કાવ્યસેતુ- લતા હિરાણી / વ્હાલમ તારો ટહુકો

article by lata hirani

Divyabhaskar.com

Aug 20, 2019, 03:20 PM IST

કાવ્યસેતુ- લતા હિરાણી
​​​​​​​ઉંબરમાં સાથિયો ને સાથિયામાં નામ તારું હળવે તે હાથે મેઁ ચીતર્યું
પછી આખું આકાશ નીચે ઊતર્યું...
અવસરના પાન મારી ઓસરીએ આવીને, ધીમેથી પૂછે સરનામું
એના જવાબમાં કહી દઉં હું આજ સખી, પૂજામાં ખૂટે તરભાણું
ચીંથરામાં વીંટેલું રતન કાંઈ મખમલનું સોનેરી અંજળનું
પિયરની ડેલીથી નીતર્યું
પછી આખું આકાશ નીચે ઊતર્યું...
પોથીને વાંચીને પંડિત થવાય એમ આયખાને વાંચો તો જાણું
સાચકલી એક આશ મોભારે બેઠી છે, એને હું મજિયારી માણું
પાંપણને વિંધીને પરદેશી પાનેતર કાળજામાં અણધાર્યું
મોતીની પાલખી શું ઊભર્યું
પછી આખું આકાશ નીચે ઊતર્યું...
- હાર્દિક વ્યાસ
સાથિયો-સ્વસ્તિકનું ચિહ્્ન આપણી સંસ્કૃતિમાં શુભ મનાયું છે. એક સમય હતો, જ્યારે સવારના પહોરમાં ઘરનાં ઉંબરે સાથિયો થતો અને દિવસને આવકાર અપાતો. બારણે લાભ-શુભ પણ લખાતાં. હવે તો ન રહ્યા ઉંબરા કે ન રહ્યા સાથિયા. અલબત્ત, શુભ પ્રસંગો પૂરતી આ પરંપરા જળવાય છે ખરી. નાયિકાને હવે આવનારા શુભ દિવસોની પ્રતીક્ષા છે. એક કુંવારી કન્યાના કોડ શબ્દોના લસરકે આ ગીતમાં ચીતરાયા છે.
બાળપણમાં ફોઇબાએ પાડેલું ને મમ્મી-પપ્પાએ વધાવેલું નામ આમ જુઓ તો નવા જન્મેલા બાળકને આ સૃષ્ટિ પર એક ઓળખાણ આપવાની રસમ છે. એમાં અર્થનો વૈભવ શું છે એનો પહેલાં વિચાર થતો, હવે નવા નામ રાખવાની હોડમાં અર્થનું પાસું ભુલાઈ જાય છે, પણ એ નવી પેઢીનો અંદાજ છે જેમાં આપણે કાંઇ ન કરી શકીએ. બાળકની વય વધવાની સાથે આ નામનું વજન પણ વધતું જાય છે અને એ દિવસ પણ આવે છે કે જ્યારે એ નામ કોઈના માટે હૈયાનો હાર બની જાય!
પ્રિયજનનું નામ મનમાં ગુંજે અને રુવાંડે રુવાંડે રોમાંચનો રાસોત્સવ રમાય. આખુંય આકાશ સંકોચાઈને એક ટચૂકડા હૈયામાં વ્યાપી જાય, પછી ખીલે ત્યાં ગગનમંડળના અસંખ્ય તારાઓ અને પૂર્ણિમાનો ચંદ્ર. વાદળ સમ ધબકારા ધડકતી છાતીમાં ઉછળે ને રકતની રતાશ ચહેરાને રંગી દે. એક શબ્દ, એક નામ જો હૈયાને હિલોળે ચડાવે તો ક્યાંક આછેરો સ્પર્શ કેવી ઉથલપાથલ જગવી દે! એક વાત એય મનમાં આવે છે કે એકબીજા સાથે તદ્દન મુક્ત રીતે જીવતી આ નવી પેઢીનું વર્તન સાહજિક જરૂર લાગે, પણ એકાદ અછડતા સ્પર્શના અદ્્ભુત રોમાંચનો વૈભવ તો એમનાથી કોસો દૂર રહી જશે! પણ એ સમયની ચાલ છે ને એનું સમાધાન પણ એની પાસે!
અવસરના આવકાર આંખોથી હોય ને હૃદય એમાં સાહેદી પૂરે ત્યારે એ તારીખની પ્રતીક્ષા નથી કરતાં. એને સરનામું આપોઆપ જડી જાય છે. એમાં કોઈ ક્રિયા કે સાધનોની આવશ્યકતા નથી હોતી. અવસરને વધાવવા આખું પિયર ડેલી ખોલીને ટોળે વળ્યું છે, અજવાળું પાથરીને રાહ જુએ છે એક પગલાંના પમરાટની, જેનાં આવતાં જ શેરી સુગંધિત થઈ ઊઠશે, આંગણાનો તુલસીક્યારો મ્હોરી ઊઠશે. આ અવસર નિશ્ચિત છે અને વિધાતાની નોંધમાં ક્યારનો સચવાયેલો છે. એ ક્ષણો એના સમયે વહી આવી છે અસ્તિત્વમાં અને હવે એનું સંગીત ગુંજે છે આસપાસ. કેટલો વિશ્વાસ ઓઢીને બેઠી છે એક કન્યા! આયખું આખું એક માનેલાને સોંપી દેવાનું છે અને પ્રત્યેક ક્ષણ એ સુખથી ભરી દેશે એવા આશાના એવરેસ્ટ પર મ્હાલી રહી છે એ કન્યા! સફેદ પાનેતરની લાલ કોરમાં મેઘધનુષના સાતેય રંગો ભાળતી એ કન્યા. કવિતાની આવી ક્ષણો માનવીના જીવનમાં સુખનું આકાશ સર્જેે છે.
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી