માનો યા ના માનો- રાજ ભાસ્કર / શિમલાની ટનલ નંબર 33માં છે આત્માનો વાસ!

article by raj bhaskar

Divyabhaskar.com

Dec 12, 2019, 04:33 PM IST
માનો યા ના માનો- રાજ ભાસ્કર
કાલકાથી શિમલા સુધી જનારા રૂટ પર ઘણી બધી ટનલો આવેલી છે, પરંતુ એમાં સૌથી ભયાનક છે ટનલ નંબર - 33. કહેવાય છે કે આ ટનલમાં આજે પણ એક એન્જિનિયરની આત્માનો વાસ છે અને એ ચીસો પાડે છે. એ એન્જિનિયરની કહાની બહુ જ રસપ્રદ છે.
આ ટનલનું નામ ‘ધી બડોગ ટનલ’ છે. એ ટનલ નંબર- 33 તરીકે પણ ઓળખાય છે. અંગ્રેજ સરકારે 1998માં આ સ્થાને ટનલનું નિર્માણ કરવાની યોજના બનાવી હતી. તેને પાર કરવા માટે ફુલ સ્પીડે દોડતી ટ્રેનને પણ અઢી મિનિટ જેટલો લાંબો સમય લાગે છે. બ્રિટિશ કાળમાં કર્નલ બડોગ નામનો એક અંગ્રેજ એન્જિનિયરને ટનલ બનાવવાની જવાબદારી સોંપાઈ હતી. એ સમયમાં પહાડોને કાપવા માટે મોટા મોટા કાચ અને એસિટિલિન ગેસનો ઉપયોગ થતો હતો. કર્નલે પહાડોનો અભ્યાસ કરીને બે છેડા પર માર્ક લગાવી એને કાપવા માટે કારીગરો ગોઠવી દીધા. એનું અનુમાન હતું કે બંને છેડા કપાતાં કપાતાં વચ્ચે આવીને ભેગા થઈ જશે અને ટનલ બની જશે, પણ ખૂબ મોટા ખર્ચ અને લાંબા ગાળાના કામ બાદ પણ એવું કશું જ ન થયું. ટનલના બે છેડા ભેગા ન થયા. બ્રિટિશ સરકારના અધિકારીઓ આ વાતથી એન્જિનિયર પર ખૂબ ગુસ્સે થયા. તેને ખૂબ ખરાબ ભાષામાં ઠપકો આપ્યો, અપમાન કર્યું. આ અપમાનથી એન્જિનિયર બહુ જ હતાશ થઈ ગયો. એને એટલું બધું લાગી આવ્યું કે એ ટનલ ખોદાતી હતી ત્યાં ગયો અને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. એ પછી બધા ગામવાળાઓએ એન્જિનિયરના શબને ત્યાં એ પહાડોમાં જ દફનાવી દેવામાં આવ્યું.
એન્જિનિયરના મોત બાદ 1900માં ટનલનું કામ ફરીવાર શરૂ થયું. અંગ્રેજ એન્જિનિયર એચ.એસ. હર્લિંગ્ટનને કામ સોંપવામાં આવ્યું, પણ એ પણ આ ટનલ ન બનાવી શક્યા. આખરે એક ભારતીય સ્થાનિક સંત બાબા ભાલકુની મદદથી 1903માં ટનલ સંપૂર્ણ પૂરી થઈ શકી. આ ટનલનું નામ બ્રિટિશ સરકારે મૃત એન્જિનિયરના નામ પરથી ‘ધી બડોગ ટનલ’ રાખ્યું અને એને 33 નંબર આપ્યો. ટ્રેનની આવનજાવન શરૂ થઈ, પણ ટ્રેન જ્યારે આ ટનલમાંથી પસાર થતી ત્યારે ત્યારે પ્રવાસીઓને ભયાનક ચીસો સંભળાતી. રાત્રે તો આ ટનલમાંથી પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે, એન્જિનિયર બડોગનો આત્મા હજુ એ ટનલમાં વસે છે અને એ જ ચીસો પાડે છે. આ ટનલના છેડે, બડોગ સ્ટેશન પાસે આ એન્જિનિયરની અનોખી કહાની લખાયેલું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે.
[email protected]
X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી