માનસ દર્શન- મોરારિબાપુ / પ્રેમયાત્રામાં અસુર જ નહીં, દૈવી તત્ત્વ પણ બાધક બને

article by moraribapu

Divyabhaskar.com

Dec 23, 2019, 12:42 PM IST
માનસ દર્શન- મોરારિબાપુ
ભરતજી પ્રેમાવતાર છે અને પ્રેમના ચરિત્રને સાંભળવા માટે સાવધાન થવું બહુ જરૂરી છે. ભરતજી આખી અયોધ્યાને લઇને ચિત્રકૂટ જાય છે. ચિત્રકૂટની યાત્રામાં પાંચ પડાવ એવા આવે છે, જ્યાં એક પરમ પ્રેમની કસોટી થાય છે. પ્રેમ એવી મંજિલ છે, એની યાત્રા કરવામાં પાંચ-પાંચ ખતરા આવે છે. પાંચ બાધા ચિત્રકૂટની યાત્રામાં આવી, જે પ્રત્યેક સાધકના જીવનની ઘટના છે. ભરતજી આખી અયોધ્યાને લઇને નીકળ્યા છે. પ્રેમની દશામાં પહેલું વિઘ્ન એ આવ્યું, શૃંગબેરપુર સુધી ભરતનો સંઘ પહોંચ્યો ત્યારે સૌથી પહેલી મુશ્કેલી એ આવી કે નિષાદ ભરત વિશે ગેરસમજ કરવા લાગ્યો. એને થયું કે આખરે એ કૈકેયીનો દીકરો છે. ભરત માટે થઇને રામને વનમાં જવું પડ્યું છે અને આ ભરત કદાચ નિષ્કંટક રાજ્ય કરવા માટે નીકળ્યો છે. એના મનમાં એની ગેરસમજ પેદા થઇ અને જ્યારે ભરતના સ્વભાવથી પરિચિત થયો ત્યારે પેલો વિરોધ શમી ગયો અને બધા ભરતને આવકાર આપવા લાગ્યા. જે પરમ પ્રેમની યાત્રા કરે છે એને પહેલું વિઘ્ન એ આવે છે કે રસ્તામાં આવતો સમાજ એના વિશે ગેરસમજ કરશે. મીરાં પ્રેમમાર્ગમાં ચાલી એટલે જ્યાં-જ્યાં ગઇ ત્યાં લોકોએ ગેરસમજ પેદા કરી. સમાજ ગેરસમજ કરશે, એનું તો કામ જ એ છે!
પ્રેમપંથનું બીજું વિઘ્ન પણ ત્યાં આવ્યું. બધાં યાત્રામાં ચાલવા લાગ્યા ત્યારે ભરતજીએ નિર્ણય કર્યો કે રામ-લક્ષ્મણ-જાનકી વનમાં ઉઘાડા પગે પદયાત્રા કરી રહ્યાં છે અને હું રથમાં યાત્રા કરું એ બરાબર ન કહેવાય. ભરતે મનમાં નક્કી કરી લીધું હતું કે ભગવાન ચાલીને ગયા છે તો હું પણ પદત્રાણ વિના એમ જ જઇશ. એવું એણે મનમાં વ્રત લીધું હતું. પછી વાત ફેલાઇ ગઇ. કૌશલ્યા આદિ માતાઓ ડોલીમાં બેઠી હતી ત્યાં વાત પહોંચી કે મા, ભરત રથમાંથી ઊતરી ચાલી રહ્યા છે અને આખી અયોધ્યાના લોકો પણ મર્યાદા અને આદરને કારણે નીચે ઊતરીને ચાલી રહ્યા છે. એ જાણીને ડોલીનો પરદો હટાવીને માએ ભરતના માથા પર હાથ મૂકીને કહ્યું કે ભરત, તારા મનની સ્થિતિ હું સમજુ છું કે રામ પગે ચાલે છે તો તને રથમાં બેસવાનું મંજૂર નથી. પ્રેમની એ સ્થિતિ હું જાણું છું. તું રથમાંથી નીચે ઊતરી ગયો તો આખી અયોધ્યા નીચે ઊતરી ગઇ. આપણી જવાબદારી છે અને વચ્ચે કોઇ બીમાર થાય કે કોઇને કંઇ થાય! એ સાંભળીને ભરત રથમાં બેસી ગયા. જ્યારે પરમ તત્ત્વને પામવા માટે કોઇ વ્રત ધારણ કરે છે તો એ વ્રતમાં બાધા આવવા લાગે છે. જ્યાં સુધી એ વ્રતની કોઇને જાણ ન હોય ત્યાં સુધી બાધા નથી આવતી.
ભરતજી ગંગાપાર કરીને આગળ ગયા. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પ્રયાગમાં આવ્યા. ભરતના સ્વાગતમાં રિદ્ધિ-સિદ્ધિએ ગંગાના તટ પર સ્વર્ગમાં પણ ન હોય એટલી વ્યવસ્થા કરી. જેની જેવી રુચિ હતી એવા ભોગ ભોગવવામાં બધા પ્રવૃત્ત થઇ ગયા. ભરતજી એનાથી અલિપ્ત રહ્યા. બાકી બીજા બધા એમાં ડૂબ્યા! પ્રેમની અવસ્થાના સાધકની યાત્રાનો એ ત્રીજો કસોટીકાળ છે કે કોઇ સાધુ કસોટી કરે છે. કોઇ પહોંચેલા બુદ્ધપુરુષ આપણી કસોટી કરે છે. માણસ ધીરે ધીરે સાધનાના પથ પર જશે તો સમૃદ્ધિઓ બહુ આવશે, પરંતુ એમાંથી જે સાધક બચી જશે એ ચિત્રકૂટ સુધી પહોંચી શકે છે. મારી સમજ મુજબ આ સમૃદ્ધિ-સુવિધાઓ ત્રીજી કસોટી છે. પછી ત્યાંથી યાત્રા આગળ વધે છે. દેવતાઓને ચિંતા થઇ કે આ ભરત તો રામ પાસે જઇને જરૂર રામને મનાવીને પાછા ફરશે અને જો રામ અયોધ્યા આવશે તો આપણી યોજના નિષ્ફળ નીવડશે! હવે કોઇ એવું વિઘ્ન નાખીએ કે ભરત અને રામની મુલાકાત જ ન થાય. જોકે, એમાં દેવતાઓ અસફળ રહ્યા, પરંતુ એ ઘટનાને મારો ઘાટ દૈવી તત્ત્વો દ્વારા નખાતા વિઘ્ન તરીકે ઓળખાવે છે. સાધનામાં દૈવી તત્ત્વોનાં પણ વિઘ્ન આવે છે. આપણી પ્રેમયાત્રામાં અસુર જ નહીં, દૈવી તત્ત્વ પણ બાધક બને છે. બૃહસ્પતિના સમજાવવાથી ઇન્દ્ર થંભી જાય છે અને ભરતજી એ કસોટીમાંથી પણ પાર ઊતરી જાય છે.
ચિત્રકૂટની નજીક ભરતજી આવે છે. હજારો લોકો સાથે છે. સવારનો સમય છે. ભગવાન રામ પોતાનું નિત્ય કર્મ પૂરું કરીને બેઠા છે. ભગવાન ઉત્તર દિશા તરફ જુએ છે તો લાગે છે કે આજે ઉત્તર દિશા તરફ કંઇક ઊહાપોહ છે! આટલો કોલાહલ કેમ થઇ રહ્યો છે? એવું વિચારે છે એટલામાં કોલ, કિરાત, ભીલ બધા દોડતાં દોડતાં આવે છે અને કહે છે, અયોધ્યાથી રાજકુમાર ભરત અને શત્રુઘ્ન આખી અયોધ્યાને લઇને ચિત્રકૂટ આવે છે. અત્યંત સુમંગલ વેણ રામે જ્યારે સાંભળ્યાં ત્યારે રામનું મન પ્રસન્ન થઇ ગયું. આંખોમાં આંસુ આવી ગયાં, પરંતુ બીજી જ ક્ષણે ભગવાન રામ વિચારવા લાગ્યા, ચિંતિત થઇ ગયા! ભરતના આગમનનું કારણ શું હશે? ભગવાનને થયું કે ભરત તો આવે છે, પરંતુ આખી સેના! ભગવાનના હૃદયને કંઇક ઠેસ લાગી છે એવું લક્ષ્મણજીને પ્રતીત થયું અને નીતિવિચારની ઉદ્્ઘોષણા કરવા લાગે છે, ‘ભગવન્, આપની આજ્ઞા લીધા વિના હું ક્યારેય બોલતો નથી. આજે આપને પૂછ્યા વિના હું બોલી રહ્યો છું. મહારાજ, વિષની વેલને ક્યારેય અમૃતનું ફળ નથી લાગતું. કૈકેયીના ઉદરમાંથી જન્મેલા ભરતમાં સદ્્ભાવ ન હોઇ શકે! ભરતે આપણા ઉપર ઓછા અત્યાચાર નથી કર્યા! આપણે અવધ છોડી દીધું. અહીં આવીને રહ્યા તો અહીં પણ ચેન લેવા નથી દેતો!’ રામ પ્રત્યેના અત્યંત સમર્પણને કારણે આવેલી આ જડતા છે. અત્યંત પ્રેમમાં જડતા અાવે જ છે. લક્ષ્મણ બહુ બોલે છે! કહે છે, બંને ભાઇઓને હું મૃત્યુદંડ આપીશ! એનામાં એક આવેશ છે.
ભગવાને લક્ષ્મણનો હાથ પકડ્યો, ‘લક્ષ્મણ, રાજમદ આવ્યા વિના નથી રહેતો, પરંતુ ભરત એક એવો પ્રેમી છે કે જેને રાજમદ આવી શકતો નથી. લક્ષ્મણ, મને તારા સોગંદ અને આપણા સ્વર્ગીય પિતાની આણ, ત્રિભુવનમાં ભરત સમાન કોઇ પવિત્ર ભાઇ નથી.’ પ્રભુનું પ્રમાણપત્ર મળી ગયું. લક્ષ્મણ સમજી ગયા. પ્રભુના પગ પકડ્યા, ‘મારી ભૂલ થઇ ગઇ!’
અસહ્ય પ્રેમની અવસ્થાવાળા માણસ જ્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે યાત્રા કરે છે તો પાંચ વિઘ્ન આવે છે. વ્રતભંગ થાય; વચ્ચે આવતો સમાજ ગેરસમજ કરે; મહાત્માઓ કસોટી કરે; દેવતાઓ કસોટી કરે, પરંતુ ત્યારે સમજવું કે ચિત્રકૂટ બહુ નિકટ આવી રહ્યું છે અને જ્યારે પરિવારનો જ કોઇ સભ્ય તમારી હત્યા કરવાનું એલાન કરે ત્યારે સમજવું કે ચિત્રકૂટ સાવ નિકટ છે, કેમ કે ઘણીવાર પ્રેમીઓને નિકટના લોકો જ મારવા માટે તૈયાર થાય છે! જિસસને હિન્દુઓએ અહીંથી જઇને શૂળી પર ચડાવ્યા છે! સોક્રેટિસને ઝેર પિવડાવવા માટે ભારતથી કોઇ ગયું હતું? અથવા તો મીરાંને ઝેર આપવા માટે કોઇ અમેરિકાથી આવ્યું હતું? આપણા લોકો જ ઝેર પિવડાવે છે! ગાંધીને ગોળી કોણે મારી? કોઇ અમેરિકને આવીને મારી? આપણાવાળા, નિજી જ જ્યારે પ્રહાર કરે ત્યારે ‘હે રામ!’ બહુ નિકટ હોય છે. અત્યંત પ્રેમપથિક માટે પાંચમું વિઘ્ન એ છે કે નિકટની વ્યક્તિ જ હત્યા સુધી પહોંચશે! પરંતુ અત્યંત પ્રેમની અવસ્થા એક લેવલવાળી હોય, લેબલવાળી ન હોય તો સમજવું, રામ સ્વયં ઊભા થઇને નિર્દોષ જાહેર કરશે.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]
X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી