માનો યા ના માનો- રાજ ભાસ્કર / દુનિયાનો સૌથી રહસ્યમય આદમી કોણ હતો?

article by rajbhaskar

Divyabhaskar.com

Nov 28, 2019, 05:40 PM IST
માનો યા ના માનો- રાજ ભાસ્કર
અંદાજે 65 વર્ષ પહેલાં જાપાનના એરપોર્ટ પર દુનિયાનો એક રહસ્યમય આદમી પહોંચ્યો હતો. 1954ની સાલના જુલાઈ મહિનામાં બપોરે 12.30 વાગ્યે જાપાનના ટોકિયોના હેનેડા એરપોર્ટ પર એક વિમાન ઊતર્યું. અચાનક કાઉન્ટર પર બેઠેલા કસ્ટમ અધિકારી સામે એક એવો વ્યક્તિ આવ્યો જેનો પાસપોર્ટ જોઈને અધિકારી આશ્ચર્યમાં પડી ગયા. પાસપોર્ટમાં જે દેશનું નામ લખેલું હતું એ દેશનું નામ અધિકારીએ પહેલાં ક્યારેય નહોતું સાંભળ્યું. એ દેશનું નામ હતું ટોરેડો.
શંકા જતાં અધિકારીએ સુરક્ષાકર્મીઓ અને ઓથોરિટીને જાણ કરી. પછી એ વ્યક્તિને બીજા રૂમમાં લઈ જઈને પૂછપરછ અને તપાસ કરવામાં આવી. વ્યક્તિએ કહ્યું, એ ટોરેડો દેશનો વતની છે. આ પહેલાં એ યુરોપના અનેક દેશોની મુસાફરી કરી ચૂક્યો છે. કસ્ટમ અધિકારીઓએ પાસપોર્ટની તપાસ કરી, તેના પર જે મહોર લાગેલી હતી એ પણ બિલકુલ સાચી હતી. એના પર્સમાંથી કેટલીક યુરોપિયન કરન્સી, એ દેશનું ડ્રાઈવિંગ લાઇસન્સ, બેન્ક પાસબુક વગેરે હતાં.
સૌથી મોટો પ્રશ્ન એ હતો કે એ વ્યક્તિ જે દેશનો હોવાનું કહેતો હતો એ દેશ ટોરેડો દુનિયાના નકશામાં ક્યાંય નહોતો. અધિકારીઓએ એની સામે નકશો મૂકીને દેશ બતાવવા કહ્યું. એણે કહ્યું, ટોરેડો દેશ ફ્રાન્સ અને જાપાન વચ્ચે સ્થિત છે. એણે નકશામાં એંડોરા નામના દેશ પર આંગળી મૂકી અને કહ્યું કે, આ નામ ખોટું છે. આ મારો દેશ છે અને એનું નામ ટોરેડો છે. મારા દેશની સંસ્કૃતિ 1000 વર્ષ જૂની છે.
અધિકારીઓએ ઘણી પૂછપરછ કરી, પણ એના જવાબ પરથી વ્યક્તિ શંકાસ્પદ લાગ્યો. વધુ તપાસ માટે અધિકારીઓએ એને નજરકેદ કરી લીધો અને એક હોટેલમાં રાખ્યો. હોટેલમાં એનો રૂમ પચીસમાં માળે હતો. હોટેલના દરવાજા પર બે સુરક્ષા અધિકારીઓ 24 કલાક માટે ઊભા રખાયા હતા, પરંતુ બીજા દિવસે સવારે જ્યારે હોટેલનો રૂમ ખોલીને જોવામાં આવ્યું ત્યારે એ વ્યક્તિ રૂમમાંથી ગાયબ હતો. એ પછી દિવસો સુધી એ વ્યક્તિની શોધખોળ ચાલતી રહી, પણ એનો ક્યાંય પત્તો લાગ્યો નહીં.
આ ઘટનાને લઈને કોઈનું માનવું હતું કે એ વ્યક્તિ બીજી દુનિયામાંથી આવ્યો હતો, તો કોઈ કહેતા કે એ ભવિષ્યમાંથી આવ્યો હતો. ઘણા ટાઈમ મશીનની થિયરી પણ સેટ કરતા હતા, તો ઘણા ભૂતપ્રેતની વાતો. સત્ય શું છે એ આજ સુધી ખબર પડી નથી, પણ એ આદમી ટોકિયોના હેનેડા એરપોર્ટ પર ઊતર્યો હતો અને આજે એ દુનિયાના સૌથી રહસ્યમય આદમી તરીકે ઓળખાય છે.
[email protected]
X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી