કાવ્યસેતુ- લતા હિરાણી / કવિતાનું સૌંદર્ય

article by latahirani

Divyabhaskar.com

Oct 15, 2019, 03:58 PM IST
કાવ્યસેતુ- લતા હિરાણી
કવિતાના ક્ષેત્રે ઘણી નવ્ય પ્રતિભાઓ, જે સરસ લખે છે, એમાં કચ્છ-મુંદ્રામાં રહેતાં અને વ્યવસાયે શિક્ષિકા એવાં શબનમ ખોજા. વાંચતાં તાજગી અનુભવાય અને કલાનું સૌંદર્ય પણ સ્પર્શે એવી એમની રચનાઓ. છેલ્લે જે ગઝલ વાંચી અને મનને સ્પર્શી ગઈ એ,
હું તૃષાનો અંત છું/હા, સ્વભાવે સંત છું.
જે છું એ સામે જ છું/હું ક્યાં હસ્તીદંત છું!
શબ્દો સહજ લાગે છે, પણ સ્વાભાવિક જ એમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલી ગંભીર વાતો! ઇચ્છાઓને ત્યાગી દઈને સ્વભાવે સંત બનવાની વાત પર ધ્યાન દેવામાં મોટા ભાગના લોકોનું અડધું આયખું જતું રહેતું હોય છે. પ્રથમ શેરમાં જાણીતી વાત પણ ઓછામાં ઓછા શબ્દોમાં, ખુમારી સાથે કહેવાઈ છે. અહીં ‘હા’ શબ્દ એક વજન લઈને આવે છે. નાયક સંત હોવાની વાત એક અધિકારથી કહેવાઈ છે. અલબત્ત ‘હું’ના ઓગળવા સાથે સંતત્વ પ્રગટે. સંત અને ખુમારી એ બેય સાથે ચાલતી બાબત નથી, પણ આપણે એ વાતને અધ્યાત્મના પક્ષે રહેવા દઈએ તો કવિતા આમાં સરસ ઊઘડે છે એની દાદ આપવી પડે.
શબ્દરૂપે અલ્પ છું/ અર્થમાં અત્યંત છું.
શબનમની પ્રકૃતિ રમતિયાળ છે એવું એ પોતે લખે છે આથી આવો શેર આવ્યો હશે!
આવો તો સંવાદ રચીશું સપનામાં,
ઊંઘ અમે રાખી છે નહીંતર અથવામાં.
પ્રેમની સમજ નવી પેઢીમાં એકદમ વ્યવહારિક બની ગઈ છે. ‘રાત-રાત ભર જાગ-જાગકર ઈંતઝાર કરતે હૈં, હમ તુમ સે પ્યાર કરતે હૈં’વાળી વાત હવે જૂની થઈ ગઈ. તું આવ તો સરસ અને ન આવ તોયે સરસ. પછી અમે આરામથી ઊંઘીશું! જોકે આને ગંભીરતામાંયે લઇ શકાય. સપનામાં મળવાની પ્રતિક્ષાએ ઊંઘ ઉડાડી દીધી છે એવુંય વર્તાય છે. પણ ‘અથવા’ શબ્દ વાતને હળવી બનાવી દે છે. આ બીજો શેર જુઓ,
લોકો વચ્ચે જલ્દી વહેતાં કરવા‘તા, તેથી સત્યો ફરતા કીધા અફવામાં.
અફવાને પાંખ હોય છે ને વાત વાયરે વાય છે. વાંક આમાં છે મનુષ્ય સ્વભાવનો. જાત વિશે સાવ અભાન પણ બીજા વિશે, બીજાની વાતો વિશે જાણવાનું લોકોને એટલું કુતૂહલ હોય છે કે ક્યારેક ઉંદરનો ડુંગર પણ બની જાય! એક શેરમાં સામાજિક સચ્ચાઈને રજૂ કરી છે.
સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ?
કંઈ તો આકર્ષણ હોવાનું ભગવામાં!
‘ત્યાગ’ શબ્દ જ નકામો છે. વધારે અગત્યનું મેળવવા માટે ઓછું અગત્યનું છોડી દેવાય છે. ઋષિ-મુનિઓ માટે મોક્ષ મેળવવો કે પ્રભુને પ્રાપ્ત કરવા વધારે સુખદાયી છે એટલે એમણે ઓછું સુખદાયી એવું દુન્યવી સુખ ન સ્વીકાર્યું. ગૌતમ બુદ્ધ કે મહાવીર સ્વામી કદી નહીં કહે કે મેં સંસારનો ત્યાગ કર્યો. ‘ત્યાગ’ શબ્દ એ જ વાપરશે જેમના માટે સંસાર વધુ સુખદાયી છે! ઉપરનો શેર આ દૃષ્ટિએ જોવાની મજા છે.
એની સામે કાયમ સાચું રહેવું છે,
દુનિયા સામે છો ને દંભી પડદામાં.
તેથી અમને લગની લાગી ગઝલોની,
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં.
કવિતાના સૌંદર્ય સાથે રજૂ થયેલી વ્યવહારની સચ્ચાઈ ઊડીને આંખે વળગે છે! દુનિયામાં જેવા સાથે તેવા થવું પડે છે, પણ પ્રેમની દુનિયા જુદી જ છે. વ્યક્તિ જ્યારે પ્રેમમાં ગળાડૂબ હોય ત્યારે તેને છેતરવાનો ઇરાદો સપનામાં પણ હોતો નથી. મનને અનાવૃત કરવું ગમે છે. પોતાની પળેપળ પ્રેમીનેે ધરી દેવાની ઈચ્છાનું પ્રાગટ્ય અસ્તિત્વનો પર્યાય બની જાય છે. દરેક ક્રિયામાં, દરેક વ્યવહારમાં જાણેઅજાણે પ્રિયજન પરોવાયેલ હોય છે. આ લાગણી મનને હર્યુભર્યું રાખે છે.
[email protected]
X
article by latahirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી