હેલ્ધી વુમન / મેન્સ્ટ્રુઅલ હાઇજિનની જાળવણી

article by smita sharad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

May 29, 2019, 01:01 PM IST

અગિયાર વર્ષની મિલીને લઇને એની મમ્મી પરિનાબહેન મારી પાસે આવ્યાં. કહેવા લાગ્યા, ‘મેડમ, મારી દીકરીની અગિયારમી બર્થ ડેટ હજુ બે અઠવાડિયાં પહેલાં જ સેલિબ્રેટ કરી હતી. આજે એને બ્લીડિંગ શરૂ થયું છે. એ પણ ગભરાઇ ગઇ છે અને હું પણ ગભરાઇ ગઇ છું. આટલી નાની ઉંમરથી...?’
મિલી ભોળી કબૂતરી જેવી આંખો કરી અને મારી તરફ જોઇ રહી હતી. એનો ચહેરો રડમસ હતો. મેં એને પ્રેમથી પૂછ્યું, ‘બેટા, તને શું થાય છે?’ એ મોટેથી રડી પડી, ‘બીજું કંઇ થતું નથી. સ્કૂલેથી આવ્યાં પછી હું મારી બહેનપણીઓ જોડે રમતી હતી. ત્યાં મને શું વાગી ગયું હશે એની ખબર નથી પણ મને પગ ઉપર લાલ લાલ ડાઘા...’ મેં મિલીને એક્ઝામિનેશન ટેબલ ઉપર સૂવડાવી. આંતરિક તપાસ કરવાનું તો શક્ય ન હતું પણ બાહ્ય તપાસથી જોઇ લીધું કે ક્યાંય કોઇ પણ જાતની ઇજાના ચિહ્નો ન હતા. આ બ્લીડિંગ માસિકસ્ત્રાવનું જ હતું.
મેં પરિનાને કહ્યું, ‘ચિંતા કરવાની જરૂર નથી. તમારી દીકરીને માસિકસ્ત્રાવ આવવાનો શરૂ થયો છે. એવું જરૂરી નથી કે હવે પછી દર મહિને નિયમિત રીતે એને મેન્સિસ આવશે જ. કદાચ શરૂઆતમાં સમયમાં એ બે-ત્રણ મહિને એક વાર આવે અથવા મહિનામાં બે વાર આવે એવું પણ બને, પરંતુ એટલું નક્કી થઇ ગયું કે મિલીના શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના આંતરસ્ત્રાવો સક્રિય થઇ ગયા છે.’
મારી વાત સાંભળીને પરિનાના ચહેરા ઉપર મિશ્ર ભાવો ઊઠ્યા. આ સમાચાર સારા હતા કે ખરાબ એ નક્કી કરવું તેનાં માટે અઘરું બની ગયું. એણે પૂછ્યું, ‘મેડમ, હું સાયન્સની ગ્રેજ્યુએટ છું. જોબ નથી કરતી પણ મને થોડીઘણી મેડિકલ સાયન્સમાં સમજ પડે છે. મિલી મારી લાડકી દીકરી છે. મેં એને ખૂબ જ સમજણપૂર્વક ઉછેરી છે. મેં નક્કી કર્યું હતું કે જ્યારે તે તેર-ચૌદ વર્ષની થશે ત્યારે હું એને મેન્સ્ટ્રુઅલ સાઇકલ વિશે સરળ ભાષામાં વૈજ્ઞાનિક ઢબે સમજણ આપીશ અને એને આ માટે માનસિક રીતે તૈયાર કરી દઇશ. પણ મને શી ખબર કે એ આટલી વહેલી...?’ મેં હસીને કહ્યું, ‘પરિનાબહેન, તમારી દીકરી વહેલી નથી થઇ, પણ એને સમજાવવામાં તમે મોડા પડ્યાં છો. સામાન્ય રીતે માસિકસ્ત્રાવ શરૂ થવાની વય તેરથી ચૌદ વર્ષની માનવામાં આવે છે, પણ આજના આધુનિક જમાનાની ઘણીબધી બાબતોની અસર માસિકની ઉંમર પર પણ થઇ રહી છે. હવે દીકરીઓ દસથી અગિયાર વર્ષની ઉંમરે પણ માસિકધર્મમાં બેસવા લાગી છે. મને યાદ છે કે આજથી છએક મહિના પહેલાં એક બાળકીને નવ વર્ષની ઉંમરે મેન્સિસ ચાલુ થઇ ગયું હતું. આવું થવાનો આધાર ઘણાબધા પરિબળો ઉપર રહેલો હોય છે અને સમગ્ર વિશ્વમાં આ ઉંમર ક્રમશ: ઓછી થતી જાય છે.’
આજે 28મી મેનો દિવસ ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજિન ડે’ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે થોડીક વાત મેન્સ્ટ્રુઅલ હાઇજિન વિશે પણ કરવી છે. મિલી જેવી અણસમજુ બાળકીઓથી લઇને બે-ત્રણ બાળકોની મમ્મી સુધીની અનુભવી બહેનોને પણ આ માહિતી મદદરૂપ બની રહેશે.
મેન્સ્ટ્રુઅલ હાઇજિન વાત કરીએ તો, બે મહત્ત્વના મુદ્દા પર ધ્યાન આપવું જોઇએ. એક તનનું સ્વાસ્થ્ય અને બીજું મનનું સ્વાસ્થ્ય. તનનાં સ્વાસ્થ્યની બાબતમાં આપણા દેશની બહેનો હવે ઘણી આધુનિક બની ગઇ છે. જૂનાં જમાનામાં માસિકસ્રાવને અપવિત્ર અને અસ્પૃશ્યતાનો વિષય માનવામાં આવતો હતો. તેના વિશે ચર્ચા કરવી એ પણ શરમજનક ગણવામાં આવતું હતું, પરંતુ હવે એ ઘટનાને મહદ્દંશે સ્ત્રીના જીવનની એક સહજ બાયોલોજિકલ ઘટના તરીકે જોવામાં આવે છે. આજે પણ આપણા ગરીબ દેશમાં બધી જ બહેનોને સેનેટરી નેપ્કિન્સ આર્થિક રીતે પરવડતા નથી. એ બહેનો કાપડની ગડી અથવા સુંવાળા કપડાંના લંબચોરસ ટુકડાઓ વાપરે છે. આવી બહેનોને ખાસ એ બાબત સમજાવવી જોઇએ કે આવા ટુકડાઓ ગુપ્ત ભાગમાં ચેપ લાગવાનું કારણ બની શકે છે. જો એ વાપરવા જ પડે તેમ હોય તો એને નિયમિતરીતે ધોઇને ડેટોલમાં બોળીને પાણીથી વારંવાર સાફ કરીને સ્વચ્છ અને જંતુમુક્ત રાખવા જોઇએ.
જે બહેનોને આર્થિક રીતે પરવડે તેવું હોય તેમણે સેનેટરી નેપ્કિન્સ વાપરવા જોઇએ. સેનેટરી પેડ કેટલાં કલાક માટે રાખી શકાય તેનો કોઇ ચોક્કસ નિયમ હોતો નથી, પણ એનો આધાર રક્તસ્ત્રાવના પ્રમાણ પર રહેલો હોય છે. સેનેટરી પેડ પૂરેપૂરું ભીનું થઇ જાય અને લોહી શોષવાની એની ક્ષમતા પૂરી થઇ જાય એ પહેલાં એને બદલાવી નાખવું જોઇએ.
માસિકસ્ત્રાવના દિવસો દરમિયાન સ્ત્રીએ આભડછેટ રાખવાની કે ઘરમાં એક ખૂણામાં બેસી રહેવાની જરૂર નથી. જો પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતા જાળવી શકાતી હોય તો સ્ત્રી બધા જ કામો કરી શકે છે. ટેબલટેનિસ, બેડમિન્ટન, હાઇ જમ્પ, લોંગ જમ્પ જેવી તમામ રમતોમાં ભાગ લઇ શકે છે. માત્ર સ્વિમિંગમાં ભાગ ન લઇ શકે અને એ માટેનું કારણ સમજી શકાય તેવું છે.
મનના સ્વાસ્થ્ય માટે સ્ત્રીએ આ દિવસોમાં સતત કાર્યશીલ રહેવું જરૂરી છે. સારો પોષણયુક્ત આહાર એને શારીરિક અને માનસિક બંને રીતે ટકાવી રાખશે. માસિકસ્ત્રાવની અન્ય તકલીફો માટે નિષ્ણાત ડોક્ટરની સલાહ મેળવી શકાય. આટલું કરવાથી તનદુરસ્તી અને મનદુરસ્તી જળવાઇ રહેશે.

X
article by smita sharad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી