માનસ દર્શન- મોરારિબાપુ / મૈત્રીમાં મિત્રનાં સુખ-દુ:ખની માહિતી પણ મેળવવી જોઈએ

article by moraribapu

Divyabhaskar.com

Aug 05, 2019, 06:51 PM IST

માનસ દર્શન- મોરારિબાપુ
જીવ પાસે ઇચ્છા છે, પરંતુ સામર્થ્ય નથી. પરમાત્મા પાસે સામર્થ્ય છે, પણ ઇચ્છા નથી. કથા ઇચ્છા ને સામર્થ્યને ભેગાં કરી દે છે અને ત્યારે જીવનના રસમાં આપણે ડૂબી જઇએ છીએ. સુગ્રીવમાં ઇચ્છા ઘણી છે, સામર્થ્ય નથી. રામમાં સામર્થ્ય ઘણું છે, પરંતુ જો રામને બ્રહ્મ સમજો તો રામમાં કોઇ ઇચ્છા નથી અને ઋષ્યમૂક પર્વત પર જે મિલન થવાનું છે એમાં ઇચ્છાગ્રસ્ત જીવ અને સામર્થ્યમય શિવનું મિલન છે, પરંતુ એમાં વચ્ચે મિલન કરાવનારા કોઇ હનુમાન જોઇએ અને હનુમાનને હું કહું છું બુદ્ધપુરુષ. હનુમાન તત્ત્વને હું કહું છું સદ્્ગુરુ. ઘણા લોકો કહે છે કે ગુરુની જરૂર નથી. હું તમને ત્રણ વસ્તુ કહું. તમારી કોઇ પણ ઇચ્છા ન હોય તો તમારે ગુરુની જરૂર નથી. તમારામાં વિષયની કોઇ કામના ન હોય તો તમારે ગુરુની જરૂર નથી અને તમે પૂર્ણ નિર્ભીક હો તો તમારે ગુરુની જરૂર નથી. સુગ્રીવને હનુમાનની જરૂર છે, કેમ કે સુગ્રીવ નિર્ભીક નથી, સુગ્રીવ નિર્વિષયી નથી અને સુગ્રીવ ઇચ્છામુક્ત નથી.
આપણે ભયભીત છીએ, વિષયી છીએ. આપણી નબળાઇઓની કોઇ સીમા નથી. એટલા માટે આપણે બુદ્ધપુરુષની જરૂર છે. સુગ્રીવ પ્યારો લાગે છે. એનામાં નબળાઇઓ હોવા છતાં કાળા આકાશમાં થોડી વીજળી ચમકી રહી છે. સુગ્રીવ પહેલાં રામમાં શંકા કરે છે કે આ કોણ છે? જીવરૂપી સુગ્રીવને પહેલાં રામમાં શંકા થઇ, પરંતુ હનુમાનજીરૂપી ગુરુને કારણે આખરે એ ઈશ્વરને ઓળખી ગયો. ગુરુનો ઉપયોગ પણ લોકો પોતાનાં હિતો માટે કરે છે! સાધુને ક્યારેય સાધન ન બનાવવા. સાધુ આપણું સાધ્ય છે.
તો સુગ્રીવમાં અનેક પ્રકારની નબળાઇઓ છે. એ વિષયી છે; એ ભીયભીત છે; એ પલાયનવાદી છે, પરંતુ સારું પાસું એ છે કે એ હનુમાનજીની આંખો પર ભરોસો કરે છે કે દાદા, તમો જાઓ. મારી આંખો ભૂલ કરી શકે છે, કેમ કે મારી આંખો વિષયી છે. આપ બ્રહ્મચારીનું રૂપ લઇને જાઓ અને મને ત્યાંથી ઇશારો કરી દેજો. હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં આવે છે. હનુમંત-રામ સંવાદ ચાલે છે અને એ વાર્તાલાપમાં શ્રી હનુમાનજી ભગવાનને ઓળખી ગયા કે આ તો એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે. હનુમાનજી ભગવાનનાં ચરણ પકડી લે છે. જ્યાં સુધી પૂરો પરિચય ન થાય ત્યાં સુધી મસ્તક ઝુકાવીને બીજાને આદર આપવો, પરંતુ ચરણ તો ત્યારે જ પકડવાં જ્યારે પૂરેપૂરો પરિચય થઇ જાય.
હનુમાનજી વાર્તાલાપ આગળ વધારતા કહે છે કે મહારાજ, પર્વત પર વાનરોનો રાજા સુગ્રીવ રહે છે. એ સુગ્રીવ આપનો દાસ છે. પ્રભુ, મારી ઇચ્છા છે કે આપ એની સાથે મૈત્રી કરો. એને દાસપદમાંથી મિત્રપદ આપી દો. હનુમાનજીને ભગવાને કહ્યું કે હનુમાન, સુગ્રીવ સાથે મૈત્રી કરવી હોય તો કરીએ, પરંતુ એને અહીં લઇ આવો. હનુમાનજી બોલ્યા, એ અહીં આવી શકે એમ નથી. આપે જ ત્યાં આવવું પડશે. એ ખૂબ જ ભયભીત છે. મહારાજ, જે દર્દી હોસ્પિટલ સુધી જઇ શકે તેમ હોય એને તો લઇ જઇએ, પરંતુ જે જવા માટે સક્ષમ ન હોય એની પાસે તો ડોક્ટરે જ જવું જોઇએ. એ બીમાર છે. સુગ્રીવ વિષયી છે, કમજોર છે, ભયભીત છે. એની પાસે આપે આવવું જોઇએ.
હનુમાનજી રામ-લક્ષ્મણને લઇને સુગ્રીવ પાસે ઋષ્યમૂક પર્વત પર આવ્યા. જીવ સત્સંગમાં બેઠો હોય તો કર્મ નથી આવી શકતું, પરંતુ કોઇ સદ્્ગુરુનો આશ્રય મળી જાય તો પરમાત્મા સ્વયં કર્મ કરવા માટે, કરુણા કરવા માટે ત્યાં પહોંચી જાય છે. સુગ્રીવ ઊભો થયો. રામનું સ્વાગત કર્યું. હનુમાનજી મહારાજે બંને પક્ષનો પરિચય કરાવ્યો. આ વાલિનો અનુજ સુગ્રીવ છે; એની આ સ્થિતિ છે. સુગ્રીવને કહ્યું, આ ભગવાન રામ છે. બંનેની પ્રીતિ દૃઢ કરવા માટે હનુમાનજીએ અગ્નિ પ્રજ્વલિત કર્યો અને અગ્નિની સાક્ષીએ રામ અને સુગ્રીવની મૈત્રી કરાવી દીધી. મૈત્રીનો એક નિયમ છે કે મૈત્રીમાં આપણા મિત્રનાં સુખ-દુ:ખની માહિતી પણ મેળવવી જોઇએ. નહીંતર કોઇના મિત્ર ન બનવું. મિત્ર બનો તો એકબીજાનું સુખ-દુ:ખની જાણકારી મેળવી લેવી જોઇએ. ભગવાન રામે સુગ્રીવને પૂછ્યું કે આપ તો કિષ્કિન્ધાના છો, તો પછી અહીં શા માટે? હવે સુગ્રીવ અને રામની વાતચીતમાં સુગ્રીવ પોતાના જીવનની ગાથા સંભળાવે છે.
ભગવાને પ્રતિજ્ઞા કરી કે હું એક જ બાણથી વાલિને મારી નાખીશ, પરંતુ સુગ્રીવે કહ્યું કે મહારાજ, વાલિને મારવો એટલો આસાન નથી. રામ સમદર્શી છે અને વાલિનો રામ વિશેનો સમદર્શી અંગેનો જે વિવેક છે એ સાચો પાડવા માટે પ્રથમ મુકાબલામાં વાલિને મારતા નથી. આખરે વાલિ હણાય છે. સુગ્રીવને રાજતિલક થયું. રાજા બનીને સુગ્રીવ પ્રભુ પાસે આવ્યો અને કહ્યું, પ્રભુ, હવે શું કરું? પ્રભુ બોલ્યા, તેં વચન આપ્યું છે કે સીતાની શોધ માટે હું મદદ કરીશ. મેં તારું કામ પૂરું કર્યું. હવે તારું દાયિત્વ નિભાવ. સુગ્રીવ પ્રભુને આપેલું વચન ભૂલી જાય છે અને પ્રભુની પીડા જુઓ-
સુગ્રીવહું સુધિ મોરિ બિસારી.
પાવા રાજ કોસ પુર નારી.
પ્રભુ કહે છે કે લક્ષ્મણ, સુગ્રીવ મને આપેલું વચન ભૂલી ગયો છે, કેમ કે એને રાજ મળી ગયું. ખજાનો મળી ગયો અને નારી મળી ગઇ. ઈશ્વરને આપેલું વચન જીવરૂપી સુગ્રીવ ત્યારે ચૂકી જાય છે જ્યારે એના જીવમાં ત્રણ વસ્તુ આવી જાય છે. એક તો રાજ મળી જાય છે. રાજ એટલે સત્તા, પ્રતિષ્ઠા, કીર્તિ, પદ. પદ બધું ભુલાવી દે છે. આમાં કોઇની આલોચના નથી, જીવની પ્રકૃતિ છે. રામનો નિર્ણય, રામનું નિરીક્ષણ, રામનું દર્શન સાફ છે. એ દોષ નથી કાઢી રહ્યા, પરંતુ કહે છે, સુગ્રીવ જીવ છે; એને કોશ-ભંડાર મળી ગયો છે અને નારી-ભોગ મળી ગયાં છે, પરંતુ પ્રભુની કરુણા જુઓ! ભગવાન કોઇને ઠપકો આપે છે તોપણ કરુણાથી આપે છે. આપણે કોઇને ઠપકો આપીએ છીએ તો ક્રોધથી આપીએ છીએ. એ જ જીવ-શિવનું એક આધ્યાત્મિક અંતર છે.
ક્યારેક આપણે ભૂલ કરીએ અને પરમાત્મા દંડ દેવાની વાત કરે તોપણ યાદ રાખજો, એક દરવાજો ભગવાન ખુલ્લો રાખે છે. ભગવાને કહ્યું કે હું કાલે સુગ્રીવને મારીશ. એટલે એનો એક દરવાજો ખોલી નાખ્યો કે કાલ થાય એ પહેલાં જો સુગ્રીવ મારી પાસે આવી જાય તો મારે મારવો નથી. તો સુગ્રીવ સાંજ સુધીમાં શરણે આવી ગયો.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી