Back કથા સરિતા
પંકજ નાગર

પંકજ નાગર

જ્યોતિષ (પ્રકરણ - 26)
લેખક જાણીતા જ્યોતિષી છે.

જ્યોતિષ દ્વારા જીવનસાથીની જાણકારી

  • પ્રકાશન તારીખ25 Jul 2019
  •  

ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગર
કાત્યાયની મહામાયે મહાયોગીન્યધિશ્વરી
નંદગોપ સુતમ દેવી પતિમે કુરુ તે નમ:
આ જગત પરની દરેક કુંવારી કન્યા ઉત્તમ પતિ પ્રાપ્તિ માટે ઉપરોક્ત મંત્રનું રટણ નિયમિત કરતી જ હશે, કારણ કે આ મંત્રનો અર્થ એવો થાય છે કે ‘હે યોગિનીઓની અધિશ્વરી, હે કાત્યાયની દેવી! હે મહામાયે! નંદ ગોપાલના પુત્રને મારો પતિ બનાવો.’
હિન્દુ શાસ્ત્ર અને સંસ્કૃતિ અનુસાર લગ્ન એક પવિત્ર અને અતૂટ બંધન છે, પરંતુ જીવનસાથી યોગ્ય અને વચનબદ્ધ ન હોય તો લગ્નજીવન ભગ્નજીવન બની જાય છે. દરેક અપરિણીત યુવા હૈયાને પોતાના ભાવિ જીવનસાથી વિશે જાણવાની આતુરતા-ઉમંગ હોય છે. છોકરો-છોકરી અને નોકરી આ ત્રણ શબ્દો દરેક મા-બાપ માટે અનિવાર્ય શબ્દકોશ બની જાય છે. યુવક હોય કે યુવતી બંનેને પોતાના ભાવિ જીવનસાથી વિશે જાણવાની ઉત્કંઠા હોય છે. જીવનસાથી કેવો હશે? તેનો ધંધો-વ્યવસાય, સ્નેહભાવ-સ્વભાવ, ઘર, ખાનદાન, દેખાવ અને ઘણી બધી બાબતો જ્યોતિષશાસ્ત્રના માધ્યમ દ્વારા મેળવી શકાય છે. જન્મકુંડળીમાં સાતમું સ્થાન જીવનસાથીનું (પતિ અને પત્ની) હોય છે. ‘જાતક પારિજાત’ના 14મા પ્રકરણના દસમા શ્લોકમાં નીચે પ્રમાણે કહ્યું છે:
કામસ્તે તનુશે શુભ ગૃહ યુતે સંદ્ર સંનમ ઇચ્છતી
ફૂર્ર્ક્ષેર્મ દ્રગે વિલગ્ન રમણે દુર્વશાજાતાંગ નામ||
વર્ણરુપ ગુણાકૃતિમ ચ સકલમ યત્દગૃહોકટમ વદે
દુર્વયાપર કર ગૃહ કૃતિ નરપ્રીતિમ પ્રયાત્યંગના||
અર્થાત્ જન્મકુંડળીના લગ્નનો (પ્રથમ સ્થાન) અધિપતિ ગ્રહ સાતમા સ્થાનમાં શુભ ગ્રહોની યુતિમાં હોય તો જીવનસાથી સુખી-સંસ્કારી કુટુંબનો હોય. જો લગ્નનો અધિપતિ સાતમા સ્થાનમાં ક્રૂર ગ્રહોની વચ્ચે હોય તો પતિ અગર પત્ની કજિયાખોર અને કર્કશ-અસંસ્કારી મળે છે.
તમારા જીવનસાથીની રાશિ કઇ હશે અગર તેનું જન્મલગ્ન કયું હશે તે જાણવા નીચેના નિયમ અનુસરો.
ધારો કે તમે મકર લગ્નની વ્યક્તિ હોવ તો તમારું સાતમું સ્થાન કર્ક રાશિ આવે. કર્ક રાશિની નવમે અને પાંચમે વૃશ્ચિક અને મીન રાશિ આવે, આથી તમારા પતિ કે પત્નીનું કર્ક-વૃશ્ચિક કે મીન લગ્ન આવી શકે અગર તો તમારું પાત્ર કર્ક, વૃશ્ચિક કે મીન રાશિનું હોઇ શકે. અવલોકને આ વાત સાચી પુરવાર થઇ શકે છે.
ક્યારેક એવંુ પણ ધ્યાન પર આવ્યું છે કે તમારી રાશિથી પાંચમે-સાતમે અગર નવમે જે રાશિ આવતી હોય તે રાશિ તમારા જીવનસાથીની પણ હોઇ શકે. જેમ કે તમે કન્યા રાશિની વ્યક્તિ હો તો તમારા પતિ કે પત્નીની રાશિ વૃષભ, મીન અથવા મકર હોઇ શકે. સાતમા સ્થાનનો અધિપતિ જે રાશિમાં બેઠો હોય તે તમારા જીવનસાથીની રાશિ પણ હોઇ શકે અથવા તો રાશિનું લગ્ન તમારા પતિ કે પત્નીનું હોઇ શકે.
તમારા જીવનસાથી માટે તમારે કઇ દિશામાં પ્રયત્ન કરવો જોઇએ તે બાબતે ‘જાતક આદેશ માર્ગ’ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે તમારી જન્મકુંડળીનો સપ્તમેશ છઠ્ઠા સ્થાનમાં હોય તો તમારા જીવનસાથી માટે મોસાળ પક્ષનો (મામા-મામી-માસા-માસી કે નાના-નાનીનો) સહારો લેવો જોઇએ. જો જન્મકુંડળીનો સપ્તમેશ બારમે હોય તો કાકા-કાકીનું કુટુંબ આ બાબતે તમને ખૂબ જ ઉપયોગી નીવડે છે. જન્મકુંડળીનો સાતમા સ્થાનનો સ્વામી પાંચમા સ્થાનમાં હોય તો તમારો લગ્નસાથી તમારી સ્કૂલ કે કોલેજકાળનો સહાધ્યાયી પણ હોઇ શકે. જો જન્મકુંડળીનો સાતમા સ્થાનનો સ્વામી પ્રથમ કે બીજા કે બારમા સ્થાનનો હોય તો જ જીવનસાથીની તપાસ તમારા રહેઠાણની પૂર્વ દિશામાં કરવી. જો સપ્તમેશ સાતમા સ્થાનમાં જ હોય તો જીવનસાથીની તપાસ તમારા રહેઠાણની પશ્ચિમ દિશામાં કરવી. આ નિયમોને અનુસરવાથી તમારા પાત્રને મેળવવામાં સરળતા રહેશે.
જીવનસાથી કેવો કે કઇ રાશિનો છે તે જાણવા કરતાં તેનું ચારિત્ર્ય અને વ્યવસાય લગ્નજીવન માટે અતિ મહત્ત્વનો વિષય છે. તમારી જન્મકુંડળીનો સપ્તમેશ જો કુંડળીના છઠ્ઠા સ્થાનમાં હોય તો એક વાત નક્કી છે કે જીવનસાથી સરકારી કે બિનસરકારી નોકરી કરતો હોવો જોઇએ. જો સાતમા દાંપત્યજીવનનો માલિક ગ્રહ દસમે હોય તો તમારો પતિ કે પત્ની કોઇ વ્યાવસાયિક અગર ધંધાકીય ક્ષેત્રે પ્રવૃત્ત હોઇ શકે. જો સાતમા સ્થાનનો માલિક ગ્રહ બુધ હોય તો જીવનસાથી વકીલ, સી.એ., શિક્ષક અગર કવિ, સાહિત્યકાર હોઇ શકે. જન્મકુંડળીનો સપ્તમેશ જો શુક્ર સાથે હોય તો તમારો જીવનસાથી ખૂબ જ કલાપ્રેમી અને ધનવાન હોય. જે કુંડળીનો સપ્તમેશ અને ભાગ્યેશ(સાતમું અને નવમું)ના સંબંધ હોય તો લગ્ન બાદ જાતકનો અવશ્ય ભાગ્યોદય થાય તે વાત નિશ્ચિત છે.
જીવનસાથીનું ચારિત્ર્ય જાણવા બાબતે સારાવલિ અને જાતક પારિજાત ગ્રંથો કુંડળીના શુક્ર અને મંગળ પર ભાર મૂકવાનું કહે છે. જો કુંડળીમાં મંગળ-શુક્રની યુતિ હોય તો જીવનસાથી એક કરતાં વધારે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રાખે છે. ઉપરાંત જો આ યુતિમાં રાહુ ભળે તો જીવનસાથી કુટેવ અને વ્યસને ચઢી જાય છે. જો કુંડળીનો શુક્ર અગર સપ્તમેશ કુંડળીમાં શનિ-રાહુ સાથે બેસે તો જીવનસાથી ક્યારેક આર્થિક રીતે બરબાદ થાય અને નાદારી જાહેર કરવાના સંજોગો પેદા થાય છે.
આવી અસંખ્ય બાબતો તમે તમારા જીવનસાથી વિશે જ્યોતિષશાસ્ત્રના સાચા અધ્યયન અને અભ્યાસ દ્વારા જાણી શકો છો. અલબત્ત, આ લેખ જ્યોતિષ મંથનમાંથી નીકળેલા માખણના એક અતિ નાના ભાગનું લઘુ સ્વરૂપ છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP