ડણક- શ્યામ પારેખ / પૃથ્વી પર અધધધ જથ્થો હોવા છતાં ચોમેર પાણીના પોકાર કેમ?

article by shyam parekh

Divyabhaskar.com

Jul 22, 2019, 12:05 PM IST

ડણક- શ્યામ પારેખ
આવર્ષની શરૂઆતમાં આપણે દક્ષિણ આફ્રિકાના જ્હાેનિસબર્ગ શહેરની પાણીના અભાવે થયેલી દુર્દશા વિશે સાંભળ્યું. એ વાત જૂની થાય તે પહેલાં તો ચેન્નઈમાં ભયંકર પાણીની તંગી બધાને હચમચાવી ગઈ. લોકોના મોઢે એક જ સવાલ છે કે શહેરોની હાલત આવી ખરાબ હોય તો ભવિષ્યમાં દેશનો વિકાસ કેમ થશે અને શહેરમાં વસતા લોકો સ્થળાંતર કરીને ક્યાં જશે? તેમના ઉપયોગ માટે કે પીવા માટે પાણી ક્યાંથી આવશે?
ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી ચોમાસુ ઘણા અંશે કોરું રહ્યું છે. જો બાકીના દિવસોમાં અનરાધાર નહીં વરસે તો કદાચ ગુજરાત મોટા પાયે પાણીની અછતનો સામનો કરશે. મતલબ કે આપણે અછતની પરિસ્થિતિમાં રહેવા તૈયારી કરવી જોઈએ, પરંતુ તે કરતા પહેલાં પાણીની સમસ્યાનું પ્રમાણ તથા તેનું કદ સમજવું જરૂરી છે.
આપણે ભારતની સપાટી પર રહેલા લગભગ બધા જ મીઠા પાણીના સ્ત્રોત, એટલે કે નદીઓ અને તળાવોને વપરાશમાં લાવવા માટે પૂરતા પ્રયત્નો કરી ચૂક્યા છીએ અને ભૂગર્ભમાં રહેલા જથ્થામાંથી રોજ કરોડો ટન પાણી સીંચી રહ્યા છીએ, પણ ભવિષ્યમાં ભારતનાં તરસ્યાં શહેરોને પીવડાવવા માટે નદીઓ અને તેના પર બંધાયેલા ડેમોમાં પૂરતું પાણી નહીં હોય. તો આ વખતે ભારત જેવા દેશોમાં વ્યાપક સ્તરે પાણી ક્યાંથી લોકોને પૂરું પડાશે?
તેનો હલ વધુ ડેમ કે બોરવેલથી નહીં મળે, પરંતુ દરિયાના પાણીને ક્ષારમુક્ત કર્યા બાદ એટલે કે ડિસેલિનેશન કર્યા બાદ પીવાલાયક બનાવવાથી અથવા હવામાનમાં રહેલા પાણીને ઝીલીને પીવાલાયક બનાવવાથી મળી શકશે. અખાતના દેશોમાં ઘણા દાયકાઓથી દરિયાના પાણીને શુદ્ધ કરી અને વપરાશયોગ્ય બનાવાય છે, પરંતુ આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ છે અને ખૂબ વધુ બળતણ અથવા પાવર વાપરે છે તથા પર્યાવરણ માટે હાનિકારક પણ સાબિત થાય છે. વળી, સમુદ્રના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવાની પ્રક્રિયા દરમિયાન ક્ષારને કારણે બ્રાઇન તરીકે ઓળખાતું રસાયણ પેદા થાય છે અને તેને સમુદ્રના પાણીમાં ફરીથી નાખવાથી અનેક જીવો અસહ્ય ક્ષારને કારણે મૃત્યુ પામે છે. આમ, સમુદ્રના પાણીની ગુણવત્તા બગડતી જાય છે. ભવિષ્યમાં કદાચ સૌરઊર્જાથી આવા વિશાળ કદના પ્લાન્ટ્સ ચાલી શકે તો કમ સે કમ દરિયાઈ વિસ્તારોનાં શહેરો અને અન્ય માનવ સમુદાયોને પાણી તેના દ્વારા પૂરું પાડી શકાશે, પરંતુ તેનાથી પર્યાવરણને થનારી હાનિકારક અસરોને કારણે કદાચ આ સૌથી યોગ્ય ટેક્નિક સાબિત ન પણ થાય.
દિવસે દિવસે જેમ પાણીની સમસ્યા વધુ વકરી રહી છે તેમ તેમ પાણી મેળવવાના નવા ઉપાયો સામે આવતા જાય છે. અનેક સંશોધકોએ વાતાવરણમાંથી પાણી કેમ મેળવવું તે માટે સંશોધનો કર્યાં છે અને નવાં સાધનો વિકસાવ્યાં છે. એ. ડબલ્યુ. જી. એટલે કે એટમોસ્ફિયરિક વોટર જનરેટર દ્વારા ભવિષ્યમાં અંતરિયાળ અને સૂકાભઠ્ઠ પ્રદેશોમાં પાણીની સમસ્યા આંશિક રીતે હલ મળી શકે તેવી આશા પ્રવર્તે છે. સૌથી સારી બાબત એ છે કે આ પ્રક્રિયા માટે ભવિષ્યમાં સૌરઊર્જા આધારિત સાધનો ઉપલબ્ધ બનશે અને આમાંથી બનતા પાણીની પ્રક્રિયા દરમિયાન કોઈપણ બાય પ્રોડક્ટ કે અન્ય પદાર્થનુ સર્જન નથી થતું. અતિ શુદ્ધ પાણીના નિર્માણ સિવાય આ પ્રક્રિયા કોઈપણ પ્રકારનું પ્રદૂષણ નથી ફેલાવતી. આમ, ભવિષ્યમાં પાણીની સમસ્યાને હળવી બનાવવામાં કદાચ આ તકનીક નોંધપાત્ર નીવડે તેવી શક્યતા છે.
વાતાવરણમાં રહેલા પાણીનું ટૂંકુ ને ટચ
⬛ પૃથ્વીના ગોળાના 70 ટકા વિસ્તાર ઉપર પાણી છવાયેલું છે.
⬛ આમાંથી લગભગ 97 ટકા પાણી સમુદ્રોમાં છે. અને અન્ય ત્રણ ટકા મીઠું પાણી એટલે કે પીવાલાયક પાણી, બિનસમુદ્રી જળવિસ્તારોમાં છે.
⬛ આ ત્રણ ટકામાંથી લગભગ 70 ટકા જેટલું ધ્રુવ પ્રદેશોના બરફમાં કેદ છે. લગભગ 29 ટકા જેટલું મીઠું પાણી ધરતીની અંદર રહેલું છે.
⬛ પૃથ્વી પરના મીઠા પાણીના જથ્થામાંથી માત્ર એક ટકા જેટલું જ નદી, તળાવ, ઝરણાંઓ અને વાતાવરણમાં છે.
⬛ વાતાવરણની અંદર લગભગ 37.5 મિલિયન-બિલિયન ગેલન પાણી છે.
આ પાણીના જથ્થાનો વ્યાપ ગણીએ તો લગભગ 12,900 ક્યુબિક કિલોમીટરથી પણ વધુ છે.
⬛ જો વાતાવરણનું બધું પાણી ધરતી પર રેડી દેવામાં આવે તો આ પાણીના કારણે લગભગ અઢી સેન્ટિમીટર જેટલું પાણીનું સ્તર આખી પૃથ્વી પર છવાઇ જાય.
⬛ સમસ્ત પૃથ્વીના બધા જ મીઠા પાણીના જથ્થાની ગણતરી કરીએ તો તેનો 0.04 ટકા ભાગ હવામાં છે.
⬛ પૃથ્વી પરના જળના બધા જ જથ્થાની ગણતરી કરીએ તો તેનો માત્ર 0.001 ટકા જેટલો જ હવામાં છે.
⬛ વાતાવરણમાં રહેલું આ બધું જ જળ અંદાજે નવ દિવસ જ હવામાં રહે છે. આટલો જથ્થો વર્ષમાં લગભગ 40 વખત હવામાં રિચાર્જ થાય છે.
[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી