ઈધર-ઉધર- વિક્રમ વકીલ / દુશ્મનો બનાવવામાં માહેર સંજય રાઉત મિત્રો બનાવવામાં પણ એક્કા

article by vikram vakil

Divyabhaskar.com

Dec 23, 2019, 07:00 PM IST
ઈધર-ઉધર- વિક્રમ વકીલ
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ખુલ્લી દુશ્મનાવટ વહોરી લઈ શિવસેનાના સાંસદ-પત્રકાર સંજય રાઉતે અનેકને વિરોધી બનાવ્યા છે. આજકાલ સંજય રાઉત શાયરીના રવાડે ચઢ્યા છે અને ટિ્વટર પર રાજકીય કોમેન્ટ કરતાં શેરો-શાયરી વધુ મૂકે છે. મુંબઈના મરાઠી સાપ્તાહિક ‘લોકપ્રભા’માં કોપી એડિટર તરીકે નોકરીની શરૂઆત કરનાર સંજય રાઉતની મુલાકાત રાજ ઠાકરે સાથે થઈ. રાજ ઠાકરે પણ ‘લોકપ્રભા’માં કાર્ટૂનિસ્ટ હતા. રાજની ભલામણથી શિવસેનાના મેગેઝિન ‘માર્મિક’માં કામ મળ્યું. બાળાસાહેબ ઠાકરે સંજય રાઉતથી એટલા પ્રભાવિત થયા કે એમણે સંજયને સેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રી બનાવી દીધા. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે અણબનાવ થયો અને બંને છૂટા થયા ત્યારે સંજય રાઉત ઉદ્વવને પડખે રહ્યા, પરંતુ એમણે રાજ ઠાકરે સાથેની મિત્રતા પણ ટકાવી રાખી. સંજય રાઉત શરદ પવારની પણ ખૂબ નજીક છે અને કેટલાક એમને શિવસેનામાં પવારના માણસ તરીકે જ ઓળખે છે!
ફાઇવ સ્ટાર લોકપાલ ઓફિસ
એક તરફ કેન્દ્ર સરકાર વિવિધ કરકસરનાં પગલાં લઈ રહી છે ત્યારે બીજી તરફ દેશના નવા લોકપાલ જસ્ટિસ પી. સી. ઘોષ એમની ઓફિસ ફાઇવસ્ટાર હોટલમાંથી ચલાવી રહ્યા છે. હોટલ ‘અશોક’ના 12 રૂમમાંથી લોકપાલની ઓફિસનું સંચાલન થાય છે. આ માટે દર મહિને રૂ. 50 લાખ ખર્ચવામાં આવે છે. છેલ્લા સાત મહિનામાં હોટલના એકાઉન્ટમાં રૂ. 3.85 કરોડ જમા થયા છે. ઓક્ટોબર મહિનાની 31 તારીખ સુધીમાં લોકપાલને 1160 ફરિયાદો મળી હતી, જેમાંથી 1000 અરજીઓની સુનાવણી થઈ છે.
પ્રાણીપ્રેમીઓને સખત ગુસ્સે કરી શકે એવું વિચિત્ર પર્સ
પશ્ચિમના દેશોમાં ફર કોટ પહેરીને ફરનાર તરફ અનેક લોકો ધિક્કારભરી નજરે જુએ છે, કારણ કે પ્રાણીના ચામડામાંથી બનતાં વસ્ત્રો પહેરનાર લોકો તરફ સખત ચીડ ધરાવનારો એક મોટો વર્ગ પશ્ચિમના દેશોમાં છે. હવે અમેરિકામાં એક એવું પર્સ બજારમાં મુકાયું છે જે જોઇને એ લોકો કદાચ ગુસ્સે થઈને પર્સધારક મહિલાનું ખૂન પણ કરી બેસે. આવાં પર્સ બનાવનારી મહિલાનું નામ છે હિથર જોય. પર્સ મોંઘાં હોવાનું મૂળ કારણ તેમાં જડવામાં આવેલી ચાંદી કે કાંસું નથી. વાત જાણે એમ છે કે એ પર્સમાં ફક્ત આખલાના વૃષણનું જ ચામડું વપરાય છે. હિથર જોયનું કહેવું છે કે પર્સ માટેનો આ ‘કાચો માલ’ મેળવવો મુશ્કેલ છે. હિથરે બનાવેલાં પર્સ સ્ત્રીઓ હોંશેહોંશે ખરીદે છે.
ફિલ્મલાઇનમાં યુરોપ, અમેરિકાથી પાછળ શા માટે રહ્યું?
પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે યુરોપ ફિલ્મલાઇનમાં અમેરિકાથી ઘણું પાછળ રહી ગયું હતું. તેનું મુખ્ય કારણ એ કે ફિલ્મની પટ્ટી બનાવવામાં અને વિસ્ફોટકો બનાવવામાં એકસરખી સામગ્રી વપરાતી હતી અને વિશ્વયુદ્ધ વખતે યુરોપને ફિલ્મો કરતાં વિસ્ફોટકોની વધુ જરૂર હોવાથી ત્યાં વિશ્વયુદ્ધ દરમિયાન ફિલ્મની પટ્ટી માટેના કાચા માલની આકરી તંગી ઊભી થઈ. એ વખતે અમેરિકાને આ તંગી ખાસ ન નડતી હોવાથી હોલિવૂડમાં ફિલ્મનો ધંધો ઝડપભેર ફૂલ્યોફાલ્યો. વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે વિશ્વની 80 ટકા ફિલ્મો એકલા અમેરિકામાં બનતી હતી અને ત્યાંથી બીજા દેશોમાં તેની નિકાસ થતી હતી.
બ્રિટનમાં સ્ત્રીઓની ‘પાતળી’ ઇમેજ ઊભી કરનાર જાહેરાતો ઉપર પ્રતિબંધ આવશે?
આર્જેન્ટિના સરકારે નાની સાઇઝના રેડીમેઇડ વસ્ત્રો વેચતા સ્ટોર માટે ફરમાન જારી કર્યું છે. આ ફરમાન અંતર્ગત દરેક વસ્ત્રવિક્રેતાએ કાચના કબાટમાં ઊભેલાં પૂતળાં-મેની ક્વીન્સના માપના તૈયાર પોશાકો ન રાખતા જાડામાં જાડી મહિલાઓને પણ આવી શકે તેવાં ફેશનેબલ કપડાં રાખવાં ફરજિયાત છે. જેથી ફેશનેબલ વસ્ત્રો પહેરવાની ઇચ્છા ધરાવનાર યુવતીઓને ફરજિયાતપણે વજન ન ઘટાડવું પડે. આ જ દિશામાં અન્ય સાહસભર્યું પગલું બ્રિટનમાં ભરાયું છે. બ્રિટનની ફેશન મેગેઝિન ઇન્ડસ્ટ્રીએ મોડેલ્સ અને હિરોઇનોની ઓછામાં ઓછી સાઇઝ ઉપર નિયમો લાગુ પાડ્યા છે. સ્ત્રીઓની ખોટી તેમજ અયોગ્ય ‘પાતળી’ ઇમેજ ઊભી કરનારી જાહેરખબરો ઉપર પણ પ્રતિબંધ આવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. પાતળા થવાની ઘેલછા એક માનસિક રોગની પરાકાષ્ઠા છે. એનરેક્સિયા અને બ્લુમીઆથી પીડાતા લોકોની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર ખૂબ જ ખરાબ અસર થતાં તેઓ શારીરિક રોગથી પીડાય છે. તેમજ જાતીય આવેગનો અભાવ અને અક્ષમતા પણ ધરાવે છે.
[email protected]
X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી