રે જિંદગી- રાજ ભાસ્કર / જિંદગીની જીવલેણ હાથતાળી

article by rajbhaskar

Divyabhaskar.com

Dec 23, 2019, 06:52 PM IST
રે જિંદગી- રાજ ભાસ્કર
અમૃતભાઈ અને અનસૂયાબહેનનાં હૈયામાં આજે હરખ નહોતો માતો. છાતી ગજ ગજ ફૂલી રહી હતી અને માથું હિમાલય જેમ આભને આંબુ-આંબુ થઈ રહ્યું હતું. કેટલાં વરસે આજે એમણે રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લાં પાંચ-સાત વર્ષથી જાણે માથા પર એક પહાડ લઈને ફરતાં હતાં અને દીકરાએ એ પહાડને આજે પુષ્પમાં પલટી નાંખ્યો હતો. દીકરાએ આજે તેમનું સપનું સાકાર કરી દીધું હતું. દીકરાની સિદ્ધિથી તેમને દિલને ખૂબ જ ટાઢક વળી હતી. એમનો દીકરો અજય આજે ડોક્ટર બની ગયો હતો. આજે જ અમદાવાદથી એનો ફોન આવ્યો હતો.
‘બા-બાપુ, હું પાસ થઈ ગયો. હું ડોક્ટર બની ગયો. બાપુ તમારું સપનું પૂરું કરી દીધું મેં!’ અમૃતભાઈએ નોંધ્યું કે હરખનો માર્યો દીકરો ય બોલતાં બોલતાં રડી રહ્યો હતો. એના ગળે ય કેટલીય નદીઓ ઘૂઘવી રહી હતી અને આ છેડો તો પહેલેથી જ નીતરી રહ્યો હતો.
પછી તો બંને પતિ-પત્નીએ આખું ગામ ગજવી મૂક્યું. હરખપદૂંડા થઈ આખા ગામમાં ઢંઢેરો પીટી આવ્યાં કે અમારો દીકરો અજય ડોક્ટર થઈ ગયો. સાંજે નિરાંતે ખાટલામાં બેઠાં અને એમની આંખ સામે ભૂતકાળ તરવર્યો
***
અષાઢ ગાંડોતૂર બનીને ગામ પર ખાબકી રહ્યો હતો અને આ બાજુ દસ બાય દસના એક ઓરડામાં અમૃતભાઈ અને અનસૂયાબહેન પણ ખાબકી રહ્યાં હતાં. દસ વર્ષનો દીકરો અજય ટાઢ અને તાવથી થરથરી રહ્યો હતો. રાતના અઢી વાગી રહ્યા હતા. અમૃતભાઈ દીકરાની પીડા જોઈ ન શક્યા. એને તેડીને છત્રી ઓઢી ગામના ડોક્ટરના ઘર તરફ દોડી ગયા. બહાર ઊભેલા રખેવાળે એમને અટકાવ્યા. ‘એ કાકા, રાત્રે અઢી વાગ્યે આમ પૂછ્યા વગર ક્યાં અંદર ઘૂસી રહ્યા છો.’
‘ભઈ, મારો દીકરો તાવમાં સબડી રહ્યો છે. ડોક્ટર સાહેબને ઉઠાડો જરા નહીંતર ન થવાનું થઈ જશે.’
‘પણ ભાઈ અત્યારે સાહેબ ‘કામ’માં છે!’
‘ભાઈ બધાં કામ કરતાં કોઈનો જીવ બચાવવાનું કામ મોટું મે’રબાની કરો. સાહેબને ઉઠાડો!’ રકઝક ચાલતી હતી ત્યાં જ ડોક્ટર સાહેબ મેડીના ઝરૂખામાં આવી ત્રાટક્યા, ‘એય રઘુ! કોણ છે એ? શેનો બખેડો છે બધો?’
‘સાહેબ, આનો દીકરો બીમાર છે, દવા લેવા આવ્યો છે?’
‘એ ભાઈ! તને ભાન-બાન છે કે નહીં, મારા બાપાએ તારા માટે મને ડોક્ટર બનાવ્યો છે? રાતના અઢી વાગ્યા છે જો તો ખરો!’ ડોક્ટર સાહેબે પોતાનો ધર્મ ભૂલી વાત કરી.
‘સાહેબ પણ આને ખૂબ તાવ છે મે’રબાની કરો!’
‘તો હું શું કરું, મારા માટે જણ્યો છે.’ ત્યાં જ નાઇટ ગાઉનમાં વળ ખાતી સાહેબની પત્ની બહાર આવી, ‘ચાલને મયંક!’ અને ડોક્ટર મયંક ચાલ્યો ગયો. અજય એમનો એમ તડપતો રહ્યો, પણ ડોક્ટરને મજબૂર બાપ અને કણસતા દીકરાના દિલની ધકધક ન સંભળાઈ. એણે સ્ટેથોસ્કોપને બદલે પત્નીના સુંવાળા હાથ ગળા ફરતે વીંટાળી રાખ્યા હતા પછી ક્યાંથી સંભળાય?
અમૃતભાઈ ઘરે આવ્યા. દીકરાને ખાટલામાં સુવાડ્યો અને બબડવા લાગ્યા, એક દિવસ હું મારા દીકરાને જરૂર ડોક્ટર બનાવીશ અને આખા ગામની સેવા કરીશ. એ દીકરાના ખાટલા પર વળ્યા. એના માથે હાથ ફેરવ્યો, ‘બેટા અજય! તું ડોક્ટર બનીશને?’
પણ અજય કંઈ ન બોલ્યો.
‘બેટા, ખૂબ ભણજે અને ડોક્ટર બનજે. તારે ડોક્ટર બનવાનું જ છે. તું સાંભળે છે ને બેટા?’ અમૃતભાઈએ ફરીવાર દીકરાના માથે હાથ ફેરવ્યો, પણ ત્રીજા ફેરે તો એમનો હાથ અટકી ગયો. દીકરાનો તાવ ગાયબ હતો. એનું શરીર ટાઢુંબોળ થઈ ગયું હતું. રેલવેના એન્જિન જેમ હાંફતી એની ધમણ વર્ષોથી ખોટકાયેલી ગાડી જેમ સ્થિર હતી. અજય નિશ્ચેત થઈ પડ્યો હતો. જિંદગીએ હાથતાળી દઈ દીધી હતી. એના ધબકારા હવે ભૂતકાળની વાત થઈ ગઈ હતી. ઉપર આસમાનમાં બેઠેલા ડોક્ટર અને ત્યાં મેડી પર બેઠેલા બંનેએ બેવફાઈ કરીને અજયને છીનવી લીધો હતો. અજયના મૃત્યુનું ભાન થતાં જ બંને પતિ-પત્ની પોક મૂકીને તેના પર પથરાઈ ગયાં, પણ માત્ર એક જ ક્ષણ માટે. બીજી જ પળે એ ઊભા થયા અને બબડવા લાગ્યાં, ‘મારો દીકરો જરૂર ડોક્ટર બનશે.’
***
આજે એ વાતને વરસો વીતી ગયાં છે, પણ એક મજબૂર મા-બાપનો સમય ત્યાં જ થંભી ગયો છે. દીકરાના મૃત્યુથી પાગલ થઈ ગયેલાં બંને રોજ સવારે ગામમાં ઢંઢેરો પીટવા નીકળી પડે છે કે, ‘અમારો દીકરો અજય ડોક્ટર...!’
[email protected]
X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી