રે જિંદગી- રાજ ભાસ્કર / ‘‌ એયને મારું ગામડું સારું’

article by rajbhaskar

Divyabhaskar.com

Dec 02, 2019, 12:24 PM IST
રે જિંદગી- રાજ ભાસ્કર
પાંસઠ વર્ષના વાલજીભાઈ બસમાં પગ મૂકતાં જ જાણે પચીસના થઈ ગયા. બસ જેમ જેમ આગળ ચાલતી ગઈ તેમ તેમ કિલોમીટરને બદલે વાલજીભાઈનાં વર્ષો કપાવા લાગ્યાં. એક-એક વર્ષ ખરી પડતું હતું. જાણે ઘટાદાર આંબાની ડાળીએથી પાકી ગયેલી કેરી ખરે અને આખરે જ્યારે બસ એમના ગામના પાદરની ધૂળને સ્પર્શી ત્યાં જ એ વાલજીભાઈ મટીને પાંચ–દસ વર્ષનો વાલો બની ગયા. ફાટેલી ચડ્ડીની જાહોજલાલીમાં જિંદગી ગુજારતો એક તોફાની બાળક, સાવ નાગોપૂગો નદીમાં ધુબાકા મારતો બાળક, જીવાકાકાની વાડીમાંથી કેરી ચોરીને નાસતો બાળકો અને તોફાની છતાં આખા ગામનો લાડકો બાળક.
⬛ ⬛ ⬛
વાલજીભાઈ શહેરમાં દીકરાનો આલીશાન બંગલો છોડીને આવ્યા હતા છતાં એમના ચહેરા પર ગુમાવવાનો નહીં કંઈક પામવાનો ઉત્સાહ હડિયાપટ્ટી કાઢતો હતો. દીકરાએ ઘણા સમજાવ્યા, પણ એ એકના બે ના થયા. ગામડામાં જવું એટલે જવું. શહેરના યાંત્રિક જીવનથી એ કંટાળી ગયા હતા. કોઈ આવે એટલે એને પૂછવાનું, ‘ભાઈ, શું લેશો? ચા કે કોફી?’ આ તે કંઈ માણસાઈ કહેવાય?
એ દીકરાને રોજ એકાદવાર તો ગામડા અને શહેર વચ્ચેના ભેદ વિશે લાંબુંલચ ભાષણ સંભળાવી જ દેતા. દીકરાએ એટલી બધી વાર એ ભાષણ સાંભળ્યું હતું કે એ એના પર થીસિસ લખવા બેસે તો કમ સે કમ સત્તર જનમ લેવા પડે. પપ્પાના મોઢે એણે ગામડા વિશેના એટલા બધા ગુણો સાંભળ્યા હતા કે એ ગામડાને ખુદનેય ખબર નહીં હોય.
વાલજીભાઈને શહેરની હરએક ચીજ, હરએક રીત ખટકતી. ‘આ શું, કોઈને ત્યાં જવું હોય તો ય ફોન કરીને જવાનું. જમવાનું હોય તો પણ જણાવવું પડે. પાણી પીવું હોય તો ય રૂપિયાનું પાઉચ લેવું પડે. કોઈના ઘર કે ઓફિસમાં જવું હોય તો ય પેલા ધોળિયાઓની ભાષામાં બોલવું પડે, ‘મે આઈ કમ ઈન?’ આ તે શહેર છે કે પછી નર્ક? અને પછી વાલજીભાઈમાં ગામડું ધૂણવા લાગતું. આવા કંઈક ને કંઈક પ્રશ્નો લઈ એ રોજ દીકરાને અધમૂઓ કરી નાખતા. આ કરતાં તો એયને મારું ગામડું સારું. કોઈ અજાણ્યો આંગણે આવી ચડે તો ય રોંઢા વગર પાછો ના જાય અને તમારા શેર જેમ કોઈ પૂછે નહીં કે ચા લેશો કે કોફી? સીધું દૂધનું તાંસળું જ ધરે અને ઘરમાં ઘૂસવામાં તે વળી રજા કેવી? આખું ગામ આપણા બાપનું અને ઘર આપણા દાદાનાં. એયને જ્યાં જેના ઓટલે, જેના ઘરમાં, જેમ ફાવે તેમ બેહવાનું ને મે’માનગતિ માણવાની.’
દીકરો સારો હતો. સમજતો હતો કે પપ્પા ઘરડા થયા, ભલે બોલ્યા કરે! અને આમ ને આમ જ વાલજીભાઈએ આજે શહેર છોડી દીધું, ‘બસ, બેટા બઉ થ્યું. મને આંયા નંઈ ફાવે. હું જાઉં છું મારા ગામડે. એયને ત્યાં ભેરુબંધો હાર્યે ધુબાકા કરીશ.’
⬛ ⬛ ⬛
બસ ઘરઘરાટી કરતી પાદરમાં ઊભી રહી. બસને કારણે ઊડેલી ધૂળના રૂપે જાણે કેટલાય ભેરુબંધો આવીને વાલજીભાઈને બાઝી પડ્યા.
વાલજીભાઈએ થોડે છેટે નજર ફેંકી. એમના ખાસ ભેરું ખીમજીનું ખોરડું આંખમાં તરવર્યું. એ દોડતા હોય એ ઝડપથી વાસ તરફ ચાલવા માંડ્યા. ઝટ જાઉં... અને ઝટ ગામડાને બાથમાં ભરી લઉં.
આખરે એ ખીમજીના ખોરડા આગળ આવીને ઊભા રહ્યા અને ઝડપથી અંદર પ્રવેશવા લાગ્યા. ત્યાં જ એક અવાજે એમની ગળચી ઝાલીને બહાર ખેંચ્યા, ‘એ ડોહા, પૂછ્યા વના ચ્યાં અંદર ઘૂસસ. તારા બાપનું મકોન સ?’ પડું પડું થતા વાલજીભાઈએ પાછળ જોયું. ખીમજીનો છોકરો હતો. એ બહાર આવીને બોલ્યા, ‘બેટા, તેં મને ઓળખ્યો નંઈ. હું આ ગામનો જ છું. તારો વાલોકાકો.’
‘તે મંઈ પેહી જવાનું?’ પેલાએ વગર હાથ ઉપાડે જાણે તમાચો ફટકાર્યો. વાલજીભાઈને ચક્કર આવવા લાગ્યાં. આખું ગામ ઘુમરાવા લાગ્યું. એમણે પેલાને કહ્યું, ‘ભાઈ એક ગ્લાસ પાણી મળશે?’
‘ચમ મફત આવસ. દહ ગાઉ છેટેથી માથે ઉપાડીને લાવવું પડસ!’
અડધા કલાક પછી વાલજીભાઈ ભીની આંખે પાદરે બેઠાં બેઠાં શહેર તરફ જતી બસની રાહ જોઈ રહ્યા હતા. એમના ગળામાં તરસે ભરડો લીધો હતો અને એ મનમાં ને મનમાં બબડી રહ્યા હતા, ‘આ કરતાં તો શહેર સારું. લોકો પાણી તો પાઈ જ દે અને વધારામાં ચા અને કોફીનોય વિવેક કરે.’
[email protected]
X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી