સ્પોર્ટ્સ-નીરવ પંચાલ / ગાંગુલીની ઓફ ધ ફિલ્ડ સક્રિયતા પણ નોંધનીય છે

article by niravpacnhal

Divyabhaskar.com

Jan 06, 2020, 05:49 PM IST
સ્પોર્ટ્સ-નીરવ પંચાલ
સૌરવ ગાંગુલીની બીસીસીઆઈના પ્રમુખ પદે વરણી થયા બાદ ઘણા બધા નિર્ણયો ત્વરિત લેવાઈ રહ્યા છે અને દરખાસ્તોનું ઝડપભેર અમલીકરણ થઇ રહ્યું છે. કર્ણાટક પ્રીમિયર લીગમાં મેચ ફિક્સિંગના આરોપની વાત હોય કે ડે નાઈટ ટેસ્ટ મેચ યોજવાની દરખાસ્ત હોય, ગાંગુલીની ઓન ફિલ્ડ જેવી નો નોનસેન્સ પર્સનાલિટી હતી તેવી જ ઓફ ધ ફિલ્ડ પણ જણાઈ આવે છે. આઈસીસીમાં બિગ થ્રી - ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત વખતોવખત થતી હોય છે. તાજેતરમાં લંડનમાં સૌરવ ગાંગુલી, જય શાહ અને અરુણ ધુમલની મુલાકાત ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ચેરમેન કોલીન ગ્રોવ્સ સાથે થઇ, જેમાં ક્રિકેટના ડેવલપમેન્ટની સાથે સાથે ક્વોલિટી ક્રિકેટ દર્શકો સામે રજૂ કરવા માટે ગાંગુલીએ સુપર સિરીઝનો પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ પ્રમાણે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત અને ટોચની બીજી એક ટીમ 2021થી એક સુપર સિરીઝ રમશે, આ સુપર સિરીઝનું ફોર્મેટ વન ડે ઇન્ટરનેશનલ હશે અને પ્રથમ એડિશન ભારતમાં યોજાશે.
આઈસીસીની આવકનો મુખ્ય સ્ત્રોત ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ છે માટે આઈસીસી સામે જ્યારે પણ આ પ્રસ્તાવ જશે ત્યારે બાકીના દેશોના વિરોધ વચ્ચે પણ સુપર સિરીઝનો પ્રસ્તાવ સ્વીકારાઈ જશે. એસોસિયેટ દેશોમાં ક્રિકેટનો વિકાસ કરવા માટે આઈસીસી આ 3 દેશો પર નિર્ભર રહે છે. બ્રોડકાસ્ટિંગ કંપનીઓ હોય કે સ્પોન્સર્સ, આ 3 દેશ વિના કોઈને ચાલવાનું નથી. અત્યાર સુધી આઈસીસી વધુમાં વધુ 3 દેશોની વન ડે સિરીઝ રમવા માટે મંજૂરી આપતું રહ્યું છે. હવે જો 4 દેશોની સિરીઝ યોજવી હોય તો સ્પેશિયલ કેસ તરીકે સિરીઝ લેવાશે કે પછી આઈસીસીના તૈયાર થયેલા ફ્યૂચર ટૂર પ્રોગ્રામને ધ્યાનમાં લઈને ક્યાંક સમાવેશ કરી દેવામાં આવશે એ જોવું રહ્યું.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે આ પ્રસ્તાવને વધાવી લીધો છે જ્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર રાશિદ લતીફે પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો છે. રાશિદના કહેવા પ્રમાણે ક્રિકેટના ડેવલપમેન્ટના નામે ભારત અને બીજા દેશો બાકીના નીચલી પાયરીના દેશોને અલગ કરી નાખવા માંગે છે. ગેમના ડેવલપમેન્ટ માટે બધા દેશોનું સાથે હોવું જરૂરી છે. આ જ મુદ્દે સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીનું પણ એ જ મંતવ્ય છે કે છેલ્લા અમુક સમયથી ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા રેગ્યુલરલી એકબીજા સામે રમે જ છે માટે નવી સ્પેશિયલ સિરીઝની જરૂર નથી. જોકે, સુપર સિરીઝ રમાશે તો એમાં રમાનાર ક્રિકેટની ક્વોલિટી અંગે કોઈ બેમત નહીં હોય.
[email protected]
X
article by niravpacnhal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી