રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા / અભિમાનની સામે કોઇ પણ પ્રકારની સમજણ નકામી છે

article by vijayshankar mehta

Divyabhaskar.com

Dec 05, 2019, 05:04 PM IST
રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
ગયા અંકમાં આપણે એવી ચર્ચા કરી હતી કે જીવનમાં કોઇ એક ગુરુ હોવા જોઇએ. ગુરુ આપણા જીવનને ગેરમાર્ગે જતા અટકાવે છે. હવે અહીં એક સવાલ એવો ઊભો થાય કે ગુરુને શોધવા કેવી રીતે? કેમ કે આજના સમયમાં ગુરુ શોધવા અથવા તો ગુરુની પસંદગી કરવી એ પણ એક મોટી સમસ્યા છે. ગુરુના નામનો લોકોએ આંચળો ઓઢી લીધો છે. બહાર કંઇક જુદા દેખાતા હોય અને અંદરથી સાવ જુદા જ દેખાતા હોય છે.
તુલસીદાસજી કદાચ આજના જમાનાની આ સમસ્યા જાણતા હોવા જોઇએ એટલે તેમણે હનુમાન ચાલીસામાં એક (37મી) ચોપાઇ લખી છેઃ
‘જૈ જૈ જૈ હનુમાન ગુંસાઇ,
કૃપા કરહું ગુરુ દેવ કી નાઇ.’
આનો ભાવાર્થ છેઃ હે હનુમાનજી, અમારા પર ગુરુના રૂપે કૃપા કરો.
તુલસીદાસજી એમ કહે છે કે જીવનમાં બીજા કોઇ ગુરુ ન મળે તો હનુમાનજીને જ ગુરુ બનાવી લો. તે તમને એવું માર્ગદર્શન આપશે કે એનાથી તમારું જીવન સુધરી જશે. ચાલો, હવે મૂળ કથા તરફ પાછા ફરીએ.
પરિશ્રમ અને કૃપાના સેતુના માધ્યમથી વાનરસેનાની સાથે ભગવાન શ્રીરામ દરિયાની પેલે પાર પહોંચી જાય છે. અહીં ભગવાનના મનમાં ભક્તિનો ભાવ પ્રગટે છે. તેમને લાગે છે કે પરાક્રમી રાવણને જીતવાના આટલા મોટા અભિયાનમાં આગળ વધતા પહેલાં શિવલિંગની સ્થાપના કરવી જોઇએ. ત્યાં તેમણે રેતીનું શિવલિંગ બનાવીને સ્થાપી દીધું. તેનું નામ રામેશ્વરમ્ રાખ્યું અને ઓમ્ નમઃ શિવાયના મંત્ર સાથે અભિષેક કર્યો.
આના દ્વારા આપણને શીખવાડ્યું કે કોઇ મોટું કામ કરવા જવાનું હોય તો ઓમ્ નમઃ શિવાયની મદદ જરૂર લેવી જોઇએ.
સેતુના માધ્યમથી દરિયો પાર કરીને ભગવાન શ્રીરામની સેના લંકા સુધી પહોંચી ગઇ. લંકાનગરી ત્રિકુટાચલ પર્વત પર વસેલી હતી. એક નીલ પર્વત હતો. તેના પર રાવણ અને તેના પરિવારનો મહેલ હતો. બીજા સુંદર પર્વત પર અશોકવન હતું. તેમાં સીતાજીને રાખવામાં આવ્યાં હતાં. ત્રીજા સુબેલ નામના પર્વત પર આવેલું મેદાન હતું. ત્યાં રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. ભગવાન શ્રીરામ સેના સાથે સુબેલ પર્વત પર ઊતર્યા. આની જાણ એ જ વખતે મંદોદરીને થઇ. તરત જ તે પતિ રાવણ પાસે ગઇ અને કહ્યું, ‘હજી તમારી પાસે સમય છે. હું ફરીથી તમને વિનવું છું કે મહેરબાની કરીને મારી વાત માનો અને સીતાને પાછી સોંપી દો.’
યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રીરામે રાવણને ત્રણ રીતે સમજાવ્યો. પત્ની મંદોદરીએ સમજાવ્યો, પુત્ર પ્રહસ્તે સમજાવ્યો અને ભાઇ વિભીષણે પણ સીતાજીને પાછા આપી દેવાની વાત કરી હતી. પરંતુ અભિમાનથી છકેલા રાવણને કોઇની વાત કેમેય કરીને સમજાઇ નહીં.
આપણા જીવનમાં પણ પરમાત્મા માતા-પિતા ઉપરાંત આ ત્રણ સંબંધો આપણને આપે છે. એમની શિખામણ માનીને બુરાઇથી બચી શકાય છે. જ્યારે જીવનસાથી સમજાવે, સંતાન સમજાવે, ભાઇ-બહેન સમજાવે તેમ છતાં કોઇનું માનીએ નહીં અને તેમની શિખામણ અપનાવીએ નહીં તો પછી પતન થાય એ નક્કી.
સારઃ જીવનમાં બીજા કોઇ ગુરુ ન મળે તો હનુમાનજીને જ ગુરુ બનાવી લો. તે તમને એવું માર્ગદર્શન આપશે કે એનાથી તમારું જીવન સુધરી જશે.
X
article by vijayshankar mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી