ડણક- શ્યામ પારેખ / 8,000 ધાર્મિક સ્થળોને તાળાં મારનાર રવાન્ડાને શું જોઈએ છે?

article by shyamp parekh

Divyabhaskar.com

Jul 29, 2019, 04:25 PM IST

ડણક- શ્યામ પારેખ
લગભગ 25 વર્ષ પહેલાં 1994ના વર્ષમાં પૂર્વ આફ્રિકાના રવાન્ડા દેશમાં લગભગ દસ લાખ લોકોની વાંશિક લડાઈઓમાં કત્લેઆમ થઈ ગઈ. એપ્રિલ મહિનામાં શરૂ થયેલી આ કત્લેઆમ લગભગ ચાર મહિના સુધી ચાલેલી. માનવ ઇતિહાસમાંના સૌથી મોટા ખૂન ખરાબામાંના એક કહી શકાય તેવા આ મહાસંહારને રોકવા વિકસિત અને અગ્રણી રાષ્ટ્રો ખાસ કશું ન કરી શક્યા. પરિણામે સદીઓથી રાજ કરતી આવેલી તુત્સી વંશની પ્રજાના લગભગ 70 ટકા લોકોનો ખાત્મો પ્રમાણમાં કચડાયેલા મનાતા હુતુ વંશના લોકોએ કરી નાખ્યો. સાથે સાથે પોતાના હુતુ વંશના લગભગ ઘણા મધ્યમમાર્ગીઓ તથા હિંસા વિરોધીઓને પણ ખતમ કરી નાખ્યા.
આ લોહિયાળ લડાઈનો અંત ત્યારે આવ્યો કે જ્યારે ‘રવાન્ડન પેટ્રિઓટિક ફોર્સ’ (આર.પી.એફ.)ની આગેવાની લઈને વર્તમાન પ્રમુખ પોલ કગામેએ ગેરીલા પદ્ધતિથી રવાન્ડાના લશ્કર જોડે બાથ ભીડી. તેના વિજય બાદ આ લોહિયાળ વાંશિક લડાઇઓ અટકી. ત્યારબાદ કગામે ઉપરાષ્ટ્રપતિ બન્યા અને લગભગ 6 વર્ષ સુધી રાજ કર્યું અને ત્યાર પછીના લગભગ બે દાયકા દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે તેમની સત્તા કાયમ રહી છે.
તેમની રાજકીય કારકિર્દીની સૌથી રસપ્રદ તથા ન્યારી કહી શકાય તેવી એક લાક્ષણિકતા એ રહી છે કે ગત વર્ષે તેમણે લગભગ આઠ હજાર ઉપરાંત ચર્ચ, મસ્જિદ અને અન્ય ધર્મસ્થાનોને નોટિસ આપી અને બંધ કરાવી દીધાં. કોઈ કલ્પના પણ ન કરી શકે તેવું આ અઘરું કાર્ય હતું. ધાર્મિક સ્થળો બંધ કરાવવાં તે યોગ્ય કે અયોગ્ય પગલું છે કે નહીં, તે વિશે વર્ષો સુધી અનિર્ણિત ચર્ચાઓ ચાલતી રહેશે. જોકે, આ પગલાં પાછળનો દેખીતો અને જાહેર કરાયેલો ઉદ્દેશ તો સ્પષ્ટપણે આવાં ધાર્મિક સ્થળોમાં એકઠા થતા લોકોની સલામતી અંગેનો હતો. સેંકડો લોકો જ્યાં ભેગા થતા હોય તેવાં ધાર્મિક સ્થળોએ જાહેર સુવિધાઓ અને સલામતીની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ અને જ્યાં તેની કમી વર્તાય ત્યાં તાળાં મારવાં જોઈએ એ મુજબના હુકમના અમલરૂપે આ પગલું લેવાયું હતું.
આ આખી ઝુંબેશના અંતે રવાન્ડામાં લગભગ હવે માત્ર દોઢ હજાર જેટલાં ધર્મસ્થળો જ ખુલ્લાં રાખવામાં આવ્યાં છે અને ધર્મગુરુઓને કોલેજોમાં જઈ અને ધાર્મિક ડિગ્રીઓ મેળવવા માટે સમય અપાયો છે. તેમની પાસે પૈસા ક્યાંથી આવે છે અને ગરીબ ભક્તોના પૈસાનો શું ઉપયોગ થાય છે તેનો હિસાબ મંગાઈ રહ્યો છે. અહીંયાં સામ્યવાદી વિચારધારામાં આસ્થાનો વિરોધ કરી અને ધર્મને ગેરકાયદે જાહેર કરવા જેવી વાત નથી, પરંતુ ધર્મના નામે ધીકતો ધંધો કરનારાઓને ચીમકી છે. ધર્મ અંગે ધર્મગુરુઓએ પૂરતો અભ્યાસ કરેલાે છે કે નહીં, તેમણે બાંધેલાં ધર્મસ્થળો કાયદા મુજબનાં તથા જાહેર સલામતી અને સુવિધાની જરૂરિયાતોનું પાલન કરે છે કે નહીં તથા ગરીબ દેશના વધારે પૈસા નવાં ધર્મસ્થળો બાંધવાં કે ચલાવવામાં નહીં, પરંતુ લોકોને પાણી પહોંચાડવા માટે કે નોકરીઓ અપાવતી ફેક્ટરીઓ બાંધવામાં જાય તેવો હોય તેમ લાગે છે.
જોકે, સરમુખત્યારશાહી જેવી એકપક્ષીય લોકશાહીમાં નેતાઓ પાસેથી અમુક પ્રકારની અપેક્ષાઓ શક્ય નથી. વિરોધ કે વિરુદ્ધ મત અંગેની તેમની સહનશીલતા ઓછી હોય છે અને આવા નેતાઓ જે કંઈ ઈચ્છે કે કહે તે સમાજ અને રાષ્ટ્રહિતમાં છે એમ બધાએ સ્વીકારવું પડતું હોય છે. કગામે ઉપર પણ ભક્તજનો, પાદરીઓ અને મુલ્લાઓ દ્વારા આક્ષેપો થયા છે. પોતાના ધર્મને પાળવા માટેના મૂળભૂત બંધારણીય હક્કો ઉપર તરાપ મારવામાં આવી છે તેવી લાગણીઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રપતિ કગામેનો જવાબ બહુ સ્પષ્ટ હતો. 10 લાખથી પણ ઓછી વસ્તીવાળા કિગાલી શહેરમાં 700થી પણ વધારે દેવાલયો છે. શું ત્યાંથી બોરવેલ દ્વારા પાણી નીકળવાનું છે કે પછી ત્યાં એ ફેક્ટરીઓ ચાલશે, જે નોકરી આપે. નહીં તો શું આપણા જેવા ગરીબ દેશને આવો ખર્ચ પોષાય?
આવું હિંમતભર્યું પગલું અને આ બાબત ઉપરની જાહેર ચર્ચા અગત્યની એટલા માટે છે કે એક ટચૂકડા, ગરીબડા અને પછાત ગણાય એવા એક આફ્રિકન દેશના ખૂબ વગોવાયેલા વડાએ એક ખૂબ તાર્કિક અને લોકહિતની, પરંતુ લોકમતની વાત કરવાની હિંમત કરી છે. તેમનો રાજકીય અને લશ્કરી ઇતિહાસ કદાચ ખરડાયેલો હશે, પરંતુ વાત ખોટી નથી. જોકે, શરૂઆતના વિરોધ બાદ ધીરે ધીરે ગરીબ અનુયાયીઓના પૈસે તાગડધિન્ના કરવા ટેવાયેલા ત્યાંના અમુક ધર્મગુરુઓ હવે સ્વીકારતા થયા છે કે આવા ગરીબ દેશમાં આવી વૈભવશાળી જિંદગી જીવવા માટે દેવાલયોનો ઉપયોગ ન થવો જોઈએ.
શું અન્ય દેશોમાં પણ લોકશાહી રીતે, પણ લોકમતની વિરુદ્ધ હોય તેવી લોકહિતની વાત કરવાનું નેતાઓ શીખશે?
[email protected]

X
article by shyamp parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી