રે જિંદગી- રાજ ભાસ્કર / હાથમાં ખંજવાળ જાગે તો...

article by raj bhaskar

Divyabhaskar.com

Jan 06, 2020, 05:41 PM IST
રે જિંદગી- રાજ ભાસ્કર
ઉગમણી પા સૂરજદાદાએ ડોકિયું કર્યું એ સાથે જ ભલો ખાટલામાંથી બેઠો થઈ ગયો. આંખો ચોળતો – ચોળતો એ નાવણી તરફ આગળ વધ્યો અને મોઢું ધોવા માટે લોટો હાથમાં લીધો, પણ એ ઝાઝીવાર સુધી લોટો પકડી શક્યો નહીં. એને થયું ત્રણ દિવસની ભૂખે હાડકાં ગાળી નાખ્યાં લાગે છે, પણ એની ધારણા ખોટી પડી. લોટો પડી જવાનું કારણ ભૂખ નહોતી કંઈક બીજું જ હતું. એના જમણા હાથમાં એક તીવ્ર ખંજવાળ ઊપડી હતી. ફરીવાર પકડેલો લોટો ફેંકી એણે ડાબા હાથ વડે જમણી હથેળી ખંજવાળવા માંડી.
ખંજવાળ સાથે જ એના મગજમાં એક આશા ઊમટી. એનું ભૂખ્યું પેટ અને તરસ્યા હોઠ મરકી ઊઠ્યા. જમણા હાથમાં ખંજવાળ જેટલી તીવ્ર બનતી ગઈ એટલી જ એની આશા અને અરમાનોની ટેકરી પણ ઊંચે ચડતી ગઈ.
ભલાને યાદ આવ્યું. હજુ ગયા મહિને જ ઓલા ભંગારના વેપારી સુખલાને જમણા
હાથમાં ખંજવાળ ઊપડી હતી. એ જ દિવસે એને બહુ મોટો ઓર્ડર મળેલો અને એનો ભાંગી પડેલો ધંધો ફરી બેઠો થઈ ગયેલો. પછી પેલો બાબુ! એનેય એક દિવસ જમણા હાથમાં ખંજવાળ ઊપડેલી અને એ જ દિવસે એને રસ્તામાંથી સોનાનો દોરો જડેલો.
આ બધું તો તોય ઠીક, પણ બાર મહિના પહેલાં ગામમાં ઝાડુ મારતા પેલા માણકાને જમણા હાથમાં ખંજવાળ ઊપડેલી એ દી’ એને પૂરા લાખ રૂપિયાની લોટરી લાગેલી.
આવા કેટકેટલાય બનાવોની યાદ ભલાની આંખમાં આશાનો સુરમો આંજી ગઈ. ખિસ્સાની જીભ પૈસાની ભૂખની લાળ ટપકાવવા લાગી.
કલાક વીતી ગયો. એણે રમકડાં સાફ કરીને સૂંડલો ભરી લીધો. ખંજવાળ હજુ ચાલુ જ હતી. એણે હરખાતાં હરખાતાં પત્ની ભીખીને કહ્યું, ‘અલી, સોંભળસ! આજ તો જમણા હાથમો ખંજવાળ પેઠી સ. નક્કી આજ તો પૈસા આયા હમજ!’
ભીખીએ ભલાના હાથ સામે જોયું. એ જમણા હાથની હથેળી ખંજવાળતો હતો. ભીખીના મોઢા પર છવાયેલા ગમગીનીનાં કાળાં ડિબાંગ વાદળો ખંજવાળની આછેરી હવાથી ઊડી ગયાં. બંને પતિ-પત્નીએ એકબીજા સામે જોયું. બંનેની આંખમાં ખડખડાટ હાસ્ય છલકી રહ્યું હતું. બંનેની આંખમાં ચમક હતી. રૂપિયાની મળવાની ચમક, પેટની આગળ ઠરવાની ચમક.
બે–ત્રણ દિવસથી પેટમાં અનાજ પડ્યું નહોતું અને પાણી તો કેટલીક ટક્કર ઝીલે? ભલાનો રમકડાંનો ધંધો, રોજ રમકડાંનો સૂંડલો લઈ સવારથી સાંજ સુધી એ બજારમાં બેસતો, પણ છેલ્લા પંદર દિવસથી એક પણ રમકડું વેચાયું નહોતું. પછી તો એણે બજારમાં બેસી રહેવાને બદલે ઘરે ઘરે ફરવાનું શરૂ કર્યું, પણ વાંસના સૂંડલામાંથી એકે રમકડું ઓછું ન થયું અને પેટનાં સૂંડલામાં એકે ‘રમકડું’ ઉમેરાયું નહીં. ખિસ્સું અને પેટ બંને ઠનઠન ગોપાલ હતાં. બસ ભર્યો હતો તો માત્ર રમકડાંનો સૂંડલો. હાથમાંથી લક્ષ્મીની રેખા જાણે સરી ગઈ હતી.
***
પણ આજ સવાર સવારમાં જમણા હાથમાં બેઠેલી આ ખંજવાળ જાણે લક્ષ્મીના આહ્્વાનની આલબેલ પોકારી રહી હતી. બે કલાક બીજા વીતી ગયા. ખંજવાળ હજુ જીવતી હતી અને સાથે સાથે રૂપિયા આવવાની આશા પણ.…
ભલો બજારમાં અને શેરીઓમાં રખડી રહ્યો હતો. ઘેર પત્ની કાગડોળે વાટ જોતી હતી. ભલો ઘરમાંથી નીકળ્યો ત્યારે એ ફળિયા સુધી વળાવવા ગયેલી અને ભલાએ પગ ઉપાડ્યા ત્યારે આતુરતાપૂર્વક ભીખીએ પૂછી લીધેલું, ‘એય રમલાના બાપુ! કઉં છું સોંભળો સો. ખંજવાળ હજુ ચાલુ સ કે પછ?’ ‘ચાલુ સ! ગોંડી ચાલુ સ!’ ભલાએ જમણે હાથ ખંજવાળતા ઉત્સાહિત સ્વરે કહેલું, ‘તું જરાય ચંત્યા નો કરતી. આજ ખંજવાળ આઈ સ. પાછી નહીં જવાની. સાંજે શીરો-પૂરી ખાશું તમતમાર!’
***
ભીખીનો આખો દિવસ વિચારોમાં ગયો. સાંજે ખાવાનું મળવાનું છે એ જાણી પેટની આગ પણ ઓર ભભૂકી ઊઠી હતી. હવે તો હદ થઈ, ક્યારે ભલો આવે અને ક્યારે શીરો-પૂરી મળે. ભીખી કાગડોળે રાહ જોઈ રહી હતી.
અને છેક મોડી સાંજે ભલો આવ્યો. ભીખી સામે દોડી, પણ ભોંઠી પડી. ભલો સાવ નર્વસ હતો. એનો ડાબો હાથ ઓશિયાળો થઈને લટકી રહ્યો હતો કે ક્યારે જમણા હાથમાં ખંજવાળ આવે અને ક્યારે એને પકડી લઉં. આજની ખંજવાળ તો સાલી છેતરામણી નીકળી હતી.
[email protected]
X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી