Back કથા સરિતા
મોરારિ બાપુ

મોરારિ બાપુ

ધર્મ, સમાજ (પ્રકરણ - 32)
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

‘શ્રીમદ્્ભગવદ્્ગીતા’ સર્જક, રક્ષક, પોષક અને સેવક છે

  • પ્રકાશન તારીખ09 Dec 2019
  •  
માનસ દર્શન- મોરારિબાપુ
ભગવાન વેદ, ‘શ્રીમદ ભગવદ્્ગીતા’, ‘રામચરિતમાનસ’; મારી વ્યક્તિગત આસ્થાના સંદર્ભમાં કહું છું કે ‘વેદ’ એ મારા માટે પૂજ્ય છે. તેની પૂજા કરી લઇએ તો પર્યાપ્ત છે. અમારા તલગાજરડામાં પણ ભગવાન વેદ બિરાજે છે. બ્રહ્મલીન સ્વામી ગંગેશ્વરાનંદજી દ્વારા સ્થાપિત છે. વર્ષમાં એક વાર તેનું પારાયણ પણ થાય છે. હું રોજ તલગાજરડાના રામજી મંદિરમાં દર્શન કરવા જાઉં ત્યારે ભગવાન વેદને પગે લાગું. મારી દૃષ્ટિએ તે પૂજ્ય છે. ‘શ્રીમદ ભગવદ્્ગીતા’ એ મારી આસ્થા પ્રમાણે મારા માટે દિવ્ય છે. ‘રામચરિતમાનસ’ મારા માટે સેવ્ય છે, જેનું નિરંતર હું સેવન કરું છું. આ દિવ્ય ગ્રંથ ‘ભગવદ્્ગીતા’ વિશે શું કહેવું? કદાચ કાંઇક કહીએ તો પણ દિવ્યતાને આપણે ન્યાય આપી શકીએ નહીં, પણ છતાંય ‘તદપિ કહે બિનુ રહા ન કોઇ.’ કોઇ કહ્યા વગર રહેતું નથી. સમયે-સમયે આ જગતને ચાર વસ્તુની જરૂર પડે છે. એક, આ જગત એક સર્જક માગે છે. માગ છે જગતની કે અમને કોઇ સર્જક મળો, કોઇ સૃષ્ટા મળો. બીજું, આ જગતને કોઇ રક્ષકની જરૂર છે. ત્રીજું, સર્જન થયેલું જગત, રક્ષાયેલું જગત એને કોઇ પોષકની જરૂર છે, જેને કોઇ સીંચે અને ચોથું, આ જગતને કોઇ સેવકની જરૂર છે.
‘ગીતા’નો ગાનારો આ ચારેયમાં પરિપૂર્ણ સફળ નીકળ્યો છે. તે સર્જક છે. આનો સર્જક કોણ? દેખાતો નથી, એનો મતલબ એમ નથી કે નથી. દેખાતો એટલા માટે નથી કે તેને દેખાવું નથી. એ કરુણા કરે તો દેખાય. ‘સો જાનહિ સોઇ દેહુ જનાઇ.’ પણ તેને કદાચ દેખાવું નથી, પણ કેવળ સર્જક મળે તેટલું જ નહીં; આ જગતની બીજી જરૂર છે, રક્ષક મળે. મૂલ્યોનું રક્ષણ કરનારો મને ને તમને મળતો નથી. સંસ્થાઓના પદાધિકારીઓ મળે છે, સદાધિકારીઓ નથી મળતા અને રાષ્ટ્ર ઝંખે છે સદાધિકારીઓ. પદાધિકારી થવા માટે હોડ થાય છે, નેટવર્ક ગોઠવાય છે! કેમ કોઇ સદાધિકારી થવા ફોર્મ નથી ભરતું? કારણ કે માર્ગ કઠિન છે. રક્ષકની જરૂર છે અને કૃષ્ણએ આ કામ પૂરું કર્યું. તે ભલે એમ કહે કે, ‘પરિત્રાણાય સાધૂનાં’, પણ તેની આંખમાં સાધુ-અસાધુનો ભેદ ન હોય. તે રક્ષક છે, પરિત્રાણ કરનારો છે. જગતને પોષકની જરૂર છે. ‘યોગ: ક્ષેમં વહામ્યહમ્’. કૃષ્ણએ પોષકપણું પૂર્ણ કર્યું. અર્જુનનો રથ હાંકીને, યજ્ઞમાં એઠાં પાત્રો ઉપાડીને તેણે સેવકપણું પણ સિદ્ધ કર્યું. આવી પરમ ચેતનાની વિશ્વને વારંવાર ભૂખ છે, તેની માંગ છે અને મળતી રહી છે.
‘ગીતા’ના સ્વાધ્યાયમાં મારી આસ્થાના સંદર્ભે જોઉં તો, ‘ભગવદ્્ગીતા’ સ્વયં ચારેચાર વસ્તુ પૂરી કરે છે. અમારા દાદા વિષ્ણુ દેવાનંદગિરિજી મારા સદ્્ગુરુ ભગવાનના નાના ભાઇ, વિષ્ણુદાસ હરિયાણી, તે ઋષિકેશ ગયા; પછી મહામંડલેશ્વરપદ; વેદાંતની તેમની યાત્રા હતી, પરંતુ તેમણે જે પોસ્ટકાર્ડ લખેલું તે અમે સાચવી રાખ્યું છે. તેમાં તેમણે કહેલું કે ‘રામચરિતમાનસ’ તો આપણી કુળપરંપરા છે જ, પણ છોકરાઓને કહેજો કે ‘ગીતા’નું પઠન કરે. ‘ગીતા’ સર્જન કરે છે, આપણું રક્ષણ કરે છે. ‘માનસ’ની ચોપાઇ છે- ‘કવચ અભેદ બિપ્ર ગુરુપૂજા. એહિ સમ બિષય ઉપાય ન દૂજા.’ બે જણને તુલસીદાસજીએ રક્ષક કહ્યા છે. એક વિપ્ર અને બીજા ગુરુ. કવચ આપણે ધારણ કરીએ, પણ તે ભેદી શકાય એવું હોય તો કોઇ પણ ભેદી નાખે. કવચ અભેદ્ય હોવું જોઇએ. મારો અનુભવ કહું તો ‘ભગવદ્્ગીતા’ એ મારું કવચ છે. અને ‘રામચરિતમાનસ’ એ મારું અભેદ્ય કવચ છે.
‘ગીતા’ રક્ષક છે. ‘ગીતા’ પોષક છે. જો ‘ગીતા’ને આપણે મા કહેતા હોઇએ, ‘ગીતામૈયા’ કહેતા હોઇએ તો મા જેવું બીજું પોષકતત્ત્વ કોણ? ‘ગીતા’ની આપણે શું સેવા કરીએ? ‘ગીતા’ આપણી સેવા કરે. વધીવધીને આપણે ભાષ્યો કરીએ, વ્યાખ્યાઓ કરીએ. તેની સેવા શું કરીએ? ‘ગીતા’એ જગતની સેવા કરી છે.
સમગ્ર ‘મહાભારત’ના કેન્દ્રમાં જે છે અને જેમણે ‘ગીતા’ ઉતારી અને આપણી સામે ‘મહાભારત’ અંતર્ગત મૂકીને તે વ્યાસ પણ ચતુર્લક્ષણી વ્યાસ છે. વ્યાસ સર્જક છે. ‘નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે.’ વ્યાસ જેવા સર્જક કોણ? અદ્્ભુત સર્જક છે! જેનું સર્જન રમણીય, દર્શનીય, અનુસરણીય હોય તે સર્જનને નીતિકારો ઉત્તમ કહે છે. તમે કાંઇ પણ લીટા દોરો તો સર્જન તો થયું છે, પણ રમણીય નથી, પરંતુ અહીં નકામું કાંઇ નથી. આમાંથી સાર્થક હોય તે શોધવાનું. જેમ તમે બાજરો નાખો, જુવાર નાખો, ચોખા નાખો અને પક્ષીઓ આવે અને એને જે ગમે તે ચણી લે, તેમ આ જગતમાં પરમાત્માએ બહુ ચણ નાખ્યું છે, તેમાંથી આપણે સુખની ક્ષણો ગોતી લેવાની છે. બાકી તો બધું ભેળાઇ ગયું છે. કાં તો કીડી બનીને, કાં તો કબૂતર બનીને લઇ લઇએ.
તો ભગવાન વ્યાસ સર્જક છે, રક્ષક છે. વ્યાસપીઠ માટે તો રક્ષક વ્યાસ જ છે. વ્યાસપીઠની જગ્યાએ કોઇ કહે વાલ્મીકિપીઠ, કોઇ કહે તુલસીપીઠ, કોઇ કહે પાદુકાપીઠ. ‘વ્યાસપીઠ’ શબ્દ તમને ઓછો પડે છે કે તમારે બીજાં નામ રાખવાં પડે છે? હું હંમેશાં ‘વ્યાસપીઠ’ જ બોલું. ‘વ્યાસપીઠ’ શબ્દ પર્યાપ્ત છે. અમારે એક વ્યક્તિએ કહ્યું કે આ વ્યાસપીઠ નથી, પણ ‘ચરણપીઠ’ છે, પણ કોની ચરણપીઠ છે આ? વ્યાસ આપણા રક્ષક છે. મને બહુ લોકો પૂછે કે બાપુ, આપ વ્યાસપીઠને પરિક્રમા કરો છો. મારી આંખોએ નથી જોયું કે વ્યાસપીઠને પરિક્રમા કરીને કોઇ વ્યાસપીઠ ઉપર બેસતું હોય. મહાપુરુષો આવીને સીધા બેસી જતા હતા; પ્રણામ કરીને બસતા હતાં, પણ હું પરિક્રમા ન કરું ત્યાં સુધી મને સંતોષ ન થાય.
આપણી ચારેબાજુ વ્યાસ ફરે છે. તે આપણો પોષક છે અને વ્યાસ જેવી સેવકાઇ કોની? આ માણસ ‘મહાભારત’માં કેટલું ફરતો રહ્યો છે! જ્યાં જરૂર પડે ત્યાં વ્યાસ ઊભો થાય. ‘સંભવામિ યુગેયુગે’ નહીં, પણ જરૂર પડી ત્યારે વ્યાસ ‘સંભવામિ ક્ષણેક્ષણે’ ઊભા છે. તે જેવી-તેવી સેવકાઇ નથી.
તો ભગવાન કૃષ્ણ, ‘શ્રીમદ ભગવદ્્ગીતા’, ભગવાન વ્યાસ નારાયણ, તેમણે ચારેય વસ્તુ પૂરી કરી અને ચોથું, ધજામાં બેસીને ‘ગીતા’ સાંભળી તે મારો હનુમાન. મંગલકાર્ય અગ્નિની સાક્ષીએ થાય, પણ ‘ગીતા’ અગ્નિની સાક્ષીએ નથી ગવાઇ, વાયુની સાક્ષીએ ગવાઇ છે. અગ્નિ એટલો સાર્વત્રિક નથી. જેટલો પવન છે. અગ્નિને આપણે પાત્રમાં લઇ લેવો પડે છે. તેનું સ્થાપન કરવું પડે છે અથવા જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ વિધિથી તેને પ્રગટ કરવો પડે છે. વાયુ ચારેબાજુ છે અને તે વાયુની સાક્ષીએ ‘ગીતા’નું ગાયન થયું છે. હનુમાન એવો રક્ષક છે કે-
ભૂત પિશાચ નિકટ નહીં આવે,
મહાબીર જબ નામ સુનાવે.
તો શ્રી હનુમાનજી સર્જક છે, રક્ષક છે, પોષક છે. જો ન હોય તો શ્વાસ ન લઇ શકાય. આપણે જીવી ન શકીએ. તો હનુમાનજી વાયુરૂપે આપણા પોષક છે. હનુમાનજી સેવક છે. તો કૃષ્ણ ચારેય વસ્તુને પૂર્ણાવતાર પૂર્ણ કરીને આપણા પ્રદેશથી વિદાય થયા. ‘ભગવદ્્ગીતા’ આપણી પાસે છે. વિગ્રહરૂપે કૃષ્ણ નથી અને ‘ભગવદ્્ગીતા’ તેની વાણીના રૂપે ચારેય પ્રકારે આપણું જતન કરે છે. ભવાન વ્યાસ પણ ચારેય રીતે આપણા માટે છે અને હનુમાન ચારેય રીતે આપણા માટે છે. (સંકલન : નીતિન વડગામા)
[email protected]
x
રદ કરો

કલમ

TOP