માનો યા ના માનો- રાજ ભાસ્કર / 12 મહિનાઓના નામનું રહસ્ય

article by rajbhaskar

Divyabhaskar.com

Jan 02, 2020, 12:20 PM IST
માનો યા ના માનો- રાજ ભાસ્કર
જાન્યુઆરીથી ડિસેમ્બરના 12 મહિનાઓનાં નામ તો આપણે સૌ જાણીએ છીએ, પણ એ વાત બહુ ઓછા જાણે છે કે આ મહિનાઓનાં નામ પાછળનું રહસ્ય શું છે?
વર્ષના પહેલા મહિના જાન્યુઆરીનું નામ રોમન દેવતા ‘જેનસ’ના નામ પરથી પડ્યું છે. માન્યતા છે કે જેનસના બે ચહેરાઓ છે. એક ચહેરાથી તે આગળ જુએ છે અને બીજા ચહેરાથી પાછળ. આ રીતે જાન્યુઆરી માસના પણ બે ચહેરા છે. એકથી વીતેલા વર્ષને જોઈ શકાય છે અને બીજાથી આવનારા નવા વર્ષને. જેનસને લેટિનમાં ‘જૈનરિસ’ કહેવાય છે. પછીથી એનું ‘જેનુઅરી’ થયું અને ધીમે ધીમે અપભ્રંશ થતાં હિન્દીમાં ‘જનવરી’ અને ગુજરાતીમાં ‘જાન્યુઆરી’ થયું.
ફેબ્રુઆરી મહિનાનો સંબંધ લેટિન શબ્દ ‘ફૈબરા’ સાથે છે. એનો અર્થ શુદ્ધિના દેવતા એવો થાય છે. કેટલાક લોકો ફેબ્રુઆરીના નામનો સંબંધ રોમની દેવી ‘ફેબએરિયા’ સાથે હોવાનું પણ માને છે. રોમન દેવતા ‘માર્સ’પરથી માર્ચ મહિનાનું નામ પડ્યું છે. રોમન વર્ષનો પ્રારંભ આ જ મહિનાથી થાય છે. માર્ચ એ ‘માર્ટિઅસ’નું અપભ્રંશ છે, જે આગળ વધવાની પ્રેરણા આપે છે. ઠંડીની મોસમ પૂર્ણ થતાં લોકો શત્રુ પર આક્રમણ કરતા હતા એટલે આ મહિનાને ‘માર્ચ’ નામથી સંબોધાય છે. એપ્રિલ મહિનાની ઉત્પત્તિ ‘એસ્પેરાયર’ શબ્દ પરથી થઈ છે. એનો અર્થ ખૂલવું એવો થાય છે. રોમમાં આ મહિનામાં કળીઓ ખીલતી હતી, અર્થાત્ વસંતનું આગમન થતું હતું એટલે પ્રારંભમાં આ મહિનાનું નામ ‘એપ્રિલિસ’ રખાયું હતું અને ધીમે ધીમે અપભ્રંશ થઈને એપ્રિલ થઈ ગયું.
રોમન દેવતા મરકરીની માતા ‘મઈયા’ના નામ પર મે માસનું નામ પડ્યું છે. કેટલાક એવું માને છે કે મે માસનું નામ લેટિનના ‘મેજોરેસ’ પરથી પણ પડ્યું છે. રોમના સૌથી મોટા દેવતા જીયસની પત્ની ‘જૂનો’ના નામ પરથી જૂન મહિનાનું નામ પડ્યુ. રાજા જુલિયસ સીજરનો જન્મ અને મૃત્યુ બંને જે સમયગાળામાં થયાં હતાં તે સમયગાળાને જુલાઈ નામ આપવામાં આવ્યું. એ જ જુલિયસના ભત્રીજા ઓગસ્ટસે પોતાના નામને અમર કરવા ઓગસ્ટ માસનું નામ આપ્યું. ‘સેપ્ટ’ લેટિન શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘સાત’. પહેલાં જ્યારે દસ મહિના હતા ત્યારે સપ્ટેમ્બર સાતમો મહિનો હતો એના કારણે જ એનું નામ સપ્ટેમ્બર પડ્યું હતું. પછીથી બાર મહિના થતાં એ નવમો મહિનો બની ગયો. લેટિન શબ્દ ‘આક્ટ’ પરથી ઓક્ટોબર અને ‘નોવેમ્બર’ પરથી નવેમ્બર માસનું નામ પડ્યું. લેટિન શબ્દ ‘ડેસેમ’ પરથી વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરનું નામ પડ્યું. આ રીતે બારેબાર અંગ્રેજી મહિનાનાં નામ પાછળ અહીં જણાવ્યા ઉપરાંત પણ અનેક વાયકાઓ, ઘટનાઓ અને રહસ્યો છુપાયેલાં છે. એ વાત પછી ક્યારેક. અત્યારે તો હેપ્પી ન્યૂ યર.
[email protected]
X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી