દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / મહારાષ્ટ્રની ‘શંભુ મેળો’ સરકાર વૈતરણી પાર કરી કરશે?

article by vikram vakil

Divyabhaskar.com

Dec 04, 2019, 04:27 PM IST
દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
કેટલીક ચાલુ ફિલ્મોના એન્ટિ ક્લાઇમેક્સની માફક, મહારાષ્ટ્રમાં છેવટે મનાતું હતું એ જ રીતે સરકાર બની. અઢી કલાકના કેટલાક ગુજરાતી નાટકમાં નવેનવ રસ જે રીતે ઠાંસીને ભરવામાં આવે છે એવો જ સિનારિયો મહારાષ્ટ્રના રાજકારણમાં ખેલાયો. મોદી-શાહને ધિક્કારનારાઓ અને ચાહનારાઓએ તો ફક્ત તીરે રહીને તમાશો જ જોયો, પરંતુ ચારેય મુખ્ય પક્ષોના મોભીઓને મહિના દરમિયાન પરસેવો નીકળી ગયો. એની વે, જેનો અંત સારો એનું સૌ સારું, પરંતુ અહીં જ કેટલાક વક્રદૃષ્ટાઓ (યોગ્ય રીતે જ) એમ માને છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનવાથી જ આ ‘ચેટક’નો અંત આવવાનો નથી. આવનાર મહિનાઓમાં પ્રજાએ હજી ઘણા તમાશા જોવાના બાકી છે. શિવસેના, કોંગ્રેસ અને એન.સી.પી.નો સંઘ સાથ નિભાવીને કાશીએ પહોંચે એવી શક્યતા ખૂબ ધૂંધળી છે. મહારાષ્ટ્રમાં પણ કર્ણાટકવાળી તો નહીં થાયને?
શિવસેના, કોંગ્રેસ અને એન.સી.પી.ના મહાનુભાવો પણ જાણે છે કે મહારાષ્ટ્રમાં સાથે રહીને એકાદ વર્ષ શાસન કરવું પણ અંગારા પર ચાલવા જેવું કઠિન છે. આઇડિયોલોજીની દૃષ્ટિએ એન.સી.પી. અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન વચ્ચે કોઈ તકલીફ નહીં થાય, પરંતુ શિવસેનાનું શું? સત્તા મેળવવા માટે અને મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસવા માટે ઉદ્ધવ ઠાકરે અને એમના અંગત જોડીદારો ‘હિન્દુવાદ’ની વિચારધારાને તિલાંજલિ આપી દઈ શકે, પરંતુ નીચેની કેડરનું શું? શિવસેનાની સ્થાપનાથી માંડીને અત્યાર સુધી મોટા ભાગના શિવસૈનિકોની વિચારધારા કટ્ટર હિન્દુવાદની રહી છે. સમયાંતરે મહારાષ્ટ્રમાં વસેલા બિનમરાઠીઓ સામે હલ્લાબોલ કરવાની પણ એમને કુટેવ છે. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત જેવા ટોચના નેતાઓ કદાચ સત્તા ટકાવી રાખવા માટે મોળું વલણ અપનાવે, પરંતુ લાખો શિવસૈનિકોની માનસિકતા તેઓ બદલી શકશે ખરા?
દેશના રાજકીય ઇતિહાસ પર નજર કરશું તો ખબર પડશે કે રાતોરાત ગઠબંધનમાં જોડાઈ ગયેલા પક્ષો વચ્ચેનો પ્રેમ લાંબો ટક્યો નથી. ગઠબંધનની સરકાર ચલાવવાનું સરળ નથી. ફક્ત વિચારધારાને ત્યજી દેવાથી જ બધી સમસ્યાઓનો નિકાલ આવતો નથી. મુંબઈ જેવા કોસ્મોપોલિટન શહેરમાં જો શિવસૈનિકો ફરીથી ગુંડાગર્દી પર ઊતરશે તો કમ સે કમ કોંગ્રેસ જેવા પક્ષને તો તકલીફ થવાની જ છે. કોંગ્રેસે ફક્ત મહારાષ્ટ્ર નહીં, પરંતુ આખા દેશના મતદારોનો વિચાર કરવાનો છે. મહારાષ્ટ્ર, દેશનું આર્થિક પાટનગર હોવાથી સમય જતાં પૈસાની ‘વહેંચણી’ બાબતે પણ ડખો થવાની પૂરી શક્યતા છે. એક ઉદારહરણ જોઈએ, મુંબઈમાં પોલીસ કમિશનરનું પદ ખૂબ જ મલાઈદાર ગણાય છે. જો ગૃહખાતું, શિવસેના સિવાયના પક્ષ પાસે હોય તો કદાચ શિવસેનાને નહીં ગમતા અધિકારીની નિમણૂક આ જગ્યા પર થાય તો છેવટનો શબ્દ કોનો રહેશે? આવી ઘણી બાબતોએ મનદુઃખ થવાની પૂરી શક્યતા છે. અધિકારીનાં પોસ્ટિંગો ઉપરાંત જમીન માફિયા સાથે કયો પક્ષ ડીલ કરશે, એવા બધા ખાનગી પ્રશ્નોનો ઉકેલ પણ સરળ નહીં હોય.
સત્તા નજીક દેખાય ત્યારે હઇશો હઇશોમાં અને અતિ ઉત્સાહમાં દરેક ધારાસભ્ય અને કાર્યકરને એમ જ લાગે કે હવે એમના જલસાના દિવસો શરૂ થયા. હકીકતનો જ્યારે અહેસાસ થાય કે ‘આપણા કામ તો નથી થતા’ ત્યારે મુશ્કેલીની શરૂઆત થાય છે. ઉદ્ધવ ઠાકરેને હજી સુધી એડમિનિસ્ટ્રેશનનો કોઈ અનુભવ નથી. જાતજાતની સમસ્યાવાળા સંપૂર્ણ રાજ્યનો વહીવટ ચલાવવો અને મુંબઈના કોર્પોરેશનનો વહીવટ ચલાવવામાં ઘણો ફેર છે. જેનો ખ્યાલ ઉદ્ધવ ઠાકરેને આવી જ જશે.
શરદ પવાર પણ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે. મહારાષ્ટ્રની સત્તામાં ભાગ પડાવ્યા પછી એમણે પણ કેટલાક જૂના હિસાબો ચૂકતે કરવાના છે. દીકરી સુપ્રિયાને રાજકીય રીતે પ્રમોટ કરવાની છે. સંજય રાઉતની મહત્ત્વાકાંક્ષા પણ રાતોરાત જલદ થઈ ગઈ છે. તેઓ પોતાની જાતને ઉદ્ધવ ઠાકરે પછી મહારાષ્ટ્રના નંબર 2 માની રહ્યા છે. એન.સી.પી. અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સંજય રાઉત જેવાની નેતાગીરી કેટલી પસંદ કરશે એ પણ જોવાનું રહ્યું. કર્ણાટકમાં જે રીતે તત્કાલીન મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ સાથી પક્ષ કોંગ્રેસના દબાણને લીધે જે રીતે વારંવાર જાહેરમાં રડવું પડતું હતું એવા હાલ તો ઉદ્ધવ ઠાકરેના નહીં થાય ને?
વિરોધ પક્ષની પાટલી પર દુભાયેલા ભાજપ પક્ષના સભ્યો હશે. દેવેન્દ્ર ફડણવીસના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો છિનવાઈ ગયો છે એટલે ગઠબંધન સરકારને નીચાજોણું કરવાની કોઈપણ તક ફડણવીસ છોડશે નહીં. ફડણવીસને પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યાનો અનુભવ છે. થોડા સમયમાં જ અધિકારીઓ ત્રણ પક્ષના ગઠબંધનના નેતાઓના દબાણને કારણે અકળામણ અનુભવવાનું શરૂ કરશે. નારાયણ રાણે જેવા કાબા રાજકારણી હવે ભાજપમાં છે અને કોંકણ બેલ્ટ પર રાણેનો સંપૂર્ણ હોલ્ટ છે. રાણેને શિવસેના અને કોંગ્રેસ સામે જૂનો વાંધો હોવાથી તેઓ પણ ગઠબંધનના નેતાઓને ચેનથી બેસવા નહીં દે.
ઘણાને નવાઈ લાગે છે કે ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે પૂરતી કોશિશ શા માટે ન કરી? આ સવાલનો ચોંકાવનારો જવાબ એ છે કે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના વડા મોહન ભાગવત નહોતા ઇચ્છતા કે શિવસેનાને નારાજ કરીને ભાજપે સત્તા હાંસલ કરવી જોઇએ. સત્તાની સાઠમારી પૂરજોશમાં હતી ત્યારે દેવેન્દ્ર ફડણવીસ નાગપુર ખાતે મોહન ભાગવતને મળવા ગયા હતા. એમ કહેવાય છે કે મોહન ભાગવતે ભાજપ હાઇકમાન્ડને ચોખ્ખું પરખાવી દીધું હતું કે તેઓ શિવસેનાની સાથે સંબંધ બગાડવાના પક્ષમાં નથી. આનો મતલબ એ પણ કાઢી શકાય કે આરએસએસની મરાઠી લોબી અંદર ખાનેથી શિવસેનાની સાથે છે. આરએસએસના કેટલાક નેતાઓ માને છે કે શિવસેનાનું શાસન હોય એટલે હિન્દુવાદનો એજન્ડા ખાનગીમાં તો રહેવાનો જ છે. ડાંગના માર્યે પાણી જુદા થતા નથી. બહુમતી શિવસૈનિકો હિન્દુવાદની વાત આવે ત્યારે કઈ તરફ રહેશે એ વિશે ઝાઝું વિચારવાની જરૂર નથી. આરએસએસનું શિવસેના પ્રત્યેનું કૂણું વલણ કદાચ ભવિષ્યમાં એનસીપી – કોંગ્રેસને પસંદ નહીં આવે એવી પૂરી શક્યતા છે. હમણાં તો ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે પણ શિવસેનાને મદદ કરી છે, પરંતુ બહુમતી શિવસૈનિકો આરએસએસની શાખામાં જઈ આવ્યા છે અને એમની રગેરગમાં આરએસએસની વિચારધારા છે એ ભૂલવું જોઇએ નહીં. આમ, આ ચિત્ર-વિચિત્ર વિરોધાભાસી વિચારધારાઓ સાથે મહારાષ્ટ્રની શંભુમેળા જેવી સરકાર વૈતરણી પાર કરી શકશે ખરી?
[email protected]
X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી