Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

ઉદ્ધવ ઠાકરેની આક્રમકતા માટે કોણ જવાબદાર?

  • પ્રકાશન તારીખ02 Dec 2019
  •  
ઈધર-ઉધર- વિક્રમ વકીલ
મહારાષ્ટ્રમાં આખરે શિવસેનાની જીદ ચાલી અને જીત થઈ. સૌમ્ય ઉદ્ધવ ઠાકરે એમની કારકિર્દીમાં પહેલી વખત આક્રમક રાજકારણી તરીકે બહાર આવ્યા છે. ઉદ્ધવ મૂળભૂત રીતે ખૂબ જ સારા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એમને રાજકારણમાં ખાસ રસ નહોતો, પરંતુ પત્ની રશ્મીના આગ્રહને કારણે તેઓ રાજકારણમાં આવ્યા હોવાનું મનાય છે. ઉદ્ધવ કરતાં રશ્મી વધુ આક્રમક વ્યક્તિત્વ ધરાવે છે. સંજય રાઉત કરતાં પણ વધારે દૃઢતાથી રશ્મિએ ઉદ્ધવને ઠસાવ્યું હતું કે ભાજપ આ વખતે નબળી સ્થિતિમાં હોવાથી શિવસેનાએ આક્રમક બનવું જોઈએ. રાજ ઠાકરે સાથેના અણબનાવ વખતે પણ પત્ની રશ્મીએ જ ઉદ્ધવ ઠાકરેને પાનો ચઢાવ્યો હોવાનું કહેવાય છે. જોકે, ઠાકરે પરિવાર સંજય રાઉત સિવાય શિવસેનાના બીજા કોઈ
પણ નેતા પર ખાસ ભરોસો રાખતું નથી.
રાકેશ અસ્થાના હજી પણ સરકારની ગુડબુકમાં છે
સી બીઆઈના ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાના એટલા જ પાવરફુલ છે જેટલા થોડા મહિનાઓ પહેલાં હતા. તત્કાલીન સીબીઆઈ ચીફ આલોક વર્મા અને અસ્થાનાને ગંભીર અણબનાવ થતાં સરકારે વર્મા તેમજ અસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા. આલોક વર્માએ બહુ બદનામી સાથે નોકરી છોડી. ત્યાર પછી રાકેશ અસ્થાનાને પણ સિવિલ એવિએશન સિક્યુરિટીના વડા તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે, દિલ્હીનાં અંગત વર્તુળોમાં ચર્ચા થાય છે એ પ્રમાણે રાકેશ અસ્થાના હજી પણ સરકારની અને અમિત શાહની ગુડબુકમાં છે. હમણાં જ રાકેશ અસ્થાનાના પુત્રનાં લગ્ન દિલ્હી ખાતે થયાં ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને ઉદ્યોગપતિ અદાણી સુધીનાં લગ્નસમારંભમાં હાજર રહ્યા હતા. એમ મનાય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં રાકેશ અસ્થાનાને ફરીથી સીબીઆઈ ચીફ બનાવવામાં આવે તો નવાઈ નહીં!
‘ખાનગી’ જેટના માલિકો શું છુપાવે છે?
દુનિયાભરમાં ખાનગી જેટની સંખ્યામાં ત્રણ ગણો વધારો છેલ્લા બે દાયકામાં નોંધાયો છે. અહીં વિમાન આગળ લાગતો ‘ખાનગી’ શબ્દ ખૂબ મહત્ત્વનો છે. દુનિયાભરના તવંગરો પાસે પ્રદર્શન કરવા માટે વિશાળ મહેલાતો, યોટ્સ, જરઝવેરાત, મોટરકારોનો જમેલો વગેરે અનેક ચીજો રહેલી છે, પણ વિમાનોના માલિક હોવાનું જાહેર થાય તેવું એ લોકો ઇચ્છતા નથી. સિક્રેટ એજન્ટોની મદદ લઈને તેઓ પોતાની ઓળખ છુપાવી રાખે છે, કારણ કે વિમાનોના માલિક જે હોય તેમને સલામતીને લગતી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
સુપરસ્ટારના બેડરૂમમાં યુવતી!
સુપરસ્ટાર બ્રાડ પિટના બેડરૂમમાં એક સવારે 19 વર્ષની એક અજાણી યુવતી મળી આવી. લોસ એન્જલસમાં હોલિવૂડ હિલ્સ વિસ્તારમાં બ્રાડ પિટ્સના બેડરૂમમાં એથેના મેરી રોલેન્ડો નામની એ યુવતી રાત્રે ચોરીછૂપીથી ઘૂસી ગઈ હતી અને ટૂંટિયું વળીને સૂઈ ગઈ. સવારે તેણે આંખો ખોલી ત્યારે છ પોલીસ અધિકારીઓ તેની સામે ઊભા હતા. તેણે આવું વિચિત્ર પગલું ભર્યું હશે, પરંતુ એ છોકરી કહે છે, ‘આમાં હીરો પાછળના ગાંડપણનો સવાલ જ પેદા નથી થતો. વાત ફક્ત એટલી હતી કે મને બહુ ઠંડી લાગી રહી હતી. એવામાં મેં એક મકાનની બારી ખુલ્લી જોઈ. હું એ બારીમાંથી અંદર ઘૂસી અને સૂઈ ગઈ.’
સ્ટોકહોમ એરપોર્ટ પર સ્ત્રીની છાતીમાંથી શું મળ્યું?
સ્વિડનના સ્ટોકહોમ શહેરના એરપોર્ટ પર એક સ્ત્રી પોતાની છાતીમાં વારંવાર હાથ નાખીને ખંજવાળતી રહેતી હતી. કસ્ટમ્સ ઓફિસરોને શંકા ગઈ કે આ મહિલા કંઈક છુપાવી રહી છે. મહિલા પોલીસ અધિકારીએ એની છાતી ખુલ્લી કરાવી અને તેમાંથી શું મળ્યું ખબર છે? 75 જેટલાં તાજાં જન્મેલાં સાપનાં બચ્ચાં! એ સ્ત્રી સાપની એ જાતિનાં બચ્ચાં સ્વિડનમાં ઘુસાડવા માગતી હતી. પેડવાળી બ્રામાં પેડની જગ્યાએ નશીલા પદાર્થો સંતાડ્યા હોય એવું પણ જોયું છે, પણ આ રીતે સાપોલિયાંને છાતીમાં સંઘરીને આવેલી આ પ્રથમ સ્ત્રી હતી. જીવતાં કે મરેલાં વન્યપ્રાણીઓની હેરાફેરી કરવા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP