ દેશભરમાંથી પિત્રોડા પર માછલાં ધોવાયાં અને લૂઝ બોલે સિક્સર મારવામાં નિષ્ણાત નરેન્દ્ર મોદીએ મનમાં આનંદ છુપાવી પિત્રોડાના બફાટનો પૂરો ફાયદો ઉઠાવ્યો.
રાજકારણને બાજુ પર રાખીને વિચારીએ તો પિત્રોડાના નિવેદને ઘણા જૂના ઘા તાજા કર્યા છે. 90ના દાયકામાં જન્મેલી યુવા પેઢીને તો કદાચ ખ્યાલ નહીં હોય કે 80ના દાયકામાં પાકિસ્તાનની નીચતાને કારણે કઈ રીતે પંજાબ ભડકે બળ્યું હતું. ભારત–પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી પહેરેલા કપડે ભારત આવી જાત મહેનતથી સમૃદ્ધ થયેલા શીખો, પંજાબ અને હરિયાણા ઉપરાંત વિશ્વ આખામાં ‘સાહસિક’ તરીકે જાણીતા થયા હતા. હરિયાળી ક્રાંતિનો પૂરો લાભ લઈ શીખ ખેડૂતોએ સારી એવી આર્થિક સમૃદ્ધિ મેળવી હતી. ડંખીલા પાકિસ્તાનના પૂર્વ આયોજન પ્રમાણે શીખ અને હિન્દુઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા માટે જર્નેલસિંહ ભિંદરણવાલે નામના એક સામાન્ય ધાર્મિક ઉપદેશકને પાકિસ્તાનની આઇએસઆઇએ પાનો ચઢાવ્યો. પંજાબ રાજ્યનાં વિવિધ રાજકીય સમીકરણોને કારણે ભિંડરણવાલેને ફાવતું આવી ગયું અને 80ના દાયકાની શરૂઆતથી પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદની શરૂઆત થઈ. પંજાબ બોર્ડર રાજ્ય હોવાથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ મારફતે અઢળક હથિયારો પંજાબમાં ઠલવાયાં. દરોજ સેંકડો નિર્દોષ હિન્દુઓની હત્યા થતી એટલું જ નહીં, ભિંડરણવાલેને સાથ નહીં આપનારા શીખોને પણ છોડવામાં આવતા નહીં. 1983માં ધરપકડથી બચવા માટે ભિંડરણવાલે અને એની ટોળકીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ધામો નાંખ્યો. સેંકડો શીખ આતંકવાદીઓ ગોલ્ડન ટેમ્પલના વિશાળ પરીસરમાં સંતાઇ ગયા. મંદિરમાં રહીને એમણે પંજાબ અને પંજાબની બહાર હત્યાઓ કરાવી. શીખોના જ એક સંપ્રદાય નિરંકારીઓને પણ ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા. સરકારી અધિકારીઓ, પોલીસ તેમજ બીજા સંપ્રદાયના લોકોની ગમે ત્યારે હત્યા થઈ જતી. સૂર્યાસ્ત પછી પંજાબની સડકો પર ભાગ્યે જ કોઈ નીકળતું. દેશભરના લોકોમાં ખૂબ ગુસ્સો હતો. આતંકવાદીઓ પવિત્ર ધાર્મિક સ્થળમાં છુપાયા હોવાથી સરકાર કોઈ તાત્કાલિક પગલાં લેવા માંગતી નહોતી. એ વખતે વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતાં. પાકિસ્તાનથી તાલીમ પામેલા શીખ આતંકવાદીઓનો પ્રભાવ વધતો જ જતો હતો. કેટલાક ગેરમાર્ગે દોરાયેલા વિદેશી શીખોએ પણ ભિંડરણવાલેને ટેકો જાહેર કર્યો હતો. બહુમતી શીખો જોકે ખાલિસ્તાનીઓની વિરુદ્ધમાં હતા છતાં પણ ડરના માર્યા કોઈ બોલી શકતું નહોતું. ભિંડરણવાલે સાથે વાતચીતના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. એમને તો ફક્ત અલગ ખાલિસ્તાન જ જોઇતું હતું. ખાલિસ્તાનના આતંકવાદી સાથે જોડાનારા મોટા ભાગના આતંકવાદીઓ ભૂતકાળમાં રીઢા ગુનેગાર રહી ચૂક્યા હતા. તેમજ બેન્ક લૂંટ, ખંડણીખોરી તેમજ હત્યા જેવા ગુનાઓ કરી ચૂક્યા હતા. પંજાબ રાજ્યમાંથી પસાર થતી બસ અને ટ્રેનમાં મુસાફરી કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. ઇન્દિરા ગાંધી પર આતંકવાદને નાથવાનું દબાણ વધી રહ્યું હતું.
છેવટે નછૂટકે ઇન્દિરા ગાંધીએ આતંકવાદીઓને મારવા અથવા તો પકડવા માટે સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવાનું નક્કી કર્યું. રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીએ ભારતની જાસૂસી સંસ્થા રોને ચેતવણી આપી હતી કે પંજાબને ભારતથી અલગ કરવાની યોજના આઇએસઆઇએ બનાવી દીધી છે. પાકિસ્તાનના હજારો કમાન્ડો ભિંડરણવાલેને મદદ કરવા પંજાબના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરશે. 1984ના જૂન મહિનાની 1લી તારીખે ઇન્દિરા ગાંધીએ લશ્કરને સુવર્ણ મંદિરમાં પ્રવેશવાની છૂટ આપી અને એને ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ નામ આપવામાં આવ્યું. 3જી જૂને લશ્કરની વિવિધ ટુકડીઓએ સુવર્ણ મંદિરને ઘેરી લીધું. પહેલાં તો આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપવામાં આવી. આ ઉપરાંત દર્શન માટે આવેલા યાત્રીઓને બહાર મોકલી આપવા માટે પણ આતંકવાદીઓને કહેવામાં આવ્યું. આમ છતા પાંચમી જૂનની સાંજ સુધી આતંકવાદીઓએ સૂચનાનો અમલ કર્યો નહીં. પાંચમી જૂનની રાતથી હુમલાની શરૂઆત થઈ અને આઠમી જૂન સુધીમાં ભિંડરણવાલે સહિત મોટા ભાગના આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. આતંકવાદીઓ પાસેથી ચાઇનીઝ બનાવટનાં રોકેટ લોન્ચર ઉપરાંત ઘણાં બધાં આધુનિક શસ્ત્રો પણ મળ્યાં. દેશ આખામાં હોહા થઈ ગઈ. બહુમતી શીખોને લાગ્યું કે સરકારે મંદિરમાં લશ્કરને મોકલવાને બદલે બીજા કોઈ માર્ગે આતંકવાદીઓ સાથે પનારો પાડવાની જરૂર હતી. વિશ્વ આખામાંથી ઘણી શીખ સંસ્થાઓએ પણ સરકારના પગલાની ટીકા કરી. 1984માં 31 ઓક્ટોબરે ઇન્દિરા ગાંધીના જ બે શીખ બોડીગાર્ડોએ ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાખી ત્યાર પછી જે થયું એ દેશના ઇતિહાસમાં કાળા અધ્યાય સમાન હતું. નિર્દોષ શીખોને ઘરમાંથી ખેંચી ખેંચીને મારવામાં આવ્યા જે માટે શીખ સમુદાયે કોંગ્રેસને સંપૂર્ણપણે
જવાબદાર ગણી.
ઓપરેશન ‘બ્લૂ સ્ટાર’ પછી પણ પંજાબમાં શીખ આતંકવાદનો અંત આવ્યો નહોતો. ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. રાજીવ ગાંધીએ પંજાબમાં શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા મળી નહીં. પાકિસ્તાન તરફથી પણ અવળચંડાઇ ચાલુ જ હતી. પંજાબમાં આતંકવાદનો કોઈ અંત દેખાતો ન હતો. 1987થી 1991 સુધી પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું. છેવટે 1992માં ચૂંટણી થઈ અને ચૂંટાયેલી કોંગ્રેસ સરકારે જાંબાઝ પોલીસ અધિકારી કે.પી.એસ. ગીલને સંપૂર્ણ સત્તા સોંપી કોઈ પણ રીતે પંજાબમાંથી આતંકવાદ નાબૂદ કરવા કહ્યું.
કે.પી.એસ. ગીલ ખૂબ જ કડક અને હોશિયાર પોલીસ અધિકારી હતા. એમણે આતંકવાદનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ માનતા હતા કે આતંકવાદીઓ સાથે લટૂડાપટૂડા નહીં ચાલે. એમને ઠોકવા જ પડે. ગીલે પંજાબના પોલીસોને છૂટો દોર આપ્યો. આતંકવાદીને જોતાં જ પહેલાં એને ઠાર મારવાની સૂચના એમણે આપી. એમના શાસન દરમિયાન પંજાબમાં સેંકડો એન્કાઉન્ટર થયાં. માનવ અધિકારવાદીઓએ ચીસાચીસ કરી મૂકી, પરંતુ ગીલ અડીખમ જ રહ્યા. પોલીસ-આતંકવાદીઓની અથડામણમાં કુટાઈ ગયેલા નિર્દોષોને તેઓ ‘કોલેટરલ ડેમેજ’ (એટલે કે સૂકા ભેગું લીલું બળે) ગણાવતા હતા. પંજાબમાંથી આતંકવાદને સંપૂર્ણ નાબૂદ કરવા માટે એમણે ઓપરેશન ‘બ્લેક હન્ટ’ લોન્ચ કર્યું અને ગોલ્ડન ટેમ્પલમાં રહી ગયેલા આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો. એમના જાન પર મોટું જોખમ હતું છતાં પણ ડર્યા વગર એમણે પંજાબને આતંકવાદ મુક્ત કર્યું. દેશ-વિદેશનાં કેટલાંક ચાંપલાં અંગ્રેજી અખબારો તેમજ સેક્યુલરિયાઓ-સામ્યવાદીઓ ગીલની આકરી ટીકા કરતા. આમ છતાં સુપરકોપ ગીલે બેફિકરાઈથી એમનું કાર્ય કર્યે રાખ્યું.
હવે નવી બનેલી સરકારે કાશ્મીરમાં પણ કે.પી.એસ. ગીલ જેવા જાંબાઝ પોલીસ અધીકારીને છુટ્ટો દોર આપવાની જરૂર નથી? ⬛
[email protected]

x
રદ કરો

કલમ

TOP