Back કથા સરિતા
મોરારિ બાપુ

મોરારિ બાપુ

ધર્મ, સમાજ (પ્રકરણ - 32)
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

પાંચ વસ્તુની સાવધાની પંચાગ્નિથી બચાવે છે

  • પ્રકાશન તારીખ06 Jan 2020
  •  

માનસ દર્શન- મોરારિબાપુ
યુવાન ભાઇ-બહેનોનો એક પ્રશ્ન છે, ‘બાપુ, અમે પહેલી વાર કથા રૂબરૂ સાંભળી રહ્યા છીએ. કોલેજ-યુનિવર્સિટીની પરીક્ષાઓને કારણે અમે દરેક કથા નથી સાંભળી શકતા. રૂબરૂ કથા સાંભળવાનું બહુ સારું લાગ્યું. જે અગ્નિની વાત થઇ રહી છે એવો અગ્નિ કોઇ ને કોઇ રૂપમાં અમને જુવાનીમાં સ્પર્શે છે. એવા અગ્નિ અમે પચાવી શકીએ એના માટે કંઇક કહો.’ યુવાન ભાઇ-બહેનો, હું તમારી સામે કેટલીક વાતો મૂકું. જો તમે કરી શકો તો કરજો; કોઇ દબાણ નથી. પાંચ વસ્તુમાં સાવધાન રહીએ તો આ પંચાગ્નિ કંઇ નહીં કરી શકે. આ પંચાગ્નિ જે માણસને ઘેરી લે છે એમાંથી બચવું હોય અથવા તો એને પચાવવો હોય તો પાંચ વસ્તુ સીધીસાદી છે. પાંચ વસ્તુની સાવધાની પંચાગ્નિથી બચાવે છે.
બાળકો, પાંચ વસ્તુની બાબતમાં તમે જાગૃત રહો. તમારે અમારી જેમ તિલક કરવાની જરૂર નથી; માળા રાખવાની જરૂર નથી; આવા કોઇ ગણવેશ-પોષાક રાખવાની જરૂર નથી; પાદુકા પહેરવાની જરૂર નથી; અંગૂઠા પર ચંદન કરવાની જરૂર નથી; હવન-પૂજા-પાઠ કરવાની જરૂર નથી. હા, દરરોજ ‘રામચરિતમાનસ’ કે ‘ભગવદ્્ગીતા’ કે અન્ય કોઇ ગ્રંથ અનુકૂળ પડે તો એનો પાંચ મિનિટ પાઠ કરો તો ઘણું છે. તમે જીવનને એન્જોય કરો; સારાં કપડાં પહેરો; બધું કરો, પરંતુ પાંચ વસ્તુમાં પહેલું સૂત્ર, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તમારા વિચાર શુદ્ધ રાખો. અગ્નિથી બચવાનો પહેલો ઉપાય. તમે કહેશો કે અમે વિચાર કરવા માગતા જ નથી છતાં પણ વિચાર આવે છે! હું જાણું છું. હવા આવે છે તો આપણે રોકી નથી શકતા, પરંતુ આપણે દરવાજો બંધ કરી શકીએ છીએ કે જેથી એટલી બધી તીવ્ર હવા ન આવે. હવા વિના, વિચાર વિના તમે બહુ અકળાઇ ઊઠો તો થોડો દરવાજો ખોલો, થોડો બંધ કરો. વિચારોને શુદ્ધ રાખો.
વેદ શું કહે છે? ‘આનો ભદ્રા ક્રતવો.’ અમને દસેય દિશાઓમાંથી શુભ વિચાર આવે. યુવાન ભાઇ-બહેનો, જીવનના મધ્યમાં પાંચ પ્રકારના અગ્નિ ક્યાંક આપણને બાળે તો શુદ્ધ વિચાર રાખવાની કોશિશ કરો, બસ, બહુ કડકડતી ઠંડી હોય તો આપણા કહેવાથી એ જશે નહીં, પરંતુ આપણે એક કંબલ ઓઢી શકીએ. થોડી જાગૃતિ સાથે પ્રયાસ કરીએ કે આપણા વિચાર શુદ્ધ રહે; શુભ રહે. કોઇ વિશે ખોટા વિચાર આવે તો ત્યારબાદ તરત પરમાત્માને પ્રાર્થના કરો કે હે પ્રભુ, આ મારા વિચાર છે. એ મારા વિચાર સાચા ન થવા દેતા. આપણા જ ખરાબ વિચાર સફળ ન થાય એવી હરિને પ્રાર્થના કરો. હું સમજુ છું, વિચારોને શુદ્ધ રાખવા બહુ મુશ્કેલ છે, પરંતુ જાગૃતિથી આપણે થોડું કરી શકીએ છીએ. વિચાર શુદ્ધ રાખો. થોડો પ્રયોગ કરવો બસ. મચ્છર આવશે; મચ્છરદાની રાખો અથવા તો તમારું શરીર એવું બનાવો કે મચ્છર કરડે જ નહીં. જેમ મચ્છર આવે છે તો આપણે ઉપાય કરીએ છીએ કે મચ્છર ન આવે, પરંતુ એ આવે છે. અસત્ય વિચાર આવે છે; દુર્બળ વિચાર આવે છે; અંધારાના વિચાર આવે છે એટલા માટે ઉપનિષદોએ કહ્યું, ‘અસતો મા સદગમય.’ અમને અસત્યમાંથી સત્ય તરફ લઇ જાઓ. ‘તમસો મા જ્યોતિર્ગમય.’ આપણે પ્રયાસ કરી શકીએ છીએ. અભ્યાસ કરવાથી ફાયદો થાય છે, એવો મહાપુરુષોનો અનુભવ છે.
બીજું, કેટલાક લોકોના વિચાર શુદ્ધ હોય છે, પરંતુ વિચાર પ્રસ્તુત કરવાની પદ્ધતિ શુદ્ધ નથી હોતી; પોતાના વિચાર પ્રસ્તુત કરવાની પદ્ધતિ કટુ હોય છે. ઘણા લોકો અંદરથી તો શુદ્ધ હોય છે, પરંતુ બોલે છે તો જાણે પથ્થર પડે છે! એટલા માટે હું યુવાનોને કહેવા માગું છું કે વિચાર શુદ્ધ રાખો અને આપણા ઉચ્ચાર, એ વિચારને પ્રસ્તુત કરવાની પદ્ધતિ પણ શુદ્ધ રાખો. આપણે કટુ સત્ય બોલીએ છીએ. શાસ્ત્ર એની મનાઇ કરે છે. ‘પ્રિયં બ્રૂયાત્. સત્યં બ્રૂયાત્. સત્યં પ્રિયં બ્રૂયાત્. સત્યં પ્રિયં હિતં ચ.’ માણસના વિચારો બહુ સારા હોય છે, પરંતુ તેની બોલી ઘણી વખત કટુ હોય છે. સત્યની પ્રસ્તુતિ મધુર હોવી જોઇએ. આપણે સિદ્ધાંત બનાવી લીધો કે અમે સાચા છીએ એટલે કડવા છીએ. એ રીતે આપણો એક બચાવ કરી લીધો! હું કટુ સત્યના પક્ષમાં નથી. ઉચ્ચાર બદલો. કર્કશ બોલીમાંથી બહાર આવો. ઉચ્ચારની શુદ્ધિ રાખો. શાંતિથી બોલવું. બોલતા પહેલાં બે વાર વિચારો.
ત્રીજું સૂત્ર છે, આહાર શુદ્ધ રાખવો. આપણું ખાવું-પીવું શુદ્ધ રહે. તમારી કંપની, તમારી સોબત સારી રહે. આજનું જે કલ્ચર છે એ મુજબ તમારી કંપની તમને કહેશે કે આ ખાવામાં શું તકલીફ છે? આખી દુનિયા ખાય છે. થાણેમાં કથા હતી ત્યારે 31 ડિસેમ્બર હતી. કોઇએ મને ચિઠ્ઠી લખી કે બાપુ, કથા સાંભળીને અમે પીતા તો નથી, પરંતુ આજે 31 ડિસેમ્બર, આખું મુંબઇ નવા વર્ષની ઉજવણી કરશે તો શું આજે 31મી ડિસેમ્બરે અમે પી શકીએ? મેં હા કહી દીધી. મેં કહ્યું, ઠીક છે. મેં વિચાર્યું કે મારા શ્રોતાએ આખું વર્ષ પીવાનું છોડી દીધું છે. વિચારો કહે છે કે, 31મીએ મહેફિલ જામશે! તો હું એને કેવી રીતે ના પાડું? જેમણે મને 364 દિવસ આપી દીધા છે એમણે એક દિવસ માગ્યો તો મેં વ્યાસપીઠ પરથી હા કહી દીધી. કોઇ બાવો આવી રીતે હા નથી કહી શકતો! અને બીજે દિવસે એણે મને કહ્યું કે બાપુ, મેં નથી પીધી! ‘ના’માં આટલી તાકાત હોય તો ‘હા’માં કેટલી તાકાત હશે? હા મજબૂત હોય છે. નકારાત્મક વિચાર આટલા બળવત્તર હોય તો હકારાત્મક વિચાર શું કમજોર હશે? પ્રેમથી મેં હા કહી દીધી, પરંતુ એણે ન પીધી. શાસ્ત્રોમાં લખ્યું છે, જેનો આહાર શુદ્ધ હોય છે એમની સત્ત્વશુદ્ધિ થાય છે; એમનું અંત:કરણ પવિત્ર થાય છે. શુદ્ધ આહાર લેવો એ નિરાહારનું તપ છે. ભૂખ્યા રહેવું એ નિરાહારનું તપ નથી. શુદ્ધ આહારનો ભોગ તુલસીપત્ર મૂકીને ઠાકોરજીને ધરાવી શકો એવું ભોજન તમે લો તો એ ભોજન તપ છે. સંસ્કૃતમાં વ્યસનનો અર્થ થાય છે મહાદુ:ખ. વ્યસન સ્વયં દુ:ખ છે. યુવાન ભાઇ-બહેનોને એક વાર આદત પડી જાય પછી એને છોડવી મુશ્કેલ છે. તમારું ચિત્ત ખરાબ થશે. આહાર શુદ્ધ હોવો જોઇએ.
ચોથું સૂત્ર છે, વ્યક્તિ-વ્યક્તિ સાથે પરસ્પર શુદ્ધ વ્યવહાર રાખો. એમાં કોઇ તિલક કરવાની, માળા ફેરવવાની કે ધ્યાન કરવાની જરૂર નથી. મિત્રો, કોઇ પણ રસ્તામાં મળે એમની સાથે આપણો વ્યવહાર શુદ્ધ રહેવો જોઇએ. પરસ્પર જે એક રીતભાત હોય છે એ પ્રેમપૂર્ણ રહે. પરસ્પર વ્યવહાર સત્ત્વપૂર્ણ અને શુદ્ધ રહે. મજાક પણ એવી ન કરો કે એમાં ક્યાંય વિકારનો સંકેત હોય. હાસ્ય-વિનોદ પણ એવા ન કરો કે જેમાં કોઇને ખરાબ લાગે.
પાંચમું અને અંતિમ સૂત્ર વિહાર સારો રાખો. આપણે ચોવીસ કલાક પરસ્પર વ્યવહારમાં નથી રહેતા. આપણે રાતે કે સૂતી વખતે અથવા તો સમય આવે ત્યારે આપણે એકલા થઇ જઇએ છીએ. આપણે એકલા થવું જોઇએ. વિહાર એકલા થવો જોઇએ; વ્યવહાર પરસ્પર હોય છે. બની શકે તો આહાર સમૂહમાં કરો. સૌનું શુભ થાય એવા ઉચ્ચાર કરો અને વિચારો ‘સર્વે ભવન્તુ સુખિન:.’ વિહાર આપણું એકાંત. કસોટી તો એકાંતમાં થાય છે. વિચાર શુદ્ધ હોય; સમ્યક હોય. નાચો, ગાઓ, ઝૂમો. હું બધી છૂટ આપું છું. સારાં કપડાં પહેરો યાર! હિન્દુસ્તાનમાં જન્મ્યા છો. તો ખૂબ મોજ કરો. સારાં કપડાં પહેરો. પરંતુ એવાં કપડાં પહેરો કે જેનાથી તમારી વૃત્તિનો પરિચય થાય. વસ્ત્ર વૃત્તિનું એડ્રેસ છે. ઉચ્ચાર સારા રાખો; આહાર સારો રાખો; પરસ્પર વ્યવહાર સારો રાખો; વ્યક્તિગત વિહાર સારો રાખો. અગ્નિ પચી જશે.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

x
રદ કરો

કલમ

TOP