Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 23)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

‘અલ ફાતિહા’ની આયાતનું કાવ્ય રૂપાંતર

  • પ્રકાશન તારીખ17 Oct 2019
  •  
રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇ
એ દિવસે સવારે મારા ઘરનો ડોરબેલ વાગ્યો. મેં ‘કમ ઇન’ કહ્યું અને એક વ્યક્તિ રૂમમાં પ્રવેશી. સાધારણ પેન્ટ-શર્ટ, પગમાં ચંપલ, હાથમાં કપડાંની થેલી, ચહેરા પર સ્મિત અને ભાલ પર સુંદર લાલ તિલક સાથે એ વ્યક્તિ મારી સામે આવી ઊભી રહી.
મેં તેમના તરફ નજર કરી પૂછ્યું, ‘બોલો સાહેબ, આપને મારું શું કામ છે?’
તે વ્યક્તિએ ઊભાં-ઊભાં જ એક કાગળ મારી તરફ ધરતાં કહ્યું, ‘મારું નામ પ્રહ્્લાદભાઈ કે. મહેતા છે. હું ભાવનગર જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લર્ક હતો. હાલ નિવૃત્ત છું. મેં કુરાન-એ-શરીફની પ્રથમ આયાત ‘અલ્હમ્દો’નું કાવ્યાત્મક રૂપાંતર કર્યું છે. તે આપને બતાવવા આવ્યો છું’.
એક હિંદુ કુરાને શરીફની આયાતનું કાવ્યાત્મક રૂપાંતર કરે એ વાત જ તંદુરસ્ત સમાજનું ઉમદા લક્ષણ છે.
કુરાન-એ-શરીફમાં ‘અલ્હામ્દો’ની આયાત સૌ પ્રથમ છે. તેને ‘અલ ફાતિહા’ તરીકે ઓળખવામાં આવેલ છે.
હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)એ ‘અલ ફાતિહા’ આયાતને ‘ઉમ્મુલ કુરાન’ અર્થાત્ ‘કુરાનની મા’તરીકે ઓળખાવે છે. આ આયાતની વિશિષ્ટતા એ છે કે તેમાં માત્ર ખુદાની તારીફ અને તેને શરણે જવાની બંદાની તત્પરતાની દુઆ જ છે. તેમાં ક્યાંય ધર્મના ભેદ નથી. ઇબાદતની ભિન્નતાની વાત નથી. બસ, માત્ર ઈશ્વર-ખુદાના શરણે જવાની અને સત્યના માર્ગે ચાલવાની પ્રાર્થના જ છે. એ આયાત અરેબિકમાં આ પ્રમાણે છે:
‘બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર રહીમ,
અલ્હામ્દો લીલ્લાહે રબ્બીલ આલમીન,
અર્ રહેમાન નિર રહીમ,
માલિકી યૈમૂદ્દીન ઇયાકા ન બુદો,
વ્ઇયકા નસ્તઇન
અહેદનલ સીરતાલ મુસ્તકીમ, સીરતાલ લઝીમ
અન અમતા અલે હિમ ,
ગયરીલ મગદુબી અલેહીમ
વલ્દ્દાઆલીમ – આમીન’
આ આયાતનું ગુજરાતી ભાષાંતર થાય છે: ‘સૌ પ્રથમ અલ્લાહનું નામ લઉં છું, જે પરમ કૃપાળુ અને મહેરબાન છે. દરેક તારીફ માત્ર અલ્લાહની જ છે. તે જ વિશ્વનો પાલનહાર અને ઉદ્ધારક છે. તે જ પરમ કૃપાળુ અને દયાવાન છે. તે જ અંતિમ દિવસનો માલિક છે. અમે માત્રને માત્ર તારી જ ઈબાદત કરીએ છીએ. તારી પાસે જ મદદની યાચના કરીએ છીએ. અમને તું નેક માર્ગ પર ચલાવજે, એવા માર્ગ પર કે જેના કારણે અમારા પર તારી કૃપાદૃષ્ટિ ઊતરે. એવા માર્ગ પર કયારેય ન ચલાવીશ કે જ્યાં તારી અપ્રસન્નતા-નારાજગી હોય-આમીન.’
આ આયાતનું કાવ્ય રૂપાંતર એક હિંદુ પ્રહ્્લાદભાઈ મહેતા શ્રદ્ધાપૂર્વક કરે અને એક મુસ્લિમને તે બતાવવા ઘર શોધતાં-શોધતાં પ્રભાતના સમયે આવે, એ ઘટના મને સાચે જ સ્પર્શી ગઈ.
મેં પ્રહ્્લાદભાઈને પૂછ્યું, ‘કુરાને શરીફની આયાતનું કાવ્ય રૂપાંતર કરવાની ઈચ્છા આપને કેમ થઈ?’
‘ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં મેં આ આયાત જોઈ અને મને ઇચ્છા થઈ આવી કે આ આયાતનું કાવ્ય રૂપાંતર કરીએ તો કેમ? એટલે મેં પ્રથમ તેનું ગુજરાતી કર્યું. પછી તેનું કાવ્ય રૂપાંતર કર્યું. તે બરાબર થયું છે કે નહીં તે આપ જોઈ આપો એવી
વિનંતી છે.’
મેં એ કાવ્ય રૂપાંતર પર નજર કરી. પ્રહ્્લાદભાઈએ કરેલ કાવ્ય રૂપાંતર સરળ અને અર્થસભર હતું.
‘સબસે પહલે લેતા હૂં અલ્લાહ કા નામ,
જો હૈ નિહાયત રહમવાલા ઔર હૈ મેહરબાન.
કરતા હૂં ઈબાદત ઉસ પરવરદિગાર કી,
હર તરહ કી બંદગી હોતી હૈ ઉસી કે નામ કી.
વો હૈ સારે જહાં કા પાલનહાર,
કયામત કે દિન વોહી હૈ તારણહાર.
માંગે તો કિસકી માંગે મદદ ઇસ જહાન મેં,
કરતે હૈ ઈબાદત, મદદ મિલે તેરી પરવરદિગાર.
હમેં સીધી રાહ પર લે ચલો, ખુદાજાન,
જિસ રાહ પ ચલે હૈ તેરે કૃપાનિધાન.
હમે વહાં ન લે જાના, જહાઁ જાનેવાલોં પર,
તુમ હો નારાજ, ઔર ભૂલે હમ અપની શાન.’
‘સામી’ના તખ્ખલુસથી લખતા પ્રહ્્લાદભાઈ મહેતાનો ‘અલ ફાતિહા’નો કાવ્યાત્મક અનુવાદ ભલે શુદ્ધ કાવ્યાત્મક ન હોય, પણ શુદ્ધ ભાવનાત્મક જરૂર છે. કોમી એખલાસની શુદ્ધ ભાવના તેના એક-એક શબ્દમાંથી નીતરે
છે. જે આપણી બિનસાંપ્રદાયિકતાનું આદર્શ પ્રતીક છે.
www.mehboobdesai.blogspot.com
x
રદ કરો

કલમ

TOP