વુમનોલોજી- મેઘા જોશી / વિકલાંગતામાં ક્ષમતા : ક્ષતિથી શક્તિ સુધીની સફર

article by megha josi

Divyabhaskar.com

Dec 03, 2019, 03:22 PM IST
વુમનોલોજી- મેઘા જોશી
મોટું માથું, એકવડિયા બાંધાનું ધડ અને બંને બાજુ જાણે દોરડા લટકતા હોય તેવા હાથ અને બસ, કરોડરજ્જુ પૂરી થયા બાદ શરીર પૂરું. નીચલો હોઠ રીતસર લટકતો હોય અને એમાંથી એક મિનિટની ત્રણ વાર લાળ પડતી હોય, આંખ, કાન, નાક, હાથ, પગ બધું દેખીતી રીતે હોવા છતાં માણસ જેવા લાગે, પણ આકાર કંઇક અલગ લાગે. માથા પર કાનને બદલે બે બટન જાણે ચોંટાડ્યાં હોય અથવા બંને પગ ઘૂંટણેથી અટકી ગયા હોય અથવા હાથ હોય, પણ હથેળી કે આંગળી ન હોય એવી કોઈ પણ વ્યક્તિને જોઇને શું થાય? જો એમની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય અને ભીખ માંગીને ગુજરાન ચલાવતા હોય તો પાકીટમાં છુટ્ટા સિક્કા શોધીએ છીએ, જો એવી કોઈ વ્યક્તિ પોતાની અક્ષમતાને સ્વીકારીને વ્યવસાય કરતી હોય, ખુદનું કામ જાતે કરતી હોય, સારા ચિત્રો દોરે કે કમ્પ્યુટર પર કામ કરતી હોય તો આપણે ખુશ થઈને એના ફોટા પાડીએ કે લખીએ. આથી વિશેષ બીજું શું થઇ શકે? સામાન્ય માનવ શરીરના કામ કરતા હોય એવા અંગોમાંથી કોઈ એક કે તેથી વધુ અંગનું ન હોવું, અકસ્માતમાં કપાઈ જાય કે પછી બીમારીને કારણે મંદ થઇ જાય એ આપણી સંવેદના માટે એટલી સાહજિક ઘટનાઓ થઇ ગઈ છે કે પળ-બે પળ અરેરાટી, દુ:ખ, દયા અને ક્યારેક ઘૃણાના ભાવ આપીને આપણે ફરી આપણા રોજિંદા જીવનમાં ગોઠવાઈ
જઈએ છીએ.
એક સરેરાશ ભારતીયને વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશિપ ડે કે મધર ડે, વુમન ડે વિશે પૂછીએ તો નિયત કરેલ તારીખ અથવા વાર ફટાફટ બોલી શકે, પરંતુ જો વિકલાંગ વ્યક્તિઓ માટેના ‘વિશ્વ ઉજવણી દિવસ’ કે જાગરૂકતા દિવસની તારીખ પૂછીએ, તો ગૂગલમ શરણમ ગચ્છામિ જ થાય. પ્રતિ વર્ષ ત્રીજી ડિસેમ્બરે યુનાઈટેડ નેશન દ્વારા વિશ્વ કક્ષાએ વિકલાંગતા દિવસ નક્કી કર્યો છે, જેમાં દર વર્ષે અલગ-અલગ વિષયવસ્તુ સાથે કાર્યક્રમ અને પ્રોજેક્ટના આયોજન થાય છે. આ વર્ષે ‘દરેક કાર્યમાં સહભાગીદારી અને સમાન તક’ મુખ્ય વિષય છે. વિકલાંગતા દિવસ માટે મુખ્ય હેતુ સમાજના આ નબળા ગણાતા વર્ગને પૂર્ણ માનવ અધિકાર મળે અને એમની અક્ષમતા સાથે સમાજના બાકીના લોકોની ક્ષમતા ભળે તો એમનું જીવન વધુ સામાન્ય બની શકે. રાષ્ટ્રમાં સરકાર અને સમાજસેવી સંસ્થાઓના ઘણા પ્રોજેક્ટ વિકલાંગતા ધરાવતા બાળકો અને વ્યક્તિઓ માટે ચાલે છે, પરંતુ હજી વિકલાંગતા ‘દયા’ અને ‘દાન’ સુધી સીમિત રહી છે. વિશ્વની કુલ વસ્તીમાંથી અંદાજે પંદર ટકા લોકો અલગ અલગ પ્રકારની વિકલાંગતા ધરાવે છે. દરેકની સમસ્યા, અક્ષમતા ભિન્ન છે. શારીરિક પંગુતા ધરાવતી વ્યક્તિ માટે કોઈ પણ જાહેર સ્થળે વિશેષ જોગવાઈ હોય તે આપણી અપેક્ષા છે, પણ એ સાથે આપણી વિશેષ ફરજનું શું?
સરકાર શિક્ષણ કે વ્યવસાયમાં વિશેષ જોગવાઈ આપે તે બરાબર, પણ કુલ વિકલાંગ વ્યક્તિઓની સંખ્યા અને એમને મળતા અધિકારના સમીકરણો હજી સફળ નથી થયા. ધારો કે, કોઈ એક-બે અંગની અક્ષમતા હોય એવી કોઈ પણ વ્યક્તિ તમારી આસપાસ છે. તો તમે શું કરી શકો? ના, પ્લીઝ. દયા ખાઈને એને જરૂર ન હોય એવી કોઈ મદદ ન કરતા. નિયમિત ફિઝિયોથેરાપી કે અન્ય કોઈ પણ સારવાર, નિયમિત બહાર જવા માટેની સવલત કે એમના ઘરની દૈનિક જરૂરિયાત મુજબનું શોપિંગ કે જો તે ભણતાં હોય તો એમના માટે શૈક્ષણિક સાધનો અથવા રાઈટરની વ્યવસ્થા જેવા ઘણા નાનાં-મોટા કામ છે. જે આપણે સહેલાઈથી કરી શકીએ. કોઈ એક કે તેથી વધુ અંગની નબળાઈને કારણે આખો ને આખો માણસ નકામો ન થાય. એની પાસે જે કંઈ ક્ષમતા છે. એમાં બસ, થોડી મદદ કરી એનાં સપના પૂરા કરવામાં ભાગીદારી કરીશું તો વિકલાંગતા દિવસનો ખરો અર્થ મળશે.
X
article by megha josi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી